For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આગકાંડમાં હજુ વધુ ધરપકડ થશે : સીપી બ્રજેશ ઝા

03:56 PM Jun 11, 2024 IST | admin
આગકાંડમાં હજુ વધુ ધરપકડ થશે   સીપી બ્રજેશ ઝા

ઘટનામાં જવાબદારો સામે પોલીસ મજબૂત પુરાવા એકત્ર કરી રહી છે

Advertisement

આગકાંડના જવાબદારો સાથે સંકળાયેલા અન્ય લોકોની ધરપકડનો ઘડાતો તખ્તો

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલા આગના બનાવની તપાસની જવાળા હજુ સુધી પ્રજવલીત છે. રાજકોટ શહેરમાં બનેલા આ બનાવ બાદ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હોય ક્રાઈમ બ્રાંચની આ સ્પેશ્યલ ટીમમાં અલગ અલગ પોલીસ મથકમાંથી અધિકારીઓને મુકવામાં આવ્યા હોય આ બનાવની તપાસ હજુ પણ ચાલુ છે અને આ ઘટનામાં જવાબદાર સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ આગામી દિવસોમાં ધરપકડ થઈ શકે છે તેવો નિર્દેશ પોલીસ કમિશાનર બ્રજેશકુમાર ઝાએ આપ્યો હતો.

Advertisement

ગુજરાત મિરર સાથેની વાતચીતમાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું કે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના અંગે હજુ તપાસનિશ અધિકારીઓની ટીમ તપાસ કરી રહી છે અને આ ઘટનામાં મજબૂત પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યાં છે. ઘટનામાં જવાબદારો સાથે સિધી કે આડકતરી રીતે સંકળાયેલા અન્ય શકમંદોની સામે પુરાવા મળીએ તેમની ધરપકડ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ટીઆરપી ગેમઝોનની આગની ઘટનામાં 27 નિર્દોષ લોકોના મોત બાદ આ મામલે જવાબદારો સામે પોલીસ કાયદાનો ગાળીયો મજબૂત કરી રહી છે. આગ કાંડમાં પોલીસે સંચાલક યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, નિતીન મહાવીર પ્રસાદ લોઢા, રાહુલ લલિત રાઠોડ, ધવલ ભરત ઠક્કર અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યા છે. જ્યારે આ મામલે મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા અને પૂર્વ ફાયર ઓફિસર રોહિત આસમલભાઈ વિગોરાની પુછપરછ યથાવત રાખી છે. ટીઆરપી ગેમઝોનના સંચાલકોએ બેજવાબદારી પૂર્વકની પ્રવૃતિ કરી આ ઘટનામાં 27 નિર્દોષ જિંદગીઓનો ભોગ લીધો છે. તેમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ અને ફાયરબ્રિગેડ શાખાના અધિકારીઓએ જે જવાબદારી દાખવી છે તે મામલે પુરાવા એકત્ર કરીને તપાસ આગળ ધપાવવામાં આવી છે.
આ મામલે હજુ પણ આગામી દિવસોમાં જવાબદારો સાથે સંકળાયેલા અન્ય લોકોની ધરપકડનો તખ્તો પોલીસ તૈયાર કરી રહી છે. ટીઆરપી ગેમઝોન ખાતે ફેબ્રીકેશનનું કામ ચાલુ હોય વેલ્ડીંગ કામ કરતી વખતે ફોમ શીટના જથ્થામાં પડેલ વેલ્ડીંગના તણખાથી આગ ભભૂકી હોય સમગ્ર ઘટનામાં જવાબદાર લોકોની એક પછી એક ધરપકડ બાદ હવે આ મામલે પોલીસ પુરાવા સાથે જવાબદાર સંચાલકો અને સરકારી તંત્રના અધિકારીઓ સાથેની સાંઠગાંઠનો પર્દાફાશ કરે તેવી શકયતા છે. ટાઉન પ્લાનીંગ શાખાનાં પૂર્વ અધિકારી એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મીનીટસ બુકમાં જે છેડછાડ કરી હોય તેમાં કેટલાક મહાનગરપાલિકાના કમર્ચારીઓની પણ સંડોવણી અને ભૂંડી ભુમિકા ઉડીને આંખે વડગે તેવી છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચ આ મામલે આગામી દિવસોમાં મોટા ખુલાસા કરશે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલના સુપર વિઝન હેઠળ ક્રાઈમ બ્રાંચને એસીપી બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ તપાસ કરી રહી છે અને હજુ પણ આ મામલે આગામી દિવસોમાં મોટા ખુલાસા થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement