For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદર બેઠક ઉપર મતદાનમાં તોતિંગ ઘટાડો ભાજપની લીડમાં પંક્ચર પાડશે?

12:01 PM May 08, 2024 IST | Bhumika
પોરબંદર બેઠક ઉપર મતદાનમાં તોતિંગ ઘટાડો ભાજપની લીડમાં પંક્ચર પાડશે
Advertisement

બન્ને મુખ્ય પાર્ટીના ઉમેદવારો લેઉવા પટેલ હોવા છતાં પાટીદારોના ગઢ સમાન ગોંડલ-જેતપુર-જામકંડોરણા-ધોરાજી-માણાવદરમાં મતદાનમાં ગાબડાથી ગણિત ગોટે ચડ્યું

કેન્દ્રીયમંત્રી ડો. મનસુખ માંડવિયા જેવા કદાવર ઉમેદવાર છતાં મતદારો ઉપર પ્રભાવ પાડવામાં ટૂંકા પડ્યા, માણાવદરમાં 9 ટકા જેવું મતદાન ઘટ્યું

Advertisement

પોરબંદર લોકસભાની સામાન્ય અને ધારાસભાની પેટા ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. પરંતુ ગુજરાતની 25 બેઠકોમાં અમરેલીને બાદ કરતા બીજા નંબરનું સૌથી ઓછુ મતદાન થયું છે.

આ બેઠક ઉપર મનસુખભાઈ માંડવિયા જેવા કદાવર કેન્દ્રીયમંત્રી ચૂંટણી લડતા હતા અને પોરબંદર ધારાસભાની પેટા ચૂંટણીમાં પણ સ્થાનિક શક્તીશાળી નેતા અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડતા હતા આમ છતાં 2019ની લોકસભાની ચૂંટણી કરતા લગભગ 5 ટકા મતદાન ઘટ્યલું છે આ ઘટાડો ભાજપના પાંચ લાખની લીડનાલક્ષ્યાંકમાં પંક્ચર પાડે તેવું મનાય છે. પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતી પોરબંદર અને માણાવદર ધારાસભાની પેટા ચૂંટણી એક સાથે હતી લોકસભામાં ખુદ કેન્દ્રીયમંત્રી અને બન્ને ધારાસભાની બેઠકો ઉપર પક્ષ પલ્ટુઓ ચુંટણી લડતા હતાં પરંતુ મતદાનમાં નોંધાયેલ ઘટાડાથી લોકોમાં ઉત્સાહ બિલકુલ નહીં હોવાનું સ્પષ્ટ થાય છે.

પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપની કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવિયા સામે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ચૂંટણી લડે છે બન્ને લેઉવા પટેલ જ્ઞાતિના હોવાથી અન્ય જ્ઞાતિના મતદારો નિર્ણાયક મનાય છે આમ છતાં ડો. માંડવિયા જેવા ભાજપના કદાવર નેતા લડતા હોવાથી ભાજપની જીતના ચાન્સ ઉજળા ગણાવાય છે. પરંતુ મતદાનમાં 2019ની ચૂંટણી સાપેક્ષમાં થયેલો નોંધપાત્ર ઘટાડો સૂચક માનવામાં આવે છે.

ખાસ કરીને પોરબંદર લોકસભા બેઠકમાં આવતા પટેલોના પોકેટ જેવા ગોંડલ, જેતપુર, ધોરાજી, માણાવદરમાં મતદાનમાં નોંધાયેલ ઘટાડો આંચકાજનક હોવાનું રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલની સૌથી વધુ બહુમતીવાળા ગોંડલ ધારાસભા મત વિસ્તારમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં 61.10 ટકા મતદાન થયું હતું તેની સામે આ ચૂંટણીમાં માત્ર 53 ટકા જ મતદાન નોંધાયું છે. ક્ષત્રિય સમાજના રાજ્યવ્યાપી ભાજપ વિરોધી આંદોલન સામે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જેડાજે એકલવીરની માફક ભાજપ સાથે ઉભા હતાં.

આ સિવાય જયેશ રાદડિયાના ગઢ જેવા જેતપુર-જામકંડોરણા ધારાસભા મત વિસ્તારમાં 2019માં 58.40 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ ચૂંટણીમાં લગભગ 7 ટકા જેવું મતદાન ઘટ્યું છે અને 51.24 ટકા જ મતદાન થયું છે.

આ સિવાય ધોરાજી-ઉપલેટા બેઠક ઉપર 2019માં 55.56 ટકા મતદાન થયું હતું તેની સામે આ વખતે લગભગ 4 ટકા મતદાન ઘટીને 51.89 ટકા મતદાન થયું છે. કુતિયાણામાં પણ 2019ની લોકસભામાં 49.56 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વખતે લગભગ 2 ટકા જેવું મતદાન ઘટીને 47 ટકા રહ્યું છે. જ્યારે કેશોદ બેઠક ઉપર મતદાનમાં લગભગ 6.08 ટકા જેવો તોતીંગ ઘટાડો નોંધાયો છે. 2019માં કેશોદ બેઠક ઉપર 53.83 ટકા મતદાન સામે આ ચૂંટણીમાં માત્ર 47.03 ટકા જ મતદાન થયું છે.

આમ પોરબંદર બેઠક ઉપર 2019ની લોકસભાની ચૂંટણી કરતા આ ચૂંટણીમાં સાત ટકા જેવો ઘટાડો ભાજપની મોટી લીડ માટે ચીંતાજનક ગણાવાય છે.

પોરબંદર વિધાનસભા બેઠક ઉપર બે ટકા મતદાન વધ્યું
પોરબંદર લોકસભાની ચૂંટણી સાથે પોરબંદર વિધાનસભા બેઠકની પણ પેટાચૂંટણી હતી અને વિધાનસભા કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાયેલા અર્જુનભાઈ મોઢવાડિયા ચૂંટણી લડતા હ તા જેના કારણે સ્પર્ધા વધતા આ બેઠક ઉપર બેટકા જેવું મતદાન વધ્યું છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં પોરબંદર વિધાનસભા વિસ્તારમાં 55.53 ટકા મતદાન થયું હતું તેની સામે આ ચૂંટણીમાં 57.78 ટકા મતદાન થયું છે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતા તમામ વિધાનસભા મત વિસ્તારોમાં મતદાન ઘટ્યું છે. પરંતુ એકમાત્ર પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતદાન વધ્યું છે. જે અર્જુનભાઈ માટે સારી નિશાની ગણાવાય છે.

લેઉવા પટેલ મત વિસ્તારોમાં રાદડિયા ફેક્ટર પણ ચાલ્યું?
પોરબંદર લોકસભા બેઠક લેઉવા પટેલ મતદારોના ગઢ ગણાય છે અને લેઉવા પટેલ સમાજના સૌથી યુવા અને કદાવર નેતા જયેશ રાદડિયાને ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં કાપવા માટે ભાજપમાં જ પ્રદેશ કક્ષાએ થયેલા કાવાદાવાની પણ મતદાન ઉપર અસર થયાનું મનાય છે. ઈફકોમાં અને સહકારીક્ષેત્રમાં રાદડિયા પરિવારનો વર્ષોથી દબદબો છે અને ખુદ અમિત શાહે જામકંડોરણાની જાહેરસભામાં સહકારી ક્ષેત્રને મજબુત કરવામાં રાદડિયા પરિવારના યોગદાનનો સ્વીકાર કર્યો હતો. આમ છતાં ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સહકાર સેલના પ્રદેશ ક્નવીનર બીપીન ગોતાને ભાજપે મેન્ડેટ આપી દેતા લેઉવા પટેલો નારાજ થઈ મતદાનથી દૂર રહ્યાનું પણ માનવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement