ગણપતિ બાપ્પાની આવી પ્રતિમાં હોય છે સૌથી શુભ!! મૂર્તિ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત સૌથી મોટો તહેવાર છે. ત્યારે આ વખતે આ તહેવાર 7મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. દર વર્ષે ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિ બાપ્પાને પોતાના ઘરે લાવવા માટે ઉત્સાહિત છે. તેમના આગમન માટે ખાસ શણગાર કરવામાં આવે છે, ઝાંખીઓ બનાવવામાં આવે છે.
હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાથી સુખ અને શાંતિ મળે છે. પણ શું તમે જાણો છો? ભગવાન ગણેશની મૂર્તિ ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ મૂર્તિ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું
ગણેશ ચતુર્થી માટે ગણપતિની મૂર્તિ ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.ગણેશની સૂંઢ જમણી બાજુ હોવી જોઈએ, તે સાથે નીચે મુષક પણ હોવો જોઈએ અને સાથે મૂર્તિ બેઠેલી હોવી જોઈએ.એવું માનવામાં આવે છે કે આવી ગણપતિની મૂર્તિ લાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.
ગણપતિની મૂર્તિ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બાપ્પાની મૂર્તિમાં મુષક હોવો જોઈએ અને હાથમાં મોદક પણ હોવો જોઈએ. આવી મૂર્તિ લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે જ્યારે મુષક તેમનું વાહન છે.
ભગવાન ગણેશને હંમેશા બેઠેલી મુદ્રામાં લાવવા જોઈએ. શાસ્ત્રો અનુસાર ગણપતિનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો કહે છે કે ભગવાન ગણેશની બેઠેલી મૂર્તિ લાવવાથી ઘરમાં ઊર્જા આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી કામમાં ઝડપ આવે છે.
રંગની વાત કરીએ તો ઘરમાં ભગવાન ગણેશની સિંદૂર રંગની મૂર્તિ લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગણપતિની આ રંગીન મૂર્તિ ઘરે લાવવાથી આત્મવિશ્વાસ વધે છે. સફેદ રંગની ગણેશ મૂર્તિ લાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
ભગવાન ગણેશની મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરવી શુભ છે. આ દિશાને માતા લક્ષ્મી અને ભગવાન શિવની દિશા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભગવાન ગણેશનું મુખ આ દિશામાં રાખવાથી વ્યક્તિ ભગવાન ગણેશ તેમજ મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે.
ગણપતિની મૂર્તિનું મુખ ઘરના મુખ્ય દ્વાર તરફ હોવું જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.