અમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌન
રાજકીય આખલા યુદ્ધમાં નિર્દોષ યુવતીનું સરઘસ કાઢી અપમાનિત કરનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઠેર ઠેરથી ઉઠેલી માંગ, પાટીદાર સમાજમાં ઉગ્ર આક્રોશ
સમાજના હામી હોવાના દાવા કરી છાતી પીટતા નેતાઓ ગુમ, અમુક દાવ કાઢવામાં તો અમુક રાજકીય ‘તાપણા’ કરવામાં વ્યસ્ત, વિભિષણો-શિખંડીઓના ચહેરા પણ થઇ રહ્યા છે બેનકાબ
જે લોકોએ ભૂંડી ભૂમિકા ભજવી તે તમામ સામે કડક કાર્યવાહી થાય, દીકરી પર લાગેલા દાગ અને કેસ દૂર કરવાની સંપૂર્ણ જવાબદારી સમાજની: અલ્પેશ કથીરિયા
કોંગ્રેસના નેતાઓએ ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવતા ભાજપના નેતાઓ રાજકારણ કરવાના આક્ષેપ સાથે બચાવમાં ઉતરી પડ્યા, આક્ષેપો-પ્રતિ આક્ષેપો વચ્ચે પીડિતાની વેદના દબાઇ
અમરેલીમા ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને ભાજપના જ પૂર્વ હોદેદાર મનિષ વઘાસિયાના જૂથો વચ્ચે બોગસ પત્ર વાયરલ કરવાના આખલા યુધ્ધમા મનિષ વઘાસિયાની ઓફિસમાં રૂા. 8 હજારના પગારથી કામ કરતી પાટીદાર સમાજની ટાઇપીસ્ટ યુવતીનું રીઢા ગુનેગારની માફક પોલીસ દ્વારા સરઘસ કાઢવાની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે અને આ ઘટના બાદ પાટીદાર સહિત અન્ય સમાજોમા આક્રોશ ફેલાતા ભાજપના નેતાઓ બચાવની મુદ્રામાં આવી ગયા છે જયારે કોંગ્રેસે આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત આપી જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયુ હતું.
ભાજપના આંતરિક ભવાડામા પોલીસને હાથો બનાવીને નિર્દોષ યુવતીને જાહેરમા અપમાનિત કરવાની ઘટના બની છે તેમા ભાજપના સ્થાનિક પાટીદાર નેતાઓનો જ મુખ્ય રોલ છે. આમ છતા ભાજપના નફફટ અને બેશરમ અનેક નેતાઓ હજુ પણ પોલીસનો બચાવ કરી સમાજનો દ્રોહ કરી રહયા છે. જેના કારણે સમાજ આવા નેતાઓ ઉપર થૂ... થૂ કરી રહયો છે.
આટલી ગંભીર ઘટના હોવા છતા પાટીદાર સમાજના અનેક ધૂરંધર નેતાઓના મોઢે તાળા લાગી ગયા છે. છાસવારે સમાજના હામી હોવાનો દાવો કરી છાતી પીટતા પાટીદાર નેતાઓ માટીપગા બની ગયા છે અને કેટલાક ફૂટલા નેતાઓ ઉલ્ટાનો ઘટનાનો બચાવ કરી રહયા છે અને આ મુદાનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ ઉપર રાજકારણ કરવાનો આરોપ લગાવી પોતાની રાજકીય વફાદારી બતાવવા બેશરમીથી પ્રયાસો કરી રહયા છે. તો અમુક રાજકીય તાપણુ કરવામાં વ્યસ્ત છે.
અમરેલી પોલીસે આ હિન કૃત્ય કયા નેતાના દબાણ હેઠળ આચર્યુ છે તે જાહેર થવુ જોઇએ અને આ માટે જે ઘટનાના કેન્દ્રમા છે તે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ જ લોકો સામે આવીને સત્ય જાહેર કરવુ જોઇએ. જોકે, કૌશિક વેકરીયા હાલ ભીંસ પડતા ભોંભીતર થઇ ગયા છે જયારે પરસોતમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા નેતાઓ ખંધુ મૌન ધારણ કરીને બેઠા છે તો અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાલા નફટાઇ પૂર્વક પોલીસનો બચાવ કરી રહયા છે.
ભાજપના પાટીદારોમાં એકબીજાનું રાજકારણ ખતમ કરવાની સ્પર્ધા ધીરે ધીરે નિમ્નસ્તરે પહોંચી છે અને તેમા સમાજ સાથે કોણ છે, વિભિષણો કોણ છે અને શિખંડીઓ કોણ છે તે પણ ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહયુ છે.
સમાજની દીકરીને ખોટી રીતે લેટર કાંડમાં ફસાવી ભાજપ નેતાના અહમ સંતોષવા પોલીસ દ્વારા આ કૃત્ય કરાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે અમરેલી પોલીસના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી માંગ સાથે પાસ નેતા અને પાટીદાર સમાજના અગ્રણી એવા અલ્પેશ કથીરીયા તથા સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, રાજકોટના લલિત કગથરા સહિતના નેતાઓ મેદાનમાં આવ્યા છે. જો કે, પાટીદારોનો એક સમયે ઠેકો લઇ હવે ભાજપની કંઠી બાંધીને બેસી ગયેલા હાર્દિક પટેલ હજુ ભોંભીતર છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ નેતા અને પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથેરીયાએ જણાવ્યું છે કે હાલ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. સ્વાભાવિક છે કે દરેક કાર્યકર્તા સંગઠન પર્વની અંદર પોત પોતાની રીતે કાર્ય કરી રહ્યા છે.અંદરો અંદરની હરીફાઈના કારણે જે લેટર કાંડ સામે આવ્યો છે તેને લઈ ફરિયાદ દાખલ થઈ છે. તેમાં જે યુવતીની ધરપકડ કરાઇ છે તે માત્ર ઓફિસમાં ટાઈપિંગનું માત્ર કામ કરતી હતી. જેથી પત્રનું શું કરવું અને શું ન કરવું તેની જવાબદારી યુવતીની નહીં પરંતુ તેના માલિકની હોય છે. પરંતુ આ ઘટનામાં યુવતી પર ગુનો દાખલ કરી યુવતીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તે જ ઓફિસથી થોડા અંતરમાં સરઘસ સ્વરૂૂપે તેને જાહેરમાં લઈ જવી તે કિસ્સો ગુજરાતમાં લાંછન રૂૂપ કિસ્સો બનીને સામે આવ્યો છે. કહેવાય છે કે દીકરી આંગનની તુલસીનો ક્યારો હોય છે. આ ઘટના બાદ દરેક સમાજે આગળ આવવું જોઈએ. જે લોકોએ પણ આ કેસમાં ભૂંડી ભૂમિકા ભજવી હોય તેમાં કોઈ અધિકારી હોય કે પછી નેતા હોય તમામની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
વધુમાં અલ્પેશ કથીરિયા જણાવ્યું કે, સમાજના લોકો એટલા માટે આગળ આવી રહ્યા નથી કારણ કે ફરિયાદ કરવાવાળા અને ફરિયાદ કરાવનારા પાટીદાર છે. જે દીકરી છે તે પણ પાટીદાર છે. ઘણા આગેવાન જોડે વાત થઈ છે અને મેં જાતે પણ આ બાબતને લઈ ચર્ચા કરી છે. રાજ્યના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ આ મુદ્દો લાવવો જોઈએ. ફરિયાદીએ જાતે કોર્ટમાં આવી અને આ કેસમાં યુવતીને જામીન.મળે તે માટેના પ્રયાસ કરવા જોઈએ. નીચેની કોર્ટ દ્વારા યુવતીના જામીન રદ કરવામાં આવ્યા છે. જે દીકરી આજે જેલમાં છે. જે દીકરી પોલીસ સ્ટેશનમાં કોઈ દાદર આજ સુધી ચઢી નથી, તે દીકરીએ પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો છે. તે દીકરીને વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી માંગ છે. આ દીકરી પર લાગેલા ડાઘ અને કેસ દૂર કરવાની સંપૂર્ણ જવાબદારી આ સમાજની અને આ વ્યવસ્થાની છે.
પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્ર અંગે અલ્પેશ કથેરીયાએ જણાવ્યું હતું કે,દરેક સમાજે પત્ર લખવો જોઈએ અને તેઓએ આગળ પણ આવવું જોઈએ. આ જવાબદારી સામાજિક આગેવાનોની છે. રાજકીય આગેવાનોથી કોઈ ભૂલ થાય તો તેના કાન આમળવાની જવાબદારી પણ સામાજિક આગેવાનો અને સંસ્થાઓની છે. જે જવાબદારીમાંથી કોઈએ છટકબારી કરવી જોઈએ નહીં.
સુરત પાટીદાર સમાજે આપ્યું આવેદન, પોલીસ સામે કાર્યવાહીની માગણી
અમરેલીમાં બોગસ લેટરકાંડમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે પાટીદાર રોષે ભરાયો છે. સુરત શહેરમાં પાટીદાર સમાજના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને અઠવાલાઇન્સ ખાતે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. પાટીદાર સમાજે ભાજપ પર આક્ષેપ કરીને કહ્યું કે ભાજપના ઈશારે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. સરઘસ કાઢનાર અધિકારીઓ સામે પણ કાયદાસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. આગામી સમયમાં દીકરીને ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પાટીદાર સમાજે ચીમકી ઉચ્ચારી છે.
તે અમારા જવતલિયા મામાની દીકરી છે, હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને
જરૂર પડે ત્યાં દીકરી સાથે ઊભા રહેશું: રવિરાજસિંહ ગોહિલ
અમરેલીની ઘટનામા હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે અને ભાવનગરના ક્ષત્રિય યૂવાન રવિરાજસિંહ ગોહિલે જણાવ્યુ કે, અમરેલીમાં જે શરમજનક ઘટના બની તે માત્ર પાટીદાર સમાજની દીકરી જ નથી પરંતુ તે અમારા જવતલિયયા મામાની દીકરી છે આ દિકરીને ન્યાય અપાવવા માટે થઈને ક્ષત્રિય યુવાન તરીકે સરકારની સામે જે કંઈ પણ લડત લડવી પડે તે અમે લડીશું. વધુમાં તેમણે ક્ષત્રિય સમાજના યુવાનોને વિનંતી કરતા કહ્યુ કે, આપણે તે વાત ન ભુલવી જોઈએ કે, આપણા અસ્મિતા આંદોલન વખતે આ અમરેલીના જ પાટીદાર સમાજના જવતલિયા મામા તરીકે થઈને આવ્યા હતા ત્યારે તેમણે કહ્યુ હતુ કે, મારી બહેનોને ચિંતા કરવાની જરુર નતી તેના જવતલિયા હજુ જીવે છે અને આજે તે જ અમરેલીની દીકરી સાથે આવી શરમજનક ઘટના સરકાર દ્વારા કરવામાં આવી હોય તો એક ક્ષત્રિય તરીકે તેમની સાથે ઉભુ રહેવું તે આપણી ફરજ છે ખાલી કલ્પના કરો કે, જુવાન દીકરીને એક આરોપીની જેમ ભર બજારે સરઘસ કાઢવામાં આવ્યુ ત્યારે તે દીકરી અને તેના મા બાપ પર શું વીતતી હશે ? વધુમાં તેમને સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, ગુજરાત સરકાર નારીને માન ન આપી શકો તો ચાલશે પણ નારીનું અપમાન તો ન કરો. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ઘણી બધી દુષ્કર્મની ઘટના બની આ ઘટનાની પીડીતોને ન્યાય ન અપાવી શકો તો કંઈ નઈ પણ આ ગુજરાતની દીકરીઓને આવી રીતે અપમાનિત તો ન કરો. એક ક્ષત્રિય યુવાન તરીકે આ દીકરીની લડતમા જ્યાં જરુર પડે ત્યાં દીકરીની સાથે છીએ અને રહેશું.
પોલીસે ભાજપના ધારાસભ્યનો હાથો બનીને નિર્દોષ દીકરીનું સરઘસ કાઢ્યું
મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ નથી નીકળતું પણ ગરીબ દીકરીને બેઈજ્જત કરાય છે : ઈટાલિયા
પાટીદાર દીકરી સાથે પોલીસના વર્તનને લઈને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી અને જઘન્ય કહી શકાય તેવી ઘટનાને અંજામ આપ્યો છે. ભાજપના લોકોને સત્તાનો અહંકાર હાવી થઈ ગયો છે તેમને સત્તાનો નશો ચઢ્યો છે એટલા માટે તેઓને ભાન રહ્યુ નથી કે તેઓ શું કહી રહ્યા છે.ભોગ બનનાર દીકરી ભાજપના ફેક લેટર બનાવવા વાળા ગ્રુપમાં એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં કામ કરતી હતી આ ગરીબ પરિવારની દિકરી છે જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ટાઈપીસ્ટ તરીકે નોકરી કરી છે. તો સ્વાભાવિક છે કે, જે નેતાએ કહ્યુ હશે તે તેને ટાઈપ કર્યું હશે. આ ફેક લેટર વાયરલ થતા પોલીસે આ દીકરીની ધરપકડ કરી. આ દીકરીનો શું વાંક હતો તેને તો તેના માલિકે જે કહ્યું તે ટાઈપ કર્યું તે રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી. આવું જાણવા છતા પોલીસ ધારાસભ્યનો હાથો બનીને ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસે માસુમ ગરીબ દિકરીની ધરપકડ તો કરી પરંતુ ધરપકડ કર્યા પછી ભાજપના દલાલ જેવા જે અધિકારીઓ છે તેમણે આ દીકરીનું સરઘસ કાઢ્યું. વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, મહા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાનુ સરઘસ નથી નિકળતું પણ જે પરિવારનું પાલન કરવા નોકરી કરે છે તેને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવીને ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ અધિકારીઓએ દીકરનું સરઘસ કાઢ્યું .ભાજપ દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે. ભાજપ વાળા દુષ્કર્મીઓને, બુટલેગરોને, ટ્રગ્સ માફિયાઓને પકડી શકતા નથી અને પણ એક દીકરીનું સરઘસ કાઢવામાં સૂરા થઈને ફરે છે. આમ કહીને ગોપાલ ઈટાલીયાએ પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા.
નમાલો ધણી બૈરી પર શૂરો, યુવતીનો ગુનો શું હતો?, સરકારને શરમ નથી આવતી ?: કગથરા
અમરેલીમાં વિધાનસભાના દંડક કૌશિક વેકરીયા સામે લેટરબોંબ કાંડમા પાટીદાર સમાજની કુંવારી દીકરીને રાત્રે 12 વાગ્યે ધરપકડ કરીને પોલીસે સરઘસ કાઢયા બાદ આ મૂદે લોકો ફીટકાર વરસાવી રહયા છે. આ મૂદે મોરબીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઇ કગથરાએ પોતાનો વસવસો વ્યકત કર્યો છે અને પોલિસ-સરકાર પર આ મૂદે આકરા પ્રહારો કર્યા છે.
અમરેલીમા પાટીદાર સમાજની કુંવારી દીકરીને અડધી રાત્રે ધરપકડ કરીને બાદમા રીક્ધસ્ટ્રકશનના નામે નામચીન આરોપીઓનુ સરઘસ કાઢે તેમ ફેરવ્યા બાદ પાટીદાર સમાજમા ભારે રોષ જોવા મળી રહયો છે. આ મૂદે મોરબીના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતુ કે, તમારી દીકરીને રાત્રે 1ર વાગ્યે ધરપકડ કરે અને એનો ગુનો શું હતો ? એ હિસ્ટ્રીશીટર હતી ? શું સમગલિંગ કર્યુ હતું ? શું એ દીકરીએ 30ર કરી હતી ? એક દીકરીએ લેટર ટાઇપ કર્યો અને લેટર ટાઇપ કરવામા તમે રાત્રે 12 વાગ્યે ધરપકડ કરો એ પણ કુંવારી દીકરીની. પછી અમરેલીમાં સરઘસ કાઢો છો. શરમ આવી જોઇએ. પેલી કહેવત છે ને કે નમાલીયો.... ત્રેવડ વગરનો જે ધણી હોય ને તે બૈરા ઉપર સૂરો હોય. આ સરકાર અને પોલીસ તંત્ર એ બતાવી રહી છે કે નમાલી છે. એના ઙઈંને બુટલેગર ગાડીમાં ઉડાડી નાખે ને પોલીસ પકડી ના શકતી હોય એવી સરકાર અને એનું તંત્ર એક દીકરીનું સરઘસ કાઢે છે. શરમ આવી જોઇએ ! !
બાંભણિયાનું નરો વા... કુંજરો વા, રજૂઆત કરી છે, વાત કરી છે!
પાટીદારોના મામલે હંમેશા ઉગ્રવલણ અપનાવતા પાસના પૂર્વ અગ્રણી દિનેશ બાંભણીયા પણ નરોવા-કુંજરોવા જેવી ભાષા બોલી રહ્યા છે. તેમણે જણાવેેલ કે, કૌશિક વેકરીયાના લેટર કાંડ મામલે પાટીદાર નેતાઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. બામણીયાએ કહ્યું હતું કે ઓફિસમાં કામ કરતી દિકરીને આરોપી બનાવી દેવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે તેને મુખ્ય સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી દેવામાં આવી છે. આમ આ મેટર રાજકીય બની ગઈ છે ત્યારે વરઘોડો કાઢવો ન જોઈએ. આરોપીઓ, બુટલેગરો અને રીઢા ગુનેગારોના વરઘોડા ભલે કાઢો. પરંતુ અમરેલીમાં દિકરીનો વરઘોડો કાઢવાની ઘટના નિંદનીય બની છે. ઓફિસમાં કામ કરતી દિકરીએ કોઈના કહેવાથી પત્ર ટાઈપ કર્યો હતો. ક્રિમીનલ રેકોર્ડ ન ધરાવતી દિકરીને આરોપી બનાવવાનું અતિ નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના નકલી લેટરકાંડ મામલે મામલે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ફરિયાદી પક્ષના કિશોરભાઈ અને કૌશિકભાઈ સાથે વાર્તાલાપ કર્યો છે. તેમજ દીકરીને જામીન મળે અને આરોપી તરીકે દૂર થાય તેવી વાત કરી છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દીકરીને ન્યાય મળે અને જામીન મંજૂર થાય તે અંગે ખોડલધામ પીડિતા સાથે છે. આ દીકરીનું નામ ફરિયાદમાંથી દૂર થાય તે અંગે ખોડલધામ સાથે છે.
મહેશ કસવાલાના મગરના આંસુ, અમે જામીન માટે પ્રયાસ કરીએ છીએ
સાવરકુંડલાના ભાજપ પાટીદાર ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું સમાજ અને પક્ષના આગેવાનો દીકરીના પરિવારના સંપર્કમાં છે. બે દિવસ પહેલા જામીન મુકાયા ત્યારે અમે વકીલને બહેનના હિતમાં જામીન મૂકવા કહ્યું હતું. ગેરસમજના કારણે તમામ આરોપીના જામીન મુકાયા હતા અને કોર્ટે જામીન ન આપ્યા. ફરી દીકરીના જામીન મૂકવામાં આવ્યા છે અને તેને જામીન મળે તે દિશામાં અમે પણ પ્રયાસ કરીએ છીએ. આ ઉપરાંત કૌશિક વેકરીયા અને દીકરી બંને પાટીદાર સમાજના છે ત્યારે પાટીદાર સમાજ વચ્ચે ફાંટા પડાવવાની રાજનીતિથી દૂર રહેવા અપીલ કરી હતી.