લીલિયાના આંબા ગામે મકાનમાંથી રોકડ અને દાગીના મળી 8.71 લાખની ચોરી
પરિવાર બહારગામ ગયો ત્યારે તસ્કરો ત્રાટકયા
લીલીયાના આંબા ગામમાં અજાણ્યા શખ્સે એક બંધ ઘરને નીશાન બનાવ્યું હતું. અહીં પરિવાર બહાર ગામ જતા જ મકાનમાં દરવાજાનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂૂપિયા 8.71 લાખની મત્તાની ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે અજાણ્યા શખ્સ સામે લીલીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આંબા ગામે આર.બી.સાવજ વિજય મંદિર હાઈસ્કૂલની સામે રહેતા ખોડાભાઈ રવજીભાઈ સાવજ (ઉ.વ.56)એ લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેના પરિવાર સાથે 29 ઓગસ્ટના રોજ સવારના નવેક વાગ્યે બહાર ગામ ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ખોડાભાઈ સાવજ અને દેવચંદભાઈ સાવજના મકાનમાં પ્રવેશ કરી દરવાજાના નકુચા ઉપરાંત તાળા તોડી પ્રવેશ કર્યો હતો.
તસ્કરને બંને ઘરમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂૂપિયા 8.71 લાખની ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે અજાણ્યા શખ્સ સામે લીલીયા પોલીસમાં ચોરીનો ગુનો નોંધાતા પીઆઈ એમ.ડી.સાળુંકે વધુ તપાસ ચલાવી રહ્યા છે.