કરણપરામાં વેપારીના બંધ મકાનમાંથી 15 લાખની ચોરી
ઘરમાં ઊધઈની દવાનો છંટકાવ કર્યો હોવાથી સંબંધીના ઘરે સુવા ગયા ને તસ્કરો હાથફેરો કરી ગયા
સોનાના ઘરેણાં, ચાંદીની બે ઈંટ અને રૂા.1 લાખની રોકડ રકમની ચોરી
ગુજરાત મિરર, રાજકોટ,તા.9
શહેરમાં છેલ્લા ઘણા વખતથી બેફામ બનેલા તસ્કરો ઉપર લગામ લગાવવામાં પોલીસ નિષ્ફળ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. ચોરીના સતત વધતાં બનાવોમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવ્યું હોવાની વાત હવે ખોટી સાબિત થઈ રહી છે. શહેરના કરણપરામાં રહેતા ઈલેકટ્રીકના વેપારીના ઘરે તસ્કરો ત્રાટકયા હતાં અને તેમના બંધ મકાનમાંથી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના અને ચાંદીની બે ઈંટ સહિત આશરે 15 લાખની મત્તા ચોરી જતાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં એ ડીવીઝન, એલસીબી અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વેપારીએ ઘરમાં પેસ્ટ કંટ્રોલ કરાવ્યું હોય જેથી દવાની વાસ આવતી હોય નજીકમાં રહેતા ફૈબાના ઘરે રહેવા ગયા અને પાછળથી બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી ગયા હતાં.
ચોરીની બનેલી આ ઘટનામાં શહેરના કરણપરા શેરી નં.13/14ના ખૂણે સિધ્ધાર્થ મકાનમાં રહેતા અને સાંગણવા ચોકમાં ઈલેકટ્રીકની દુકાન ધરાવતાં કેકીનભાઈ શાહે પોતાના ઘરે શનિવારે ઉધઈની પેસ્ટ કંટ્રોલની ટ્રીટમેન્ટ કરાવી હોય ઘરમાં દવાનો છંટકાવ કર્યો હોવાથી શનિવારે તેઓ પોતાના ફૈબાના ઘરે ગયા હતાં અને સાંજે પરત આવ્યા ત્યારે દવાની વાસ આવતી હોવાથી તેઓ નજીકમાં વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા તેના ફૈબાના ઘરે ચાલ્યા હતાં અને પાછળથી તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર ઘુસેલા તસ્કરો મકાનના ઉપરના માળે રાખેલ ચાંદીની બે ઈંટ તેમજ સોના ચાંદીના દાગીના અને એક લાખ રૂપિયા રોકડ સહિત આશરે 15 લાખની મતા ચોરી ગયા હતાં.
બે દિવસ ફૈબાના ઘરે રોકાણ કર્યા બાદ આજે કેકીનભાઈ અને તેમનો પરિવાર પોતાના ઘરે કરણપરા સ્થિત મકાને આવ્યો ત્યારે દરવાજાના તાળા તુટેલા જોયા હતાં અને તપાસ કરતાં ઘરમાંથી આશરે 15 લાખની મતા ચોરી થઈ હોવાનું જાણવા મળતાં પોલીસને આ બાબતે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ, પીએસઆઈ એમ.વી.લુવા, એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા સાથે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તેમજ એ-ડીવીઝન પોલીસ મથકના રાજુભાઈ કોડીયાતર, ભરતસિંહ, અશ્ર્વિનભાઈ, વિરેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયા હતો. પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા માટે ડોક સ્કવોર્ડ અને ફીંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ પણ લીધી છે. જેના આધારે પોલીસ તસ્કરોનું પગેરૂ દબાવવા માટે તપાસ કરી રહી છે.
ચોરી કરનાર તસ્કર CCTVમાં કેદ, ઊધઈ વાળા જ ‘ટ્રીટમેન્ટ’ કરી ગયાની શંકા
કરણપરામાં સિધ્ધાર્થ મકાનમાં રહેતા વેપારીના ઘરે ચોરીનો બનાવ બન્યો હોય આ બનાવમાં પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શકમંદ કેમેરામાં કેદ થયો હોય જેની ઓળખ મેળવવા માટે એ-ડીવીઝન, ક્રાઈમ બ્રાંચ અને એલસીબીની ત્રણ ટીમો કામે લાગી છે. ચોરીના બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મકાન માલિક કેકીન શાહે જણાવ્યું હતું કે તેમના ઘરમાં પેસ્ટ કંટ્રોલ કરાવ્યું હોય જેથી તેઓ નજીકમાં રહેતા તેમના ફૈબાના ઘરે રહેવા ગયા હોય આ ચોરીના બનાવમાં ઉધઈની ટ્રીટમેન્ટ માટે આવેલા પેસ્ટ કંટ્રોલ વાળાઓની આ ચોરીમાં સંડોવણી હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. હાલ તો પોલીસે પ્રથમ આ પેસ્ટ કંટ્રોલની કામગીરી કરનાર કંપનીના કર્મચારીઓની પુછપરછ માટે તજવીજ હાથ ધરી છે. બીજી તરફ અન્ય પોલીસ ટીમ અન્ય સીસીટીવી ફુટેજ ઉપર તપાસ કેન્દ્રીત કરી છે.