'મહાભારત' ફેમ પંકજ ધીરનું નિધન, 68 વર્ષની ઉંમરે કેન્સર સામેની જંગ હાર્યા
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમના નજીકના મિત્ર અમિત બહલે ઈન્ડિયા ટુડે સાથેની એક મુલાકાતમાં અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજ કેન્સર સામે લડી રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં અભિનેતાની હાલત ગંભીર હતી. આ રોગને કારણે તેમની મોટી સર્જરી પણ કરાવી હતી. પંકજના મૃત્યુના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રી શોકનો માહોલ છે.ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
CINTAAએ પણ પંકજના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. તેઓએ આજે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં નોંધ્યું કે અભિનેતાનું 15 ઓક્ટોબરના રોજ અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લેમાં સાંજે 4:30 વાગ્યે થશે. પંકજ CINTAAના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી હતા.
પંકજે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. પરંતુ તેમને બીઆર ચોપરાની 1988ની ફિલ્મ, મહાભારતથી ખ્યાતિ મળી, જેમાં તેમણે કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમણે આ પાત્રને જે ગંભીરતાથી ભજવ્યું તેનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે. ટીવી શો ઉપરાંત, પંકજે ફિલ્મોમાં પણ કામ કર્યું. તેઓ ચંદ્રકાંતા અને ધ ગ્રેટ મરાઠા સહિત અનેક પૌરાણિક શોનો ભાગ હતા. તેમણે હિન્દી ફિલ્મો સોલ્જર, બાદશાહ અને સડકમાં પણ ઉત્તમ કામ કર્યું.