For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ

12:23 PM Jun 25, 2024 IST | Bhumika
ગુજરાતમાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ
Advertisement

78 તાલુકામાં અડધો ઈંચથી માંડી 4.5 ઈંચ વરસાદ નોંધાયો, કુલ 153 તાલુકાને ભીંજવતા મેઘરાજા

ગુજરાતમાં 15 દિવસના અંતરાય બાદ ગઈકાલથી સક્રિય થયેલા ચોમાસાના કારણે આજે સતત બીજા દિવસે રાજ્યમાં 153 તાલુકાઓમાં ભારે ઝાપટાથી માંડી સાડા ચાર ઈંચ જેવો સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો અને હજુ પણ વાતાવરણમાં અસહ્ય ગરમી અને બફારો યથાવત રહેતા આગામી ત્રણ દિવસ સારા વરસાદની હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથોસાથ અમુક સ્થળે દરિયામાં પણ કરંટ દેખાતો હોય માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

Advertisement

હવામાન વિભાગનાં કહેવા મુજબ દક્ષિણ ગુજરાતમાં સકર્યુલર સાઈકલોનિક સિસ્ટમ સક્રિય થયેલ હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સકયતા છે. સાથોસાથ આગામી છ દિવસ વરસાદી માહોલ જળવાઈ રહેતા ગુજરાતભરમાં છુટોછવાયો સારો વરસાદ પડવાની આગાહી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 78 તાલુકાઓમાં અડધો ઈંચ થી માંડી સાડા ચાર ઈંચ જેવો વરસાદ નોંધાયેલ છે. રાજ્યમાં સૌથી વધુ માતરમા 4.5 ઈંચ, કલોલમાં 3.75, ચુડામાં 3.75, મહેમદાબાદમાં 3.5, ધંધુકામાં 2.75, લાલપુરમાં 2.75, માણસામા 2 ઈંચ, ઓલપાડમાં 2 ઈંચ તેમજ વાલોદ, કલ્યાણપુર, વઘઈ, વ્યારા, દેવગામ, નખત્રાણા, વલસાડ, ભાણવડ, સંખેડા, ઘોઘંબા, કરણજણ, ખેડબ્રહ્મા, બાવડા, ઉમરેઠ, ચોટીલા, બોટાદ, આણંદ, અમદાવાદ, વિરમગામ, નેત્રમ, હાલોલ, નંદોદ, જંબુઘોડા, વિરપુર (મહિસાગર), બાયડ, ડભોઈ, નડિયાદ, ડાંગ-આહવા, ખંભાળીયા, અંકલેશ્ર્વર, દાહોદ, બરવાડા અને ઉમરપાડા મળી કુલ 42 તાલુકામાં 1 ઈંચથી અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયેલ છે.

ચાલુ વર્ષે ચોમાસાની સૌરાષ્ટ્ર બાદ કચ્છમાં પણ એન્ટ્રી થઈ હોય કચ્છના નખત્રાણામાં ગઈકાલે સાંજે દોઢ ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. જ્યારે કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડયા હતાં. બીજી તરફ આજે સવારથી પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના વાવળ મળી રહ્યાં છે. સવારે છ થી આઠ વાગ્યા સુધીના બે કલાકમાં વડોદરાના ડેસરમાં બે ઈંચ, કલોલમાં દોઢ, સાવલીમાં સવા, જંબુઘોડામાં એક અને કુંકાવાવ-હાલોલ તથા ઘોઘંબામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. સવારે પ્રથમ બે કલાકમાં જ રાજ્યના બાવન તાલુકામાં ઝાપટાથી માંડી બે ઈંચ જેવો વરસાદ પડયાનું સ્ટેટ ડિઝાસ્ટર સેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે. જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સારા વરસાદના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સંકેત આપ્યા છે. અંબાલાલ પટેલના અનુસાર આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે. 28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે. પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.

હવામાન વિભાગના મતે હજુ છ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તેમાં પણ આજથી ત્રણ દિવસ તો મૂશળધાર વરસાદ વરસશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 26 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના અનુસાર, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement