For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાલારમાં પુનરાવર્તનની તકો અને પરિવર્તનના ચાન્સ કેટલા?

12:13 PM May 09, 2024 IST | Bhumika
હાલારમાં પુનરાવર્તનની તકો અને પરિવર્તનના ચાન્સ કેટલા
Advertisement

ઘટેલા મતદાનને કારણે નેતાઓ અને પક્ષોના હાર્ટબીટ અનિયમિત: હાલારના સાતેય વિધાનસભા મતવિસ્તારમાં જો અને તોની સ્થિતિ: મતદાન વખતે જ કયાંય, કોઇ લહેર ન હતી: અત્રે સમિક્ષા- લેખાંજોખાંની હકીકતો

સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ મતદાનમાં ઘટાડો ….

Advertisement

ગત્ સોળમી માર્ચે જામનગર, ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીઓ યોજવાની જાહેરાત થઈ અને ચૂંટણીઓના સાત તબક્કાઓની જાહેરાત પણ કરવામાં આવી. તારીખો જાહેર થઈ. જેમાં ગુજરાતમાં તમામ બેઠકોની ચૂંટણીઓનું મતદાન સાતમી મે એ યોજવામાં આવશે એમ જાહેર થયું. જો કે એ પહેલાં જ ભાજપાએ જામનગર સહિત કેટલીક બેઠકોના ઉમેદવારો પણ જાહેર કરી દીધાં હતાં. ત્યારથી માંડીને છેક સાતમી મે સુધી સૌ લાગતાં વળગતા ચૂંટણીઓ ચૂંટણીઓ ગાજતા હતાં પરંતુ આખરે સાતમી મે એ મતદાન થયું અને બાદમાં મતદાનના આંકડાઓ જાહેર થયા અને સમગ્ર ગુજરાતમાં ઉપરાંત છેક દિલ્હી સુધી સન્નાટો છવાઈ ગયો. સમગ્ર ગુજરાતમાં મતદાન ઘટયાનું બહાર આવ્યું અને સૌના મોઢા પરનું નૂર ઉડી ગયું. રાજકીય પંડિતો અને અનુમાનો કરનારાઓ તથા સમીક્ષા લખનારાઓ સૌ માથું ખંજવાળે છે. સૌના મનમાં એક પ્રશ્ન ઘૂંટાય છે, 70-80 ટકા જેવું ભારે મતદાન કેમ ન થયું ? મતદાન જાગૃતિની તમામ ઝુંબેશ અને કસરતો ઉંધા મોઢે જમીન પર પછડાઈ ગઈ. સમગ્ર ગુજરાત સાથે જામનગરમાં પણ મતદાન ઘટી ગયું. લાખો લોકોએ મતદાન કરવામાં રસ જ ન દેખાડ્યો. આ નારાજ લાખો મતદારો રાજકીય પક્ષો અને નેતાઓથી કંટાળી ગયા છે ? થાકી ગયા છે ? કે, આ અણગમો છે ? સર્વત્ર આ ચિંતાઓ છે.

ગુજરાતમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 4.79 કરોડ છે. જેમાંથી 2.85 કરોડ મતદારોએ મતદાન કર્યું. એમાં રાજકીય પક્ષોના આગેવાનો અને લાખો કાર્યકર્તાઓ તથા રાજકારણનો લાભ ગેરલાભ લેતાં લોકોને બાદ કરતાં બહુ ઓછા જનરલ મતદારોનો સમાવેશ થઈ શકે. તેની સામે ગુજરાતમાં 1.94 કરોડ મતદારોએ તો મતદાન જ ના કર્યું. આ કરોડો લોકોની નારાજગીઓ કોની સામે છે ? લઘરવઘર સિસ્ટમ સામે ?!

જામનગર લોકસભા બેઠકની વાત કરીએ. આ બેઠકમાં સાત વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. જામનગર લોકસભા બેઠકના વિસ્તારોમાં 2019 માં કુલ 16,56,006 મતદારો નોંધાયેલા હતાં જે પૈકી 60.68 ટકા એટલે કે 10,04,782 લોકોએ મતદાન કર્યું હતું. 2024માં જામનગર બેઠકના વિસ્તારોમાં કુલ નોંધાયેલા મતદારો 18,17,864 અને તે પૈકી 57.67 ટકા એટલે કે, 10,48,291 મતદારોએ મતદાન કર્યું. એટલે કે, પાંચ વર્ષ દરમિયાન મતદારોની સંખ્યામાં 1,61,858 મતદારોનો વધારો થયો. પરંતુ મતદાનમાં માત્ર 43,509 મતદારોનું મતદાન વધ્યું. જો કે કુલ મતદારોની સંખ્યા વધતાં અને ઓછું મતદાન થતાં મતદાનની ટકાવારી ઘટી ગઈ. સમગ્ર ગુજરાતની સાથે સાથે જામનગર લોકસભા બેઠકના વિસ્તારોમાં પણ મતદાનથી લાખો લોકો દૂર રહ્યા. આંકડો કહે છે- 7,69,573 મતદારોએ મતદાન ન કર્યું. પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ આ મતદારોને મતદાન મથક સુધી શા માટે લાવી ન શક્યા ? સ્ટાર પ્રચારકો, ચૂંટણીસભાઓ, લોકસંપર્ક, રેલીઓ, ભવ્ય રોડ-શો અને બુથ મેનેજમેન્ટની વાતો, આ લાખો મતદારોએ આ બધી જ બાબતોની હવા કાઢી નાંખી. કશું જ અસરકારક સાબિત ન થયું. હાલારમાં વડાપ્રધાનનો જાદુ પણ ન ચાલ્યો. જો કે, ગુજરાતમાં વડાપ્રધાને અને રાહુલ તથા પ્રિયંકા અને કેજરીવાલના પત્ની સુનિતાએ પણ અનેક સ્થળે સભાઓ કરેલી, ત્યાં બધે જ મતદાન ઘટ્યું. મતદારોએ બોલ્યા વગર જણાવ્યું કે, તમે નહીં અમે સ્ટાર છીએ.
1 કરોડ 94 લાખ મતદારોએ મૂંગા રહીને, મતદાન ન

કરીને રાજકીય નેતાઓ અને પક્ષોને સાનમાં ઘણું સમજાવી દીધું. જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ કાલાવડ વિધાનસભા મતવિસ્તાર બહુ મોટો છે, અહીં પાટીદાર, દલિત, મુસ્લિમ અને રાજપૂત સહિતના સમાજો નોંધપાત્ર મતો ધરાવે છે, વિધાનસભા વખતે પણ અહીં શાસકપક્ષને અઘરી સ્થિતિનો સામનો કરવો પડેલો અને એમાંયે આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તથા વિપક્ષના ઉમેદવાર પાટીદાર અને એમાં પણ આ વિસ્તાર તેનું હોમ ગ્રાઉન્ડ એટલે સ્વાભાવિક રીતે જ ચાર જૂને કાલાવડ મતવિસ્તાર સૌનું ધ્યાન ખેંચે તો નવાઈ નહીં. આ વિસ્તારમાં મતદારોની નારાજગીઓ પણ મોટાં પ્રમાણમાં હોવાનું જાણવા મળે છે. અને, આથી અહીં મતદાન પણ માત્ર 57.68 ટકા થયું છે. જે શાસન પ્રત્યેનો રોષ પણ દર્શાવતો હોય તેમ પણ બની શકે. જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો સૌથી ઓછું મતદાન 53.46 ટકા મતદાન દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં થયું. અહીં આહિરો, વાઘેરો, લોહાણા, સતવારા અને બ્રાહ્મણોની તેમજ મુસ્લિમોની મોટી વસતિ છે. વસતિનો નોંધપાત્ર હિસ્સો મત આપવા બહાર શા માટે ન આવ્યો ? અહીં શાસકપક્ષને એમ હતું કે, ચિક્કાર મતદાન થશે. ચૂંટણીઓ પહેલાં અહીં ઘણી રાજકીય ઉથલપાથલ પણ થઈ હતી. હાકલા પડકારા પણ ઘણાં થતાં હતાં. છતાં, વસતિનો આટલો મોટો હિસ્સો મતદાનથી દૂર રહ્યો. જામનગર લોકસભા બેઠકના સાત મતવિસ્તારો પૈકી જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ મતદાન 60.78 ટકા થયું.

તો પણ દર 100 પૈકી 40 મતદારોએ તો મતદાન ન જ કર્યું. આટલી નારાજગીઓ ? આ વિસ્તારમાં પાટીદાર, ક્ષત્રિયો, સતવારા, મુસ્લિમ અને અન્ય જ્ઞાતિઓ છે. આ ચાર મુખ્ય સમાજોએ મતદાન મથકમાં અંદર જઈને શું કર્યું ? તેનો જવાબ મેળવવા સૌ માથું ખંજવાળે છે. વિધાનસભા વખતે પણ આ વિસ્તારમાં ભારે રસાકસી રહી હતી. અંતે, ત્રિપાંખિયો જંગ મંડાતા શાસકપક્ષને જીવતદાન મળેલું. આ વખતે શું થશે ? અહીં ક્ષત્રિયોની વસતિ મોટી છે અને વિપક્ષે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતાં. વિધાનસભામાં ત્રીજી પાર્ટીને મત આપનાર મુસ્લિમ સમાજ આ વખતે કોની સાથે રહ્યો ? એ પ્રશ્નનો જવાબ હમણાં જાણવા ન મળે. આ વિસ્તારમાં સતવારા સમાજમાં પણ અંદરખાને હલચલ જોવા મળતી હતી. આ હલચલ મતગણતરી વખતે બહાર ડોકાશે ? જવાબ: ચાર જૂને મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement