યુવરાજનગરમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
કોઈ યુવતી સાથે ફોનમાં વાત કરતો હોવાથી માતાએ અગાઉ લગ્ન કરી લેવાનું કીધું’તું
શહેરના આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગરમાં આવેલા યુવરાજનગર શેરી નં.3માં રહેતા અજય ધનાભાઈ ગોવાણી (ઉ.24) નામના યુવાને આજે વહેલી સવારે પોતાના ઘરે એંગલમાં દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે તેના માતા ઉઠાડવા માટે રૂમમાં જતાં પુત્રને લટકતો જોઈ હતપ્રભ બની ગયા હતાં. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોૈડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીેએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક અજય બે ભાઈ એક બહેનમાં મોટો અને રીક્ષા ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક અજય અપરિણીત હોવાનું અને અગાઉ કોઈ યુવતી સાથે ફોનમાં વાત કરતો હોવાથી માતાએ લગ્ન કરી લેવાનું કહ્યું હતું. જો કે તેણે આપઘાત શા માટે કરી લીધો તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ હાથ ધરી છે.