અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા ઉપર મધરાત્રે હુમલાનો પ્રયાસ
અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાત પર થયેલા હુમલાના પ્રયાસે રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે. ગત મોડી રાત્રે ધારી નજીક દૂધાળા ગામ પાસે તેમની કાર પર અજાણ્યા શખ્સોના ટોળાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રતાપ દુધાત ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રામાં ભાગ લઈને ત્રણ ગાડીના કાફલા સાથે પરત ફરી રહ્યા હતા. ત્યારે દૂધાળા ગામ પાસે અંદાજે 15 થી 20 જેટલા અસામાજિક તત્વોએ તેમની ગાડીને રોકીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે, દુધાત અને તેમના કાફલાએ સમયસર સુરક્ષિત રીતે ત્યાંથી નીકળી જવામાં સફળતા મેળવી.
ઘટના બાદ પ્રતાપ દુધાતે અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાતને આ અંગે જાણ કરી હતી અને આજે સવારે તેઓ એસ.પી.ની કચેરીએ પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, અજાણ્યા શખ્સો કોણ હતા અને હુમલાનું ચોક્કસ કારણ શું છે તે પોલીસ જ કહી શકશે. તેમણે શંકા વ્યક્ત કરી કે ખેડૂતોના મુદ્દે કે ખનીજચોરીના મામલે તેઓ અવારનવાર બોલતા હોવાથી કેટલાક તત્વોને આ વાત ન ગમી હોય શકે. દુધાતે વધુમાં જણાવ્યું કે, ગાડીને સામાન્ય નુકસાન થયું છે અને મારા ડ્રાઈવર દ્વારા ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે.
આ ઘટનાના પગલે પ્રતાપ દુધાતે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આમ પણ અમરેલી જિલ્લો બદનામ છે. આ વિસ્તારમાં ફોરેનર આવતા હોય છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે, પરંતુ આ અસામાજિક તત્વોના કારણે સરકાર જ તેને સાકાર થવા નથી દેતી.
દુધાતે એસ.પી.ને હુમલાખોરોની કારના વીડિયો અને તેમની ભાષાના પુરાવા પણ આપ્યા છે. તેમણે જણાવ્યું કે હવે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે આવનારો સમય જ બતાવશે.