OPSનો ઠરાવ જાહેર નહીં થતા સરકારનું નાક દબાવતા શિક્ષકો
સત્યાગ્રહ છાવણીમાં મહાપંચાયત કરતા ઠરાવ બહાર પાડવાની ખાતરી અપાતા ધરણાં સમેટાયા
રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે શનિવારે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં મહાપંચાયતનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા અને જ્યાં સુધી જૂની પેન્શન યોજનાને લઈને ઠરાવ ન થાય ત્યાં સુધી સત્યાગ્રહ છાવણી ખાલી ન કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. શિક્ષકોની ખૂબ જ મોટી સંખ્યામાં હાજરીને જોઈ મોડી સાંજે સરકાર દ્વારા મંત્રણા હાથ ધરવામાં આવી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ ઓગસ્ટ-2022માં આંદોલન કરાયું હતું. 6 માર્ચના આંદોલન બાદ પણ સરકાર દ્વારા પડતર પ્રશ્નો ન ઉકેલાતા શનિવારે ગાંધીનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરાયું હતું. જેમાં કેસરી ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના વિવિધ સંગઠનો સંલગ્ન શિક્ષકો- કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રીરામ નામની પતાકા, સાફા પહેરી ગાંધીનગર ઉમટી પડ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો અને કર્મચારીઓ ગાંધીનગર ખાતે આવ્યા હતા અને સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈ જૂની પેન્શન યોજનાના અમલીકરણની માગ કરતા જોવા મળ્યા હતા.
જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે હજારોની સંખ્યામાં આવેલા શિક્ષકોએ ઉગ્ર માગ કરતા પ્રાંતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ મોટી સંખ્યામાં શિક્ષકો સાથે જ સત્યાગ્રહ છાવણીમાં બેસી રહ્યા હતા અને જ્યાં સુધી જૂની પેન્શન યોજનાનો ઠરાવ ન થાય ત્યાં સુધી સત્યાગ્રહ છાવણી ખાલી નહીં કરે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આમ, શિક્ષકો સાંજ પડ્યા પછી પણ સત્યાગ્રહ છાવણી ખાલી કરીને ગયા ન હોવાની જાણ સરકારને થતાં સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી.
મહાપંચાયત કાર્યક્રમના દેખાવો બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં 2005 પહેલાના શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાનો ઠરાવ બહાર પાડવા માટેની ખાતરી સાથે સમાધાન થયું હોવાનું જણાવાયું છે. સંયુક્ત મોરચાના અગ્રણી ભીખાભાઇ પટેલે જણાવ્યું હતું કે મંત્રી સંઘવી સાથેની સફળ બેઠક બાદ તેમણે આગામી સપ્તાહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફરી બેઠક યોજીને 2005 પૂર્વેના શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વધુમાં જણાવ્યું હતું કે 2005 પછીના શિક્ષકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ બન્નેના ઠરાવ જરૂૂરી છે. તે નીતિ વિષયક બાબત હોઇ સરકાર સાથે ચર્ચા કરીને યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.