"વોર-2” ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ
યશરાજ ફિલ્મ્સની વોર 2 ફિલ્મે રિલીઝ પહેલાં જ એક નવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની આગામી ફિલ્મ વોર 2 ડોલ્બી સિનેમામાં પ્રદર્શિત થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. હિન્દી અને તેલુગુ ભાષામાં રિલીઝ થનારી ઍક્શન ફિલ્મ 14 ઑગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. સોશ્યલ મીડિયામાં આ ફિલ્મનું પોસ્ટર શેર કરતાં નિર્માતાઓએ કેપ્શનમાં લખ્યું છે સિનેમાઈ પ્રતીક, એક મહાયુદ્ધ. અમે સૌથી મોટા ઑન-સ્ક્રીન મુકાબલા માટે તૈયાર છીએ, શું તમે તૈયાર છો? આ પહેલાં કરતાં વધુ મોટું, બોલ્ડ અને શાનદાર છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની વોર 2 હવે ડોલ્બી સિનેમામાં જીવંત થશે.
આદિત્ય ચોપડા દ્વારા નિર્મિત આ ઍક્શન ફિલ્મ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની છઠ્ઠી સિરીઝ છે. આ ફિલ્મને હિન્દી અને તેલુગુમાં નોર્થ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, કુવૈત અને વિશ્વભરનાં અન્ય ઘણાં બજારોમાં ડોલ્બી સિનેમામાં રિલીઝ કરવાની યોજના છે.