લાઠીના ભુરખિયા ગામેથી 59 કિલો અફીણના કાલાનો જથ્થો ઝડપાયો
અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પોલીસની કામગીરી વધુ સઘન બની છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા લાઠીના ભુરખીયા ગામેથી મસમોટો માદક પદાર્થનો જથ્થો (કાલા) ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીને કારણે નશાનો કારોબાર ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાઠી તાલુકાના ભુરખીયા ગામમાં એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન, મકાનમાંથી સૂકો માદક પદાર્થ (પોસ્ટ ડોડા), જેને સ્થાનિક ભાષામા કાલા કહેવાય છે, તેવા 59 કિલો અને 800 ગ્રામનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, મોબાઈલ ફોન અને વજન કાંટા સહિત કુલ રૂૂ. 1,86,140/- નો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસે આ મામલે રાજુભાઈ નકુભાઈ ચાવડા નામના આરોપીને ઘટનાસ્થળેથી જ દબોચી લીધો છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂૂ કરી છે. એસઓજી દ્વારા ઝડપાયેલો આ મસમોટો જથ્થો જિલ્લામાં ચાલી રહેલા કાળા કારોબારી ઓમા ફફડાટ ફલાયો છે. પોલીસે મુદ્દામાલ સાથે એકને અટક કરી.