અશ્વદળનું નેતૃત્વ કરી વગાડ્યો વુમન પાવરનો ડંકો
હાર તબ હોતી હૈ જબ માન લિયા જાતા હૈ...જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાતા હૈ
ડીવાયએસપી મનીષા દેસાઈના સુંદર ચહેરા પર દેશ ભક્તિની ખુમારી,ખાખી યુનિફોર્મ અને વ્યક્તિત્વમાં છલકાતો હતો આત્મવિશ્વાસ
ટ્રેનિંગ દરમિયાન બે વખત હોર્સ રાઈડિંગમાં ઇજાઓ થવા છતાં હાર્યા વિના એકતા પરેડમાં અશ્વદળનું નેતૃત્વ કર્યું બોટાદના ડીવાયએસપી મનીષા દેસાઈએ
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.આ વર્ષે મૂવ ટુ મૂવ પરેડમાં ગુજરાત તરફથી અશ્વદળનું નેતૃત્વ કરવાનું હતું. કાર્યક્રમ શરૂૂ થતા એક પછી એક ટુકડી આવીને વડાપ્રધાનને સલામી આપી રહી હતી જેમાં ગુજરાત તરફથી અશ્વદળનું નેતૃત્વ એક મહિલા અધિકારી કરી રહ્યા હતા.સુંદર ચહેરા પર દેશ ભક્તિની ખુમારી,ખાખી યુનિફોર્મ અને વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ છલકતો હતો.થોડીક ક્ષણોની આ ઘટના યાદગાર બની દરેક દિલમાં અંકિત થઈ ગઈ.ઘોડા પર જાણે સિંહણની સવારી.કાર્યક્રમ બાદ ઓફિસરો તરફથી અભિનંદન તેમજ અજાણ્યા લોકો તરફથી પણ શુભેચ્છઓનો ધોધ વરસ્યો.ગુજરાતને ગૌરવ અપાવનાર આ દીકરી એટલે બોટાદમાં એસસી,એસટી સેલમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવનાર મનીષા દેસાઈ.મનીષા દેસાઈએ ઉડાન માટે ખાસ વાતચીત કરી હતી જેનો આસ્વાદ આપ સહુ પણ કરો.
સાબરકાંઠા જિલ્લાના કલ્યાણપુર ગામમાં જન્મ થયો. પિતાજી બળદેવભાઈ રબારી (નિવૃત ઉુજા) અને માતા ગીતાબેન રબારી,એક બહેન અને એક ભાઈ એમ ત્રણ ભાઈ બહેનનો નાનકડો પરિવાર. માતા-પિતાએ જીવનનો કપરો સમય જોયો હતો તેથી બાળકોને શિસ્ત અને સંસ્કાર સાથે ઉડવા માટે આકાશ આપ્યું.પરિવારમાંથી પિતાજી, તેમના બે ભાઈ તેમના બે પુત્રો અને મનીષાબેન પાંચમા સભ્ય છે જે પોલીસ વિભાગમાં છે.
મનીષાબેને બારમા ધોરણના અભ્યાસ પછી સેપ્ટની પરીક્ષા પાસ કરી પરંતુ એડમિશન લેતી વખતે નાનપણમાં જોયેલું Dysp બનવાનું સ્વપ્ન યાદ આવ્યું અને ત્યાંથી પાછા ફર્યા. બધા જ ફ્રેન્ડ્સ સિવિલ એન્જિનિયરિંગમાં જતા હતા એટલે સિવિલ એન્જિનિયરિંગ કર્યું, સ્પીપાની એક્ઝામ ક્લિઅર કરી, જીપીએસસીની એક્ઝામ ક્લિઅર કરી મેઇન્સની બે એક્ઝામ ક્લિઅર કરી પ્રારંભમાં મદદનીશ તાલુકા અધિકારી તરીકે અંજારમાં જોડાયા. અહીં ઘણું કામ કર્યું.આ સમય દરમિયાન પણ અલગ અલગ એક્ઝામ આપવાનું તો ચાલુ જ હતું. પીઆઇની એક્ઝામ પણ ક્લિઅર કરી અને અડધી ટ્રેનિંગ લીધી એ સમયે ક્લાસ વનની પરીક્ષાનું પરિણામ આવ્યું અને ડીવાયએસપી બનવાની મંઝિલ તરફ પ્રયાણ કર્યું અને ટ્રેનિંગ શરૂૂ થઈ.
તેઓ જણાવે છે કે કોઈપણ ઓફિસરને ઘડવામાં ટ્રેનિંગનું ઘણું મહત્વ હોય છે. આ સમય ખૂબ કઠિન હોય છે કારણ કે હેક્ટિક શેડ્યૂલ, મેન્ટલ પ્રેસર તેમજ સમય અનુસાર ખાવા,પીવા,સુવાનું ટાઈમ ટેબલ હોય છે જે વ્યક્તિને મેન્ટલી અને ફિઝિકલી તૈયાર કરે છે.ટ્રેનિંગ બાદ ભાવનગરમાં પ્રોબેશનર તરીકે નાસતા ફરતા આરોપીને પકડવા માટે સુપરવિઝન ઓફિસરની જાવાબદારીમાં 30 દિવસમાં 28 આરોપીને પકડ્યા હતા. રથયાત્રા હોય કે સીએમ કાર્યક્રમ હોય બધા બંદોબસ્તની તેમજ નવરાત્રીના આયોજનની જવાબદારી નિભાવી. પ્રથમ પોસ્ટિંગ બોટાદ એસસી, એસટી સેલમાં ડીવાયએસપી તરીકે થયું.
એકતા પરેડમાં તેમનું ગાર્ડ ઓફ ઓનરમાં આઇપીએસ સીમરન ભારદ્વાજ સાથે રિઝર્વ તરીકે પસંદગી થઈ હતી તેથી તેઓ ગાંધીનગર પ્રેક્ટિસમાં ગયા. પોતે રિઝર્વ તરીકે હતા તેથી તેઓએ ઓફિસરને પોતાને હોર્સ ક્ધટીજન્ટ લીડ કરવા માટેની તક આપવા જણાવ્યું. આ બાબત ખૂબ ગંભીર હતી પરંતુ તેમનો આત્મવિશ્વાસ અને આવડત જોઈને ઉપરી અધિકારીએ અનુમતિ આપી. તેઓ જણાવે છે કે સમગ્ર ભારતમાં ગુજરાત પોલીસની હોર્સ ક્ધટીજન્ટ વખણાય છે.આપણી પાસે અશ્વની ખૂબ સારી સંખ્યા છે. ગુજરાત પોલીસ પાસે 750 ઘોડા છે જે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિમાં કામ આવે છે.
પોતાની સફળતાનું શ્રેય તેઓ માતા-પિતા પરિવાર અને મિત્રો તેમજ ઓફિસરોને આપે છે.જ્યાં કામ કર્યું તે દરેક જગ્યાએ ઓફિસરોનો ખૂબ સારો સહયોગ મળ્યો તેમજ પિતાજીએ ડીસીપ્લીન અને કોઈપણ સંજોગોમાં લડવાનું શીખવ્યું, માતાએ દરેક નિર્ણયમાં મૌન સાથ આપ્યો છે. ડીવાયએસપી બનવાનું સ્વપ્ન તો સાકાર થઈ ગયું પરંતુ તેઓને હજુ ખૂબ કામ કરવું છે અત્યારે તેમની પાસે સમય છે, શક્તિ છે ત્યારે તે વેડફવાને બદલે તેનો સદુપયોગ પોલીસ ડિપાર્ટમેન્ટ,સમાજ અને રાષ્ટ્ર માટે કરવા માગે છે અને એવી જિંદગી જીવવી છે કે કબ્ર પર મેરે સર ઉઠા કે ખડી હો જિંદગી, એસે મરના હે મુજે...ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અશ્વનો કડવો અનુભવ છતાં કર્યું અશ્વદળનું નેતૃત્વ
હોર્સ સાથેના કડવા અનુભવ છતાં હોર્સ ક્ધટીજન્ટ લીડ કરવાની જવાબદારી સામે ચાલીને ઉપરી અધિકારી પાસે માગી હતી.ટ્રેનિંગ સમયે હોર્સ રાઇડિંગમાં બેચ મેટ સાથે રાઇડિંગ કરતા હતા તેમાં સૌથી ઊંચો ઘોડો તેમની પાસે હતો. અચાનક ઘોડાએ સ્પીડ વધારી અને તેઓ ઘોડા પરથી પડી ગયા અને ગંભીર હિપ ઇન્જરી થઈ. આ ઉપરાંત ટ્રેનિંગ અને પરીક્ષાના છેલ્લા દિવસે એક ઘોડાએ લાત મારી અને સાથળમાં ગંભીર ઇજા થઇ જેનું હજુ પણ નિશાન છે.આ મોટી ઘાત સમાન હતી કારણ કે જો ઇજા પેટમાં વાગી હોત તો જીવનું જોખમ હતું અને જો પગના નીચેના ભાગમાં વાગી હોત તો પગ ગુમાવવાનો વારો હતો.ઘોડાના આટલા અનુભવો હોવા છતાં પણ તેઓએ જે આત્મવિશ્વાસ અને જુસ્સાથી અશ્વ સંચાલન કર્યું તે કાબિલેદાદ છે.
હોર્સ ક્ધટીજન્ટ લીડ કરવું ચેલેન્જિંગ હતું
કુલ 25 હોર્સ સાથે હોર્સ ક્ધટીજન્ટના અનુભવ બાબત તેઓએ જણાવ્યું કે આ માટે ફક્ત છ દિવસની પ્રેક્ટિસ કરી હતી કારણ કે અવારનવાર ઘોડાને ગ્રાઉન્ડ પર લાવવા અઘરું હોય છે. બીજું આસપાસના વાતાવરણમાંથી કઈ ડિસ્ટર્બન્સ આવે તો ઘોડો વિચલિત થઈ શકે.ઉપરાંત હોર્સ રાઈડિંગ બે હાથના બદલે એક હાથે કરવાનું હતું કારણ કે તેઓ લીડ કરતાં હોવાથી એક હાથમાં તલવાર હતી.આમ છતાં ચેલેન્જ સામે આત્મવિશ્વાસની જીત થઈ.
પોતાની જાત માટે સ્ટેન્ડ લેતા શીખો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે આત્મવિશ્વાસ રાખો જો તમારામાં આત્મવિશ્વાસ નહીં હોય તો લોકો તમારામાં વિશ્વાસ નહીં મૂકે તમે જ તમારી પરિસ્થિતિ બદલાવવા માટે જવાબદાર છો, બધાની લાઇફમાં જુદા-જુદા સંઘર્ષ આવતા હોય છે તેનો સામનો પોતાને જ કરવાનો હોય છે, જમાનો બદલાઈ રહ્યો છે ત્યારે તમારામાં સ્ટેન્ડ લેવાની કેપેસિટી હોવી જરૂૂરી છે. દીકરીઓને ખાસ કહેવાનું કે ખોટા પ્રેમમાં ન પડે તમારી મર્યાદા જાણો
અને વ્યક્તિને ઓળખો.
