For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટીલના સ્થાને કોણ? ઝડફિયા-પ્રદીપસિંહ-દેવુસિંહ કે બોઘરા ?

04:09 PM Jun 10, 2024 IST | Bhumika
પાટીલના સ્થાને કોણ  ઝડફિયા પ્રદીપસિંહ દેવુસિંહ કે બોઘરા
Advertisement

ભાજપ સંગઠમાં તોળાતા મોટા ફેરફાર, પાલિકા-પંચાયતો અને આગામી ધારાસભાની ચૂંટણી ધ્યાને રાખી નવા પ્રદેશ પ્રમુખની કરાશે પસંદગી

ઓબીસી ચહેરો દેવુસિંહ ચૌહાણને મંત્રી મંડળમાં નહીં લેવાતા પાર્ટીની કમાન સોંપાઈ શકે, મયંક નાયક પણ રેસમાં

Advertisement

ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને ડો.ભરત બોઘરા વચ્ચે પણ રેસ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું વેઈટિંગ ખતમ થઈ શકે

એનડીએ ગઠબંધનના પ્રધાન મંડળમાં સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન અપાયુ છે ત્યારે હવે ગમે તે સમયે ગુજરાત ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. પાટીલની દિલ્હી વિદાય બાદ હવે ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં સોપવામાં આવે તેવી રાજકીય અટકળો શરૂૂ થઇ છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં ભાજપ ધાર્યુ પરિણામ મેળવી શકી નથી. આંતરિક જૂથવાદને કારણે જ મોટાભાગના જીલ્લાઓમાં પાંચ લાખની લીડનો લક્ષ્યાંક પૂર્ણ થઇ શક્યો નથી. એટલુ જ નહીં, કોંગ્રેસનો જનાધાર વધ્યો છે. ત્યારે નવા પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠન માટે ‘ટકોરા’ મારીને નેતાઓની પસંદગી કરવામાં આવી તેવી પુરી શકયતા છે.

કોંગ્રેસનો વોટશેર વધ્યો છે જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. એક તરફ લોકસભાની ચૂંટણીમાં 26 પૈકી 26 બેઠકો જીતીને હેટ્રિક કરવાનું સપનુ ભાજપનું રોળાયુ છે. સાથે સાથે દસ વર્ષ બાદ બનાસકાંઠાની બેઠક ગુમાવતાં ભાજપ હાઇકમાન્ડ ગુજરાત ભાજપની પ્રદેશ નેતાગીરીથી ખફા છે. દિલ્હીમાં શપથવિધિ પૂર્ણ થઇ છે ગમે તે ઘડીએ ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફારો વધુ સંભવ બન્યાં છે. હાલના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સ્થાને ઓબીસી સમાજમાંથી કોઈ નવા નેતાની પસંદગી થવાની અટકળો વહેતી થઈ છે. ગોરધન ઝડફિયાની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નામ ટોચ પર ચાલી રહ્યું છે.

આ સિવાય ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના રાઈટ હેન્ડ ગણાતા ડો.ભરત બોઘરા ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકના પણ ભાજપના પ્રદેશ પ્રમુખ પદ માટે નામો ચર્ચામાં છે. જો કે ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી હોવાથી ભાજપનું પ્રદેશ પ્રમુખ પદ પાટીદારને સોંપવામાં આવે તેવી શકયતા ઓછી છે અને કોઈ ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શકયતા વધુ દર્શાવવામાં આવી રહી છે. આ માટે સૌથી ટોચ ઉપરના દેવુસિંહ ચૌહાણનું છે. દેવુસિંહ ચૌહાણ ફરી લોકસભામાં ચુંટાયા હોવા છતાં નવી મોદી સરકારમાં તેમને મંત્રીપદ અપાયું નથી તેથી તેમને સંગઠનની મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવું અનુમાન થઈ રહ્યું છે.

આ સિવાય ભાજપના હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હોવાનું મનાઈ છે. ગોરધન ઝડફીયાની એક સમયે ભાજપના શક્તિશાળી નેતાઓમાં ગણના થતી હતી અને ગૃહમંત્રી તરીકે તેમનો કાર્યકાળ પણ નોંધનીય રહ્યો હતો. આ સિવાય હિન્દુવાદી નેતાની પણ તેમની છાપ છે. પરંતુ એક સમયે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલની સાથે ભાજપ સામે બળવાનું બ્યુગલ ફુંકયું ત્યારથી તેમની રાજકીય કારકિર્દી હાસિયામાં ધકેલાઈ ગઈ હતી. જો કે છેલ્લા કેટલાક સમયથી ઝડફીયા ફરી ભાજપમાં જોડાય અને સંગઠનમાં સક્રિય તેમજ અસરકારક ભૂમિકા ભજવી રહ્યાં છે. સાથોસાથ ભાજપના હાઈકમાન્ડનો વિશ્ર્વાસ પણ કેળવી ચુકયા છે તેથી તેમનું નામ પણ પ્રમુખ પદ માટે ચર્ચામાં છે.

બીજા પાટીદાર ચહેરામાં વર્તમાન પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના રાઈટ હેન્ડ ગણાતા ડો.ભરતભાઈ બોઘરા પણ પ્રદેશ પ્રમુખની રેસમાં માનવામાં આવે છે. ડો.ભરત બોઘરાએ પાટીલ સાથે રહીને સંગઠનની તમામ વ્યુહ રચનાઓ નજીકથી જોઈ છે અને કોંગ્રેસ તેમજ આપ ના ધારાસભ્યો તથા નેતાઓને ખેડવી ભાજપ સાથે જોડવાના "ઓપરેશન કમલમ”ની સૌથી મોટી જવાબદારી પણ ડો.ભરત બોઘરાને પક્ષ દ્વારા સોંપવામાં આવી હતી. આ ઉપરાંત ડો.બોઘરાએ પાટીલ સાથે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરીને સંગઠનનો બહોળો અનુભવ પણ મેળવ્યો છે અને કાર્યકરોમાં તેની લોકચાહના પણ ઘણી હોવાથી પ્રદેશ પ્રમુખ પદ માટે ભરત બોઘરાને પણ સબળ દાવેદાર માનવામાં આવે છે.

આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ નવા પ્રમુખ પદ માટે ચર્ચામાં છે. વર્ષો સુધી ગૃહ ખાતા જેવી મહત્વની જવાબદારી સંભાળી એક સમયે ભાજપ સરકારમાં ફાયર ફાઈટરની ભુમિકા ભજવનાર પ્રદીપસિંહ જાડેજા કાર્યકરોમાં પણ ભારે લોકચાહના અને આદર ધરાવે છે. આ ઉપરાંત તેમની વહીવટી આવડત પણ નોંધનીય રહી છે. છેલ્લે જ્યારે રૂપાણી સરકારને ઘર ભેગી કરવામાં આવી ત્યારે પ્રદીપસિંહને પણ મંત્રીપદેથી હટાવાયા હતાં અને ત્યારબાદ તેમને ધારાસભાની ટીકીટ પણ આપવામાં આવી નથી. આ સંજોગોમાં ફરી એક વખત તેમને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવે તો તેમનું વેઈટીંગ પણ ખમત થઈ શકે તેમ છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી પદે પાટીદાર નેતા ભૂપેન્દ્રભાઈ પટેલ હોવાની પ્રદેશ પ્રમુખ પદ ઓબીસી નેતાને આપવામાં આવે તેવી શકયતા સૌથી વધુ જોવાઈ રહી છે અને આ માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપરાંત રાજ્યસભાના સભ્ય મયંક નાયક રેસમાં હોવાનું મનાઈ છે. બન્ને નેતાઓ ઓબીસી સમાજમાંથી આવે છે અને સંગઠનનો પણ બન્નેને ખુબ સારો અનુભવ હોવાથી ભાજપ હાઈકમાન્ડ ઓબીસી સમાજના કોઈ નેતાને પ્રમુખ પદ આપે તો આ બે ચહેરા મુખ્ય માનવામાં આવે છે.

OBC ચહેરો પ્રમુખ : બ્રાહ્મણ, ક્ષત્રિય, પાટીદાર અને SC-STને મહામંત્રીપદ
ગુજરાત ભાજપના નવા સંગઠન માટે તમામ જ્ઞાતિને સાચવવાની ફોર્મ્યુલા પણ અમલમાં મુકાઈ શકે છે. જે મુજબ ઓબીસી સમાજમાંથી આવતા પૂર્વ કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ અથવા રાજ્યસભાના સાંસદ મયંક નાયક અથવા અન્ય કોઈ ઓબીસી ચહેરાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાઈ શકે છે અને ચાર મહામંત્રીઓમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક પાટીદાર અને એક એસ.સી.-એસ.ટી.ને મહામંત્રીપદ આપી સંગઠનમાં જ્ઞાતિઓનું સંતુલન જાળવવામાં આવી શકે છે. હાલ પાટીદાર મુખ્યમંત્રી હોવાથી ઓબીસી ચહેરાને પ્રદેશ ભાજપના પ્રમુખ બનાવવામાં આવે તેવી શકયતા વધુ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ગુજરાતના હોવાથી પ્રદેશ પ્રમુખ પદ સૌરાષ્ટ્રનાં કોઈ નેતાને મળે તેવો પણ તર્ક રજુ કરાય છે.

પ્રદેશ પ્રવકતાથી માંડી સમગ્ર સંગઠનમાં મોટા ફેરફારો થશે
વડોદરા, મોરબી અને રાજકોટમાં બનેલી દુર્ઘટનાઓના પગલે સરકાર અને સંગઠનની છાપ ખરડાઇ છે, જેના પગલે ભાજપ હાઈકમાન્ડ હવે આકરા પગલા ભરે તો નવાઈ પામવા જેવું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ ઢીલા પડી રહ્યા છે એટલું જ નહીં સરકારી બાબુઓ તથા સંગઠનના નેતાઓના ભ્રષ્ટાચાર પર કોઈ કાબુ નથી. આમેય, સી.આર. પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મ પૂર્ણ થઇ છે, એટલે આખોય મામલો હાઇકમાન્ડ પર છોડી દેવાયો છે. રાજ્ય એકમના સંગઠનમાં ત્રણેક હોદ્દેદારોના રાજીનામા પછી ત્યારે ફેરફાર ઇચ્છનિય હતો પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે નવી નિયુક્તિઓ થઇ શકી નથી. હવે પ્રદેશ પ્રવક્તાથી માંડીને આખાય માળખામાં ધરખમ ફેરફાર થશે. માત્ર હોદ્દા ભોગવનારાંઓને ઘરનો માર્ગ દેખાડી દેવાશે તે નક્કી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement