અમરેલીમાં તમાકુ વેચાણના નિયમનો ઉલાળિયો કરનાર 12 વેપારી સામે ફરિયાદ
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 2200નો દંડ ફટકાર્યો, વેપારીઓમાં ફફડાટ
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને તમાકુ નિયંત્રણ અધિનિયમ અન્વયે અમલવારી તથા જનજાગૃત્તિ અર્થે જિલ્લા તમાકુ નિયંત્રણ સમિતિ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવે છે. ત્યારે એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ દ્વારા શહેરમાં તમાકુ વિક્રેતાઓના સ્થળ પર જઇ તપાસ કરતા 12 વેપારી તમાકુના નિયમનો ઉલાળીયો કરતા ઝડપાયા હતા. તેમને રૂૂપિયા 2,200નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તમાકુનું વેચાણ કરતાં લારી-ગલ્લા પર તમાકુ વિતરણ અને તેના સેવનને લગતાં જોખમ બાબતે સૂચક બોર્ડ દર્શાવવામાં ન આવ્યા હોય તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓની 100 વારની ત્રિજ્યામાં તમાકુ વેચાણ કરવું, જાહેર સ્થળોએ તમાકુની બનાવટોનું સેવન કરવું, ઇ-સિગારેટનું વેચાણ, સંગ્રહ કે તેના ઉપયોગ કરનાર, તમાકુની બનાવટોની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત આપવી, નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી વિના તમાકુની બનાવટોનું વેચાણ સહિતની બાબતોને ધ્યાને રાખીને વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલમાં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, પોલીસ, પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ, ખોરાક અને ઔષધ નિયમન સહિતની કચેરીઓના સંયુક્ત પ્રયાસથી અમરેલી શહેરમાં વિવિધ સ્થળો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અમરેલી શહેરના નાગનાથ બસ સ્ટેન્ડ, મોટા બસ સ્ટેન્ડ, લાઠી રોડ, ચિતલ રોડ, સેન્ટર પોઇન્ટ તેમજ કોલેજ સર્કલ વિસ્તારમાં તમાકુના નિયમના ભંગ બદલ 12 વેપારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂૂપિયા 2,200નો દંડ વસુલાવમાં આવ્યો હતો.