For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુરના ભોગાત ગામે ઘર કંકાસના કારણે પતિ દ્વારા પત્નીની હત્યા

11:29 AM Jun 19, 2024 IST | admin
કલ્યાણપુરના ભોગાત ગામે ઘર કંકાસના કારણે પતિ દ્વારા પત્નીની હત્યા

હત્યા બાદ યુવાને પણ આપઘાત કર્યો: ત્રણ સંતાનો નોંધારા બન્યા

Advertisement

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા એક સોની પરિવારના દંપતિ વચ્ચે ચાલતા ઝઘડામાં યુવાને પોતાના પત્નીને ફટકારી લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ ખૂનના ગુનામાં પલ્ટાયો છે.
આ કરુણ બનાવની જાણવા માટે વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા અને સોની કામનો વ્યવસાય કરતા શૈલેષભાઈ નાથાલાલ ઘઘડા નામના 40 વર્ષના યુવાન તેમજ તેમના 38 વર્ષના પત્ની જશુબેન ઘઘડાની વચ્ચે ઘણા સમયથી કૌટુંબિક કલેશ ચાલ્યો આવતો હતો. આશરે 16 વર્ષના દામ્પત્ય જીવનમાં 15 વર્ષની મોટી પુત્રી તેમજ ત્યાર બાદ તેણીથી બે નાના પુત્રો વચ્ચે સહિત ત્રણ સંતાનો સાથે આ દંપતી ગઈકાલે રાત્રિના સમયે પોતાના ઘરે સુતા હતા. ત્યાર બાદ આજરોજ આશરે ચારેક વાગ્યાના સુમારે શૈલેષભાઈને તેના પત્ની જશુબેન સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી બાદ ગુસ્સામાં આવીને શૈલેષભાઈ તેમના પત્નીને મૂઢ માર માર્યો હતો. આ વચ્ચે વધુમાં જાણવા મળતી વિગત મુજબ જશુબેન સાથે અગાઉ સર્જાયેલા એક અકસ્માતમાં તેમને હેમરાજ જેવી ઈજાઓ થવા પામી હતી. જેની સારવાર કરવામાં આવી હતી. આ વચ્ચે આજરોજ શૈલેષએ આ ભાગે મૂઢ માર મારતા અગાઉના ઈજા સ્થળે જશુબેનને લાગી ગયું હતું. જેના કારણે તેણી સ્થળ પર જ પટકાઈને મૂર્છિત બન્યા હતા.

Advertisement

આ પછી આજરોજ સવારે આશરે 9:30 વાગ્યે શૈલેષએ તેમના પત્ની જશુબેનને ઉઠાળતા તેણી ઉઠ્યા ન હતા અને કશુંક અજુગતું બની ગયું હોવાનો તેમને અણસાર આવી ગયો હતો. આથી તેમણે પોતાના સંતાનોને કહ્યું હતું કે તમારા મમ્મી ઉઠતા નથી. માતાજીના મંદિરે જઈ અને દીવો કરી આવો. આમ કહેતા સંતાનો માતાજીના મંદિરે દીવો કરવા માટે બહાર ગયા હતા. આ સંતાનોએ પરત આવીને જોતા શૈલેષભાઈએ પોતાના ઘરના રસોડામાં પંખામાં કપડાં વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

જે અંગે કલ્યાણપુર પોલીસને જાણ કરવામાં આવતા કલ્યાણપુરના પી.એસ.આઈ. યુબી. અખેડ તથા તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને પંખે લટકતા શૈલેષભાઈ અને મૃત અવસ્થામાં રહેલા જશુબેનને કલ્યાણપુર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા મૃતક શૈલેષભાઈ સામે પોતાના પત્નીની હત્યા નિપજાવવાના મુદ્દે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરી હતી.

નાના એવા ભોગાત ગામમાં સોની મહાજન દંપતિના આ રીતે નીપજેલ મૃત્યુના બનાવે ભારે ચર્ચા જગાવી છે. સાથે સાથે ત્રણ સંતાનો પણ નોંધારા બની જતા આ બાબતે સોની સમાજમાં પણ શોક સાથે સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement