For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી-શાહે શેરબજારમાં તેજી, રોકાણની સલાહ આપવાની કોઇ જરૂર નહોતી

01:36 PM Jun 08, 2024 IST | Bhumika
મોદી શાહે શેરબજારમાં તેજી  રોકાણની સલાહ આપવાની કોઇ જરૂર નહોતી
Advertisement

લોકસભાની ચૂંટણીનાં પરિણામ ચાર જૂને જાહેર થયાં ને ભાજપની કારમી હાર થઈ ત્યારે કરોડો ભક્તોનાં દિલ તો તૂટી ગયેલાં જ પણ શેરબજાર પણ તૂટી ગયેલું. શેરબજારના સેન્સેક્સમાં ચાર જૂને એક જ દિવસમાં 6,100 પોઈન્ટનો કડાકો બોલી ગયેલો અને રોકાણકારોના 30 લાખ કરોડ રૂૂપિયાનું ધોવાણ થઈ ગયેલું.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શેરબજારના કડાકાને મોટું કૌભાંડ ગણાવ્યું છે એ તેમની બાલિશતા છે. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ ભરીને દાવો કર્યો કે, લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલના પછીના દિવસે શેરબજારમાં તેજી આવી ને લોકોએ મોટા પ્રમાણમાં શેર ખરીદી લીધા કેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે દાવો કર્યો હતો કે, ચૂંટણી પછી શેરબજારમાં જોરદાર તેજી આવશે. લોકોએ તેમના ભરોસે શેર ખરીદી લીધા પણ પરિણામના દિવસે શેરબજાર તૂટ્યું તેમાં સામાન્ય રોકાણકારોને 30 લાખ કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે. રાહુલે આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસની માંગ કરી છે.

Advertisement

નરેન્દ્ર મોદી અને અમિત શાહ તો આ આક્ષેપોનો જવાબ આપે એવી અપેક્ષા ના જ રખાય કેમ કે એ લોકો તો કોઈને જવાબ આપવામાં માનતા જ નથી. તેમાં ને તેમાં 303 લોકસભા બેઠકો પરથી 240 બેઠકો પર આવી ગયા. ખેર, એ મુદ્દો અલગ છે પણ મોદી-શાહના બદલે પિયૂષ ગોયલ જવાબ આપવા હાજર થઈ ગયા છે. પિયૂષ ગોયલે હાસ્યાસ્પદ વાત કરી છે કે, રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં વિપક્ષની હારના આઘાતમાંથી હજુ બહાર નીકળી શક્યા નથી.અલબત્ત રાહુલ ગાંધી કહે છે એ વાત પણ સાવ મોં-માથા વિનાની નથી જ. અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ નહીં પણ નિર્મલા સીતારમણને પણ પરિણામો જાહેર થયાં એ પહેલાંના 20 દિવસના ગાળામાં શેરબજારમાં જોરદાર તેજી આવવાની છે એવી વાતો કરી હતી.

અમિત શાહે 13 મે, 2024ના રોજ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં લોકોને ચાર જૂન પહેલાં શેર ખરીદી લેવાની સલાહ આપી હતી.આ વાત અસામાન્ય છે કેમ કે મોદી, શાહ કે નિર્મલા આ દેશની સરકારમાં બેઠેલા લોકો છે. એ લોકો શેરબજારના દલાલોની જેમ ચાર જૂને શેરોમાં જોરદાર તેજી આવશે એવી વાત કઈ રીતે કરી શકે? એ લોકોનું કામ દેશ ચલાવવાનું છે કે, શેરબજારમાં ક્યારે તેજી આવશે તેની આગાહીઓ કરવાનું છે? જોકે આ નિવેદનો જીતનો આત્મવિશ્ર્વાસ બતાવવા માટે કર્યા હતા તેવું લાગે છે. એ જે હોય તે સરકારમાં બેસેલી વ્યક્તિએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement