For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામજોધપુરના શેઠ વડાળામાં બાળકોની તકરારમાં યુવાનની હત્યા

12:01 PM Jun 11, 2024 IST | Bhumika
જામજોધપુરના શેઠ વડાળામાં બાળકોની તકરારમાં યુવાનની હત્યા
Advertisement

મહિલા સહિત 6 પાડોશીઓ તૂટી પડયા: બે ભાઇઓ પણ ઘાયલ

Advertisement

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં બે પાડોશીઓ વચ્ચે બાળકો અંગેની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા પછી એક યુવાનની હત્યા નિપજાવાઈ હતી, જ્યારે તેના અન્ય બે ભાઈઓ પર હુમલો કરાયો છે. પાડોશમાં રહેતા એક મહિલા સહિતના છ આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામ નામના 45 વર્ષના યુવાન પર બાળકો અંગેની તકરારમાં તેના પાડોશમાં જ રહેતા પ્રકાશ બાબુભાઈ મકવાણા, બાબુભાઈ બચુભાઈ મકવાણા, કાનજીભાઈ બચુભાઈ મકવાણા, રણછોડભાઈ બચુભાઈ મકવાણા, દયાબેન બાબુભાઈ મકવાણા અને રવિભાઈ બાબુભાઈ મકવાણા વગેરે દ્વારા લાકડી- ધોકા વડે જીવલેણ હુમલો કરાયો હતો, જેના કારણે લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામજોધપુર ની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેણે દમ તોડી દીધો હોવાથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.

આ ઉપરાંત રમેશભાઈના અન્ય બે ભાઈઓ શૈલેષભાઈ તથા પ્રકાશભાઈને પણ માર મારવામાં આવ્યો હોવાથી તે બંનેને જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.શેઠ વડાળા ગામમાં બે પાડોશીઓના બાળકો ઝઘડયા હતા, જેના ઝઘડામાં બાળકોના વાલીઓ એકત્ર થઈ ગયા હતા, અને બાળકો બાદ મોટેરાઓ વચ્ચે ઝઘડો થઈ જતાં ધીંગાણું થયું હતું, અને પાડોશીના હુમલામાં રમેશભાઈ વિરમગામા ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા. જેનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશન નો સ્ટાફ બનાવના સ્થળે તેમ જ હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂૂ કર્યું છે.

મૃતક રમેશભાઈના ભાઈ શૈલેષ વિરમગામાની ફરિયાદના આધારે ઉપરોક્ત મહિલા સહિતના તમામ છ આરોપીઓ સામે હત્યા તેમજ રાયોટિંગ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને શેઠ વડાળા ગામમાં પોલીસ વંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બનાવને લઈને નાના એવા શેઠવડાળા ગામમાં ભારે ચકચાર જાગી છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement