નેશનલ એવોર્ડસમાં પણ રમત રમાય, લોબીઇંગ કરનારા જીતે: પરેશ રાવલ
સંવેદનશીલ એક્ટર પરેશ રાવલે નેશનલ એવોર્ડ્સમાં ચાલતી પોલમપોલને ઉજાગર કરી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન પીઢ કલાકારે નેશનલ એવોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લોબીઈંગ અંગે ખુલાસો કર્યો હતો. તેમણે અન્ય કોઈ કલાકાર કે ફિલ્મની વાત કરવાના બદલે પોતાનું જ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમની બે ફિલ્મો સર અને સરદાર નેશનલ એવોર્ડ્સની દાવેદાર હતી.આ સમયે તત્કાલીન સાંસદે દિલ્હીમાં બેસીને તેમને લોબીઈંગના મહત્ત્વ વિષે વાત કરી હતી. પરેશ રાવલે નેશનલ એવોર્ડ્સને એક ગેમ જેવા જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું, નેશનલ એવોર્ડ્સ માટે મને માન છે, પરંતુ તે કઈ રીતે કામ કરે છે, તેની મને ખબર છે. એવોર્ડની સાથે અનેક પ્રકારના સમીકરણો જોડાયેલા હોવાનું જગજાહેર છે.
પરેશ રાવલે આ અંગે વિગતે વાત કરતાં કહ્યું હતું કે, બે એવોર્ડનું હું હૃદયના ઊંડાણથી સન્માન કરુ છું. આ બંને એવોર્ડ મને મળ્યા છે. જેમાં દિનાનાથ મંગેશકર એવોર્ડ અને પી.એલ. દેશપાંડે એવોર્ડનો સમાવેશ થાય છે. અન્ય એવોર્ડ માટે હું ઘરની બહાર પણ ના નીકળું. આ કોણ આપે છે, તેનું સન્માન હોય છે. બાકી એવોર્ડ આપે છે, તો એક પ્રકારનું એકનોલેજમેન્ટ છે. મારી પૂરી ટીમનું એકનોલેજમેટ છે, માત્ર મારું નહીં. હું એટલો બધો ઈનડિફરન્ટ છું, કે તમારે આપવો હોય તો, હું એવોર્ડ પણ લઈશ.
નેશનલ એવોર્ડ્સમાં ચાલતા લોબીઈંગ અને સિલેક્શન પ્રોસેસ અંગે વાત કરતાં પરેશ રાવલે કહ્યું હતું કે, મોદી સાહેબની સરકારમાં મને એવોર્ડ નથી મળ્યો. 2013માં મળ્યો હતો. તે સરકારનો એવોર્ડ છે. નેશનલ એવોર્ડની હું કદર કરુ છું. નેશનલ એવોર્ડમાં ક્યારેક શું થાય છે? ફિલ્મ કોઈએ પ્રોપર રીતે મોકલી ન હોતી વગેરે જેવી ટેકનિકાલિટીઝ અંગે વાત કરવામાં આવે છે. આ બધી ગંદી રમતો છે અને તેમાં ખેલ થઈ જાય છે. લોબી હોય છે અને જોરદાર હોય છે. ઓસ્કારમાં લોબી હોય છે, તો પછી આ શું ચીજ છે?
--