દિવાળી પહેલાં પુરવઠા વિભાગનું સર્વર ડાઉન થતાં લાંબી કતારો
રેશનિંગના દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે સતત ઘર્ષણના બનાવો
દિવાળીના તહેવારો માથે છે ત્યારે રાશનકાર્ડ ધારકોને રાશન લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બે દિવસ સર્વ રોજ સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી પુરવઠા વિભાગનું સર્વર ડાઉન રહેતા શહેરની રાશનની દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી.
સર્વર ચાલુ ન થતાં ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. સામાન્ય રીતે દિવાળી નિમિત્તે સરકાર દ્વારા તેલ અને ખાંડનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એક તરફ, સર્વર ડાઉન થવાથી રાશન વિતરણ અટકી ગયું છે અને બીજી તરફ, તહેવારો નજીક હોવા છતાં તેલ અને ખાંડ મળવાની કોઈ જાહેરાત ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દુકાનદારોનું કહેવું છે કે, સર્વર ડાઉન હોવાને કારણે તેઓ રાશન આપી શકતા નથી. વહેલી સવારથી આવેલા ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. દુકાનદારો નજીવા કમિશનથી કામ કરે છે અને તે પણ સમયસર મળતું નથી. આ ઉપરાંત, સર્વરની વારંવારની તકલીફોને કારણે તેમને માનસિક યાતનાઓ પણ ભોગવવી પડે છે.
આ પરિસ્થિતિને કારણે લોકોને તેમની રોજગારી છોડીને રાશનની દુકાનોના ધક્કા ખાવા પડે છે. ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશને આ અંગે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું કે રાજકોટના કુલ 78 જનપ્રતિનિધિઓએ પ્રજાની આ કાયમી પીડાનું સમાધાન લાવવા માટે આગળ આવવું જોઈએ અને સરકારમાં યોગ્ય રજૂઆત કરવી જોઈએ.