For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

15 રાજ્યો ધુમ્મસની લપેટમાં, ટ્રેન-વિમાની સેવાને અસર

11:07 AM Dec 27, 2023 IST | Sejal barot
15 રાજ્યો ધુમ્મસની લપેટમાં  ટ્રેન વિમાની સેવાને અસર

દેશમાં શિયાળાએ ધીરેધીરે ભારે જમાવટ કરી છે અને રાજધાની દિલ્હી સહીત દેશના 15 જેટલા રાજયોમાં ગાઢ ધુમ્મસ છવાઇ જતા વિમાન, ટ્રેન અને વાહન વ્યવહારને વ્યાપક અસર થવા પામી છે. આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીમાં 16 ફલાઇટ રદ કરવામાં આવી છે તો 110 ફલાઇટ મોડી થઇ છે. દિલ્હીમાં ધુમ્મસને લઇને યલ્લો એલર્ટ જારી કરાયું છે.
દિલ્હીના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ રહી છે અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એલર્ટ જારી કરવામાં આવ્યું છે કે દિલ્હીમાં 31 ડિસેમ્બર સુધી ધુમ્મસ ચાલુ રહેશે, જ્યારે નવા વર્ષ પર હળવા વરસાદની પણ સંભાવના છે. પીટીઆઈના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસની સ્થિતિને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી અને વિલંબિત થઈ હતી.
દિલ્હી એરપોર્ટે એક એડવાઈઝરી જારી કરીને જણાવ્યું હતું કે જ્યારે લેન્ડિંગ અને ટેકઓફ ચાલુ હોય છે, ત્યારે CAT III (કેટેગરી III ) ધોરણોનું પાલન ન કરતી ફ્લાઈટ્સ વિક્ષેપનો સામનો કરી શકે છે. મુસાફરોને તાજેતરની ફ્લાઇટ માહિતી માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા અને તેમની ફ્લાઇટ્સ CAT III અનુરૂૂપ છે કે કેમ તે તપાસવાની સલાહ આપવામાં આવે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ (યુપી), મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, મિઝોરમ, મણિપુર, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, ચંદીગઢમાં ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આ સ્થળોએ 31 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ ચાલુ રહેશે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 6-10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું. જ્યારે રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢ અને ઝારખંડના મોટાભાગના ભાગોમાં તે 11-12 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. કાશ્મીરના મોટાભાગના ભાગોમાં રાત્રિના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો ચાલુ રહ્યો હતો અને બુધવારે સવારે ગાઢ ધુમ્મસને કારણે ખીણમાં દૈનિક જીવન ખોરવાઈ ગયું હતું. જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં માઈનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસનું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement