ખંભાળિયાના વૃદ્ધની જમીન પચાવી પાડનાર સબબ એક શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના કાઠી દેવળીયા ગામે રહેતા અજીતસિંહ નારુભા જાડેજા નામના 65 વર્ષના દરબાર વૃદ્ધની આ ગામે આવેલી સંયુક્ત માલિકીની રેવન્યુ સર્વે નંબર 71 ની ખેતીની જમીન ઉપર આ જ ગામના કિરીટસિંહ ભીમજી જાડેજા નામના શખ્સે સાત ગુંઠા જમીન ઉપર મકાન બનાવીને તેમની આ જમીન પર દબાણ કરી લીધું હતું. આમ, વૃદ્ધ આસામી આશરે રૂપિયા 7 લાખ જેટલી બજાર કિંમત ધરાવતી જમીન અનઅધિકૃત રીતે પચાવી પાડવા સબબ ખંભાળિયા પોલીસે કિરીટસિંહ ભીમજી જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરી, આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
સલાયા અને વરવાળામાં જુગાર રમતા 11 ઝડપાયા
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા બંદરો રોડ ઉપર બેસીને રાત્રિના સમયે ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા આસિફ ગની ભાયા, ફિરોજ ઈબ્રાહીમ સંઘાર, સિરાજ ગની ભાયા, ફૈયાઝ અકબર સંઘાર અને ઇસ્માઈલ અલી સંઘાર નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,270નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન યાસીન રજાક બારોયા નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો છે.
દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર વરવાળા ગામે એક દરગાહ પાસે ગત સાંજે શહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા તુલસી મંગાભાઈ વિકમા, મંગાભાઈ માયાભાઈ, લગધીર વીરાભાઈ, હરદાસ માયાભાઈ, દેવાયત નાજાભાઈ અને કચરાભા નયાણી નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 12,230નો મુદામાલ કબજે કર્યો હતો.