For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલ હોસ્પિટલમાં વાહનચોરો બેફામ : ભાઈને સારવારમાં લાવેલા યુવાનની રિક્ષા ચોરાઈ

04:57 PM Dec 29, 2023 IST | Sejal barot
સિવિલ હોસ્પિટલમાં વાહનચોરો બેફામ   ભાઈને સારવારમાં લાવેલા યુવાનની રિક્ષા ચોરાઈ

સિવિલ હોસ્પિટલમાં ચોર ગઠીયાઓ બેફામ બન્યા હોય તેમ અવારનવાર દર્દીના પરિવારજનોના મોબાઈલ, કિંમતી ચીજવસ્તુ અને વાહનોની ચોરી થયાના બનાવ વધી રહ્યાં છે. સિકયુરિટી માત્ર નામની જ હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી વાહનોની ઉઠાંતરીના બનાવો પણ વધી રહ્યાં છે. ત્યારે થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન ભાઈની સારવાર કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં રીક્ષા લઈને આવ્યો હતો. જેની ઈમરજન્સી સામે રાખેલી રિક્ષા તસ્કરો ઉઠાવી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ, થોરાળા મેઈન રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતાં લીલાભાઈ અમૃતભાઈ સિરોયા (ઉ.43)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.25/12ના રોજ તેના ભાઈ કિશોરને મજા ન હોવાથી તે ભાઈને લઈ રીક્ષામાં સિવિલ હોસ્પિટલે આવ્યો હતો અને ઈમરજન્સી સામે રીક્ષા પાર્ક કરી ભાઈને ઈમરજન્સીમાં લઈ ગયો હતો જ્યાંથી તબીબોએ વોર્ડમાં દાખલ કરતાં તેઓ ત્યાં ગયા હતાં. બાદમાં તા.26ના રાત્રે 10 વાગ્યે તેઓ રીક્ષા લેવા જતાં ત્યાં રીક્ષા પડેલ ન હોય જેથી સિવિલ કંપાઉન્ડમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેની રીક્ષાનો કોઈ પત્તો ન લાગતાં ચોરી થયાની જાણ થઈ હતી. જેથી આ અંગે તેમણે સિટીઝન પોર્ટલમાં રીક્ષા ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પ્ર.નગર પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવેલા હોવા છતાં ચોર ગઠીયાઓ સિવિલ હોસ્પિટલમાં પડયા પાથર્યા રહેતાં હોય અને અવારનવાર દર્દી સાથે આવનાર તેના પરિવારજનોને નિશાન બનાવી નજર ચુકવી વાહનો અને કિંમતી ચીજવસ્તુઓ ઉઠાવી જતાં હોય જેથી સિવિલ હોસ્પિટલમાં રહેલી સિકયુરિટી સામે સવાલો ઉઠી રહ્યાં છે. આ અંગે સિવિલ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી દર્દીઓ અને તેના પરિવારજનોમાં માંગ ઉઠવા પામી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement