રાજકોટ બસ પોર્ટ, સુવિધા ઓછી ને દુવિધા વધુ
- 150 કરોડનો ખર્ચ છતા ખાતર ઉપર દીવો, આયોજનના નામે અક્કલનું દેવાળુ
- આધુનિક બસ સ્ટેશનના નામે થાળી ભાંગીને વાટકો કર્યો, હવે જનતાએ કાયમ ભોગવવાનું: બહારના વિસ્તારોમાં સેટેલાઈટના નામે નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો
- બસ સ્ટેશન ઓછું અને શોપિંગ સેન્ટર વધુ, સરકાર ડિઝાઈન બનાવવામાં થાપ ખાઈ ગઈ કે બીજું કાંઈ ?
- બસ સ્ટેશનમાં બસ પાર્ક કરવા માટે પણ વેઈટિંગના કારણે ઢેબર રોડ ઉપર ટ્રાફિક જામની રોજીંદી સમસ્યા
રાજકોટના ઢેબર રોડ ઉપર નિગમ દ્વારા કરોડોના ખર્ચે મુસાફરોની સુવિધા વધારવા માટે અતિઆધુનિક બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આ બસ પોર્ટ સુવિધાના બદલે દુવિધા જનક બની ગયું હોવાનો ઘાટ સર્જાયો છે. આધુનિક બસ સ્ટેશનના નામે તંત્રએ થાળી ભાંગીને વાટકો કર્યો છે. જે હવે કાયમી રીતે પ્રજાના ભાગે ભોગવવાનો વારો આવ્યો છે. બસ સ્ટેશનનો પ્લાન બસ પોર્ટ ઓછું અને શોપીંગ સેન્ટર વધારે હોય તેવું તાદાદ થઈ રહ્યું છે. સરકારે ડીઝાઈન બનાવવાનમાં થાપ ખાઈ ગઈ છે કે શું ? તેવા સવાલો મુસાફરોમાં ઉઠી રહ્યાં છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સેન્ટ્રલ બસ પોઈન્ટનો હેતુ મરી પરવાડયો છે. બસ સ્ટેશનમાં છાશવારે અકસ્માતોના બનાવો બની રહ્યાં છે. અસલામત ગણાતી એસ.ટી.બસની હડફેટે બસ પોર્ટમાં મુસાફરો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. પોતાની નિષ્ફળતાને ઢાકવા માટે સેન્ટ્રલ બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની બાજુમાં જ ઢેબર રોડ પર સેન્ટ્રલ બસ પોર્ટ આવેલું છે. સરકાર દ્વારા બસ સ્ટેશનોને સ્માર્ટ અને આધુનિક બનાવવાનો પ્રોજેકટ હાથ પર ધરાયો હતો. જેમાં રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશનને રૂા.150 કરોડના ખર્ચે અતિઆધુનિક ટચ આપવામાં આવ્યો હતો. જેમાં મુસાફરોની આવકની સાથેસાથે રેવન્યુ આવકને જોડવામાં આવી હતી અને બસ સ્ટેશનમાં કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યા હતાં. હાલ આ કોમ્પલેક્ષ ધુણધાણી અવસ્થામાં જોવા મળી રહ્યાં છે. બસ સ્ટેશનને આધુનિક ટચ આપતાં વિશાળ જગ્યા ખાબોચીયા જેવી બની ગઈ છે અને પાર્કીગં સહિતની સમસ્યાઓ ખુદ એસ.ટી.ના કર્મચારીઓ ભોગવી રહ્યાં છે.
જુના બસ સ્ટેશનમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના વિભાગો અલગ અલગ હતાં જેમાં 32 જેટલા પ્લેટફોર્મ હતાં જેમાં અલગ અલગ રૂટની બસો સ્ટોપ કરતી હતી. હાલ નવા બસ સ્ટેશનમાં માત્ર 22 જ પ્લેટફોર્મ રાખવામાં આવ્યા છે. જુના બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ સહિત 100 થી વધુ ગાડીઓ પાર્કીંગ થઈ શકતી હતી પરંતુ નવા બસ સ્ટેશનની ડિઝાઈનથી જગ્યાનો અભાવ જોવા મળી રહ્યો છે અને હાલ માત્ર 28થી 30 જેટલી બસો જ પાર્કીંગમાં રાખી શકાય છે. તેના કારણે પણ બસ પોર્ટમાં ટ્રાફીક સમસ્યા સર્જાય છે. ડ્રાઈવરોને એસ.ટી.બસ રિર્વસ લેવામાં તકલીફ પડી રહી છે અને તેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. આજે સવારે જ એસ.ટીની બે બસો વચ્ચે વિદ્યાર્થી આવી જતાં તેનું મોત નિપજ્યું હતું.
વિશાળ જગ્યામાંથી બસ સ્ટેશનનો વિસ્તાર ઘટી જતાં ભારે હાલાકી થઈ પડી છે. બસ પોર્ટમાં અંદર જગ્યા નહીં હોવાથી ઘણી વખત રૂટમાંથી આવતી બસોને ઢેબર રોડ પર પાર્કીંગ કરી દેવામાં આવે છે તેમજ કયારેક દરવાજાઓ પર લાઈન લાગી હોવાથી રોડ ઉપર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે અને કલાકો સુધી વાહન ચાલકોને રોડ ઉપર જ સમય કાઢવો પડતો હોય છે. જગ્યાના અભાવે અન્ય કામગીરીઓમાં પણ મુશ્કેલી પડતી હોય છે. બસ સ્ટેશનમાં કરોડોનો ખર્ચ કરવા છતાં પણ મુસાફરોને જે પ્રકારે સુવિધા મળવી જોઈએ તે પ્રકારની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. એજેન્સી દ્વારા મેન્ટેનન્શની યોગ્ય જાળવણી નહીં કરતાં ઠેર ઠેર ગાબડા પડવા લાગ્યા છે. તાજેતરમાં જ બસ સ્ટેશન ઉપરથી જ પાણીના સુવા પડવા લાગ્યા હતાં અને કેટલોક ભાગ પાણીથી જ ભરાઈ ગયો હતો. તંત્ર દ્વારા ડોલ રાખી અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ ગટરો પણ ઉભરાઈ રહી છે. ઉભરાયેલી ગટરોના પાણી ઢેબર રોડ પર ફરી વળતા વેપારીઓને પણ ભારે મુશ્કેલી થઈ હતી.
તંત્ર દ્વારા મુસાફરોને સલામત સવારી અને આધુનિક સુવિધા આપવાનો જે પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે તેમાં સંપૂર્ણ રીતે નિષ્ફળતા હાથ ધરી છે. કારણ કે આ પ્રોજેકટ સુવિધા નહીં પણ દુવિધા બની ગયો છે . તંત્ર માત્ર કમાવવા ખાતર માટે જ હાથ ધર્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. વારંવાર થતી હેરાનગતિથી મુસાફરો પણ રોષે ભરાયા છે.
364 દુકાનોમાંથી 252 દુકાનો ધૂળધાણી: અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો બની
નવા બસ સ્ટેશનમાં કોમર્શિયલ હેતુના કારણે થાળી ભાંગીને વાટકો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ચાર માળની ઈમારત બનાવવામાં આવી છે જેમાં 364 જેટલી દુકાનો બનાવવામાં આવી છે. ગ્રાઉન્ડ ફલોર પર 59, ફર્સ્ટ ફલોર પર 57 સેક્ધડ અને થર્ડ ફલોર પર 94-94 અને ચોથા માળે 42 જેટલી દુકાનો બનાવાઈ છે. જેમાંથી માત્ર 112 જેટલી દુકાનો જ વેચાઈ છે જ્યારે 252 જેટલી દુકાનો ધુળ ખાઈ રહી છે. બસ સ્ટેશનનું સ્ટ્રેકચર એવું બનાવવામાં આવ્યું છે કે ઉપરના માળે કોઈ અવરજવર નહીં હોવાથી હાલ ત્યાં અનૈતિક પ્રવૃતિઓ ધમધમી રહી છે. જેમાં ઘણીવાર નશાકારક પદાર્થો પણ મળી રહ્યાં છે.
પોલીસ ચોકીનો અભાવ : રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
જુના બસ સ્ટેશનમાં પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી હતી. પરંતુ નવા બસ પોર્ટમાં પોલીસ ચોકીની જગ્યા જ રહી નહીં હોવાથી હાલ ત્યાં પોલીસ ચોકી કાર્યરત નહીં હોવાથી બસ સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે અને છાશવારે ચોરી અને તોડફોડના બનાવો બની રહ્યાં છે. આ બાબતે અસંખ્યવાર મુસાફરો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.
ફ્રી પાર્કિંગની સુવિધા જ નથી
મુસાફરોમાં એવો પણ સૂર ઉઠયો છે કે લોકો પોતાના સંબંધીઓને બસ સ્ટેશને છોડવા આવે છે ત્યારે તેઓને ફરજિયાત પોતાના વાહન પાર્કીંગમાં મુકવા પડે છે અને તેનો ભારેખમ દંડ ભરવો પડે છે કારણકે પાર્કીંગમાં ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. પોાતાના સંબંધીઓને છોડવા માટે પાંચ દસ મીનીટ માટે આવતાં લોકોને ફ્રી પાર્કીંગની ખાસ જરૂરીયાત હોય તેની પણ માંગ ઉઠી છે.
સિંગલ લેડીઝ વેઈટિંગ રૂમ ખંઢેર જેવો
બસપોર્ટના નિર્માણ સમયે લેડીઝને ધ્યાનમાં રાખીને તેઓ માટે સિંગલ લેડીઝ વેઈટીંગ રૂમ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ રૂમમાં આજ સુધી ખુરશીઓ સહિતની સુવિધાઓ જ મુકવામાં આવી નથી અને રૂમનો દરવાજો પણ ખોલવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યું છે. હાલ આ રૂમ ધૂળ ખાઈ રહ્યો હોવાથી તેને મહિલાઓ માટે શરૂ કરવા માંગ કરાઈ છે.
બસ પોર્ટમાંથી જ મુસાફરોને ઉપાડી જતાં ખાનગી વાહનચાલકો
બસ સ્ટેશનમાં સિકયુરિટીનો અભાવ જોવા મળી રહ્યો છે. પુરતી સંખ્યામાં સિકયોરિટી નહીં હોવાના કારણે ખાનગી વાહન ચાલકોના આંટાફેરા સતત વધી રહ્યાં છે અને પ્લેટફોર્મ પાસે પડયા પાથર્યા રહે છે. બસ પોર્ટ પાસેથી જ મુસાફરોને ઉપાડી જતાં રહે છે છતાં પણ એસ.ટી.ના તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેવો પણ સૂર મુસાફરોમાં ઉઠી રહ્યો છે.