લીંબડીના બળોલ ગામે તળાવમાં ડૂબી જતાં બે પિતરાઈ ભાઈનાં મોત
- ભેંસો કાઢવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામના તળાવમાં ડૂબી જતાં બે પિતરાઇ ભાઇઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સગીરવયના બંને પિતરાઇ ભાઇઓ તળાવમાંથી ભેસો કાઢવા ગયા હતા. જે ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં બંનેના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.
આ ગોઝારી ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામનો 15 વર્ષીય હર્ષદબચુભાઈ ડાંગર અને તેનો 13 વર્ષીય પિતરાઇ ભાઇ પ્રવીણ મીઠાભાઈ ડાંગર આજે બપોરે ગામના તળાવમાં પોતાની ભેંસો કાઢવા માટે ગયા હતા. આ દરમિયાન તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
બંને ભાઇઓ તળાવમાં ડૂબી ગયા હોવાની જાણ થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને તુરંત પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને બંનેના મૃતદેહ કાઢ્યા હતા. બાદમાં બંનેને 108 એમ્બ્યુલન્સ દ્વારા બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયા હતા. બંને પિતરાઇ ભાઇઓના અકાળે મોત થતાં પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.પરિવારજનોના રોકકળ અને આક્રાંદથી વાતાવરણમા ગમગીની છવાઈ જવા પામી હતી. ડૂબી જતા હર્ષદભાઈ બચુભાઈ ડાંગર (ઉંમર વર્ષ15) પ્રવીણભાઈ મીઠાભાઈ ડાંગર (ઉંમર વર્ષ 13)મોત નિપજ્યા હતાં.