વડિયામાં મજૂરીના પૈસા ન મળતા ચોરીનો પ્લાન ઘડ્યો, દંપતી જાગી જતા હત્યા કરી
માત્ર બે મિનિટના સીસીટીવી ફૂટેઝ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવામાં મહત્વના સાબિત થયા, ચાર આરોપી પકડાયા
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં થયેલી લૂંટ અને હત્યાના કેસનો ભેદ પોલીસે 10 દિવસમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપીને વૃદ્ધ દંપતીએ ઓળખી જતાં તેમની હત્યા કરી લૂંટ કરવામાં આવી હતી.
17 જુલાઈ, 2025ના રોજ વડીયાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં ચકુભાઈ રાખોલીયા અને તેમના પત્ની કુંવરબેનની તેમના જ ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ સાથે જ ઘરમાંથી આશરે રૂૂ. 2 લાખની માલમત્તાની લૂંટ પણ થઈ હતી. બનાવ બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા સહિત આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એકઠા થયેલા લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસે સમજાવ્યા હતા અને આરોપીઓને ઝડપથી ઝડપી પાડવાની ખાતરી આપી હતી.
આ બનાવમાં અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. અલગ અલગ 50 જેટલી ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે ગામમાં અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.
સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે રામજી ઉર્ફે બાલો પ્રાગજીભાઈ સોલંકી (ઉં. 25), આશિષ ઉર્ફે બાવ પ્રાગજીભાઈ સોલંકી (ઉં. 22), અનિલ ઉર્ફે અનકો કેશુભાઈ સોલંકી (ઉં. 25), અને મીઠું ઢેબર (ઉં.વ. આશરે 28) નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ગુનાની કબૂલાત કરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી રામજી ઉર્ફે બાલોને ચકુભાઈ રાખોલીયા પાસેથી મજૂરીના પૈસા લેવાના હતા. આ બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. મજૂરીના પૈસા ન મળતા રામજીએ તેના સાથીદારો સાથે મળીને ચકુભાઈના ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓ ચોરી કરવાના ઇરાદેથી જ ઘરમાં ઘૂસ્યા હતા. પરંતુ, ચકુભાઈએ તેમને ઓળખી જતાં તેઓએ હુમલો કર્યો હતો. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો વડે ચકુભાઈ અને તેમની પત્ની પર હુમલો કરી તેમની હત્યા કરી હતી. ત્યારબાદ ઘરમાંથી રોકડ રકમ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસે જણાવ્યું કે મુખ્ય આરોપી રામજી ઉર્ફે બાલો સામે અગાઉ પણ વડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ચાર ગુના નોંધાયેલા છે. અન્ય આરોપીઓ પણ અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા.આ કેસને ઉકેલવામાં અમરેલી પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે પોલીસ ટીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા છે અને તેમને યોગ્ય ઇનામ આપવાની જાહેરાત કરી છે.