અમરેલીના યુવાનને ‘લૂંટેરી દુલ્હન’ ભટકાઇ: લગ્નના પાંચ દિવસ બાદ 1.70 લાખ લઇ ફરાર
અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામે રહેતા એક યુવકના લગ્ન થતા ન હોય સભાડીયાના એક વ્યકિતની મદદથી ખેડા જિલ્લાના પીપળ ગામની યુવતી સાથે રૂૂપિયા 1.70 લાખ ચુકવી ફુલહાર વિધીથી લગ્ન કરાયા હતા.
યુવતી યુવકના ઘરે પાંચ દિવસ રોકાયા બાદ રફુચક્કર થઇ ગઇ હતી. આ બારામા યુવકે ત્રણ વ્યકિત સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
રાકેશભાઇ કાળુભાઇ ચૌહાણ (ઉ.વ.33) નામના યુવકે અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ત્રણેક મહિના પહેલા તેના પિતા કાળુભાઇએ સભાડીયામા રહેતા ચતુરભાઇ ભીખાભાઇ પાટડીયાને લગ્ન બાબતે વાત કરી હતી.
જેથી તેણે ખેડાના પીપળ ગામે રહેતા રાજુભાઇ સાથે ફોન પર વાત કરી હતી અને રૂૂપિયા બે લાખમા લગ્ન કરાવી આપવાનુ નક્કી કરાયુ હતુ.રાકેશભાઇ તેમજ તેમના પિતા, કાકા, ભાઇ તથા ભાભી વિગેરે પીપળ ગામે ગયા હતા.
અહી રાજુભાઇ પટેલના ઘરે ગયા હતા અને તેણે તેમની બહેન રેખાબેન રમણભાઇ પટેલ સાથે લગ્ન કરાવી આપીશુ રૂૂપિયા 1.70 લાખ આપવા પડશે. જેથી તેમને રૂૂપિયા આપી દીધા હતા અને બાદમા રેખાબેન સાથે ફુલહાર વિધીથી લગ્ન થયા હતા.
લગ્નના પાંચ દિવસ બાદ રાજુભાઇ પટેલ અને ચતુરભાઇ ઘરે ઢગ લઇને આવ્યા હતા અને રેખાબેનને પાંચ દિવસ બાદ મોકલી આપીશુ કહી તેને તેડી ગયા હતા. જો કે વીસેક દિવસ થવા છતા રેખાબેન આવ્યા ન હતા.
બાદમા રાજુભાઇ પટેલ કે રેખાબેનનો કોઇ સંપર્ક થયો ન હતો. જેથી આ ત્રણેયે મળી 1.70 લાખની છેતરપીંડી આચરી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇ જે.કે.પાંડવ ચલાવી રહ્યાં છે.