કેડિલાના રાજીવ મોદી સામે સુપ્રીમમાં અરજીના 12 કલાક પહેલાં સમરી ભરી દેવાઇ
- દુષ્કર્મ થયા હોવાનો સ્વીકાર પણ રાજીવ સામે પુરાવા ન હોવાનો રીપોર્ટ રજૂ કરાયો, વધુ સુનાવણી બીજી માર્ચે થશે
કેડિલા ફાર્માના CMD વિરુદ્ધ દુષ્કર્મના બલ્ગેરિયન યુવતીના આક્ષેપના મામલે હવે નવો વળાંક આવ્યો છે. સોલા પોલીસ દ્વારા યુવતીની ફરિયાદના સંદર્ભમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ નએથ સમરી ભરી દેવામાં આવી છે.
આ એ સમરીમાં કહેવામાં આવ્યું છે કે, યુવતીએ કરેલી ફરિયાદ તો સત્ય છે પરંતુ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેના પૂરતાં પુરાવા મળી આવ્યા નથી. પોલીસના ઉચ્ચ અધિકારીએ પણ એ સમરી ભરી દેવાઇ હોવાનું જણાવ્યું છે. જ્યારે કે પીડિતાના એડવોકેટે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના 12 કલાક પહેલાં એ સમરી ભરી દેતાં સુપ્રીમ સમક્ષનો કેસ અર્થહીન થતાં પરત ખેંચી લેવામાં આવ્યો છે.
અલબત્ત, સમરી રિપોર્ટ મેજિસ્ટ્રેટ દ્વારા હાલ મંજૂર કરવામાં આવ્યો નથી અને હવે આ મામલે બીજી માર્ચના રોજ સુનાવણી રાખવામાં આવી છે.અતિ ચર્ચાસ્પદ આ કેસમાં મળતી માહિતી મુજબ 20મી ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ સમક્ષ બલ્ગેરિયન યુવતીએ સીબીઆઇ તપાસની માંગ કરતી અરજીની સુનાવણીના ઠીક 12 કલાક પહેલાં 19મી ફેબ્રુઆરીએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશને આ પ્રકરણમાં એ સમરી રિપોર્ટ કર્યો હતો.
જેની જાણ ફરિયાદી યુવતીને ઇ-મેઇલના માધ્યમથી કરવામાં આવી હતી અને યુવતીએ એડવોકેટને જાણ કરી હતી. જેથી 20મી ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ સમક્ષ યુવતી તરફથી સીબીઆઇ તપાસની માંગ કરતી અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.
બલ્ગેરિયન યુવતીના એડવોકેટ રાજેશ મિશ્રાએ કહ્યું હતું કે પોલીસને અમે તમામ પુરાવા આપ્યા છે અને ખુદ પોલીસે આરોપીની કલાકો સુધી પૂછપરછ કરી છે. તેમ છતાંય કોગ્નિઝેબલ ગુનામાં પુરાવા મળતાં નથી અને તેથી આરોપી વિરુદ્ધ કાર્યવાહી થઇ ન શકે એ મતલબની એ સમરી ભરી છે.
હવે અમે મેજિસ્ટ્રેટ સમક્ષ નએથ સમરી વિરુદ્ધ વાંધા અરજી દાખલ કરીને તેની સામે કેસ લડીશું. બીજી માર્ચે મેજિસ્ટ્રેટ સમક્ષ કેસની મુદત હોવાની જાણ યુવતીને કરી દેવાઇ છે અને તેને સોગંદનામું વગેરે કરવા માટે ભારત આવવા માટેની જાણ કરવામાં આવી છે.
બીજી તરફ એડવોકેટે એમ પણ કહ્યું છે કે, જો પોલીસને તપાસ છતાંય આરોપી સામે કાર્યવાહી કરવા માટેના મજબૂત પુરાવા ન મળ્યા હોય તો હવે અમે વધુ તપાસ અને તપાસને ઈઇઈંને સોંપવાની માગ સાથે હાઇકોર્ટ સમક્ષ કેસ કરીશું.
પોલીસની એ સમરીનો કાયદાકીય અર્થ શું?
એ સમરી રિપોર્ટ પોલીસ ત્યારે કરતી હોય જ્યારે ફરિયાદમાં તો સત્ય હોય છે પરંતુ એ સાબિત થઇ શકે તેમ હોતી નથી. એ સમરીનો કાયદાકીય અર્થ થાય છે કે ગુનો સાચો હોય પણ વણશોધાયેલો હોય. જેમાં આરોપીની જાણ તો હોય પરંતુ તેને મેજિસ્ટ્રેટ સમક્ષ કાર્યવાહી માટે મોકલી શકાય તે માટે પૂરતો પુરાવો ન હોય.