For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મા-બાપનું અદ્ભુત સાનિધ્ય, સુખ-શાંતિ અને તોફાન

11:57 AM Jun 18, 2024 IST | Bhumika
મા બાપનું અદ્ભુત સાનિધ્ય  સુખ શાંતિ અને તોફાન
Advertisement

આખુ ગામ ને આખી શેરી……રમવાની મોજ; બાળપણના એ દિવસો અને આજના યુગનો તફાવત

નાનપણના કિસ્સા યાદ આવે છે. મા-બાપનું અદ્ભુત સાન્નિધ્ય, સુખ અને શાંતિ બાળપણનું તોફાનને બાળસહજ નિખાલસતા આખો દિવસ રમવુને ભમવુ. ઉમાશંકર કહે છે તમે ભોમિયા વિનાનું ભમવુ ક્યારેક ઘેર હાજરી હોય. ઘેર પપ્પાની હાજરી તો ઘેરહાજર નહીં તો ગામહાજર એ સમયમાં મહેમાનની આવન જાવન પણ ઘેર રહેતી. ઘરે કોઇને કોઇ મહેમાન આવતા. આવકારો પણ એટલો ભાવભીનો રહેતો નાનીને ત્યાં તો રોજ પંદર જણાનું ટોળું હોય. કોઇ ગામમાં હટાણું કરવા કે દવાખાને આવે ને નાનીને ઘેર રોટલા ખાય. રોજના દસ-પંદર મહેમાન! કોઇ ચા પીને જતા રહે કોઇ રોટલા ખાયને કોઇ રાત રોકાય કેવા દિલ ઉદાર! આ તો નાનીના ઘરની વાત. અમારે ઘેર પણ મહેમાન આવતા નાની જેટલા નહીં, પણ આવતા ખરાં. મહેમાન આવે એટલે આગલા દિવસથી જ ઘરમાં ઉત્સાહ, મહેમાનના આગમનની રાહ અને રાજીપો બંન્ને ભેગો. સારુ ખાવાનું મલશે, મિઠાઇ બનશે એની લાલચ પણ રહેતી મહેમાન આવે એટલે સંતાઇને પહેલા તો જોતા છાના ખુણથી અગાઉના ઘરોમાં આવા છાના ખુણા હતા.

Advertisement

પછી પપ્પા બોલાવે પરિચય આપે, શરમાતા, શરમાતા મહેમાનની જોડે થોડુ બેસીએ, ને પાછા હરખઘેલા થઇ પાડોશમાં કહીએ કે મારે ઘેર આજ મહેમાન આવ્યા. આવો વટને વ્યવહાર હતો મહેમાનો નો ઘર જાણે ઉત્સવ બની જતું. એ દિવસ પુરતુ મમ્મી-પપ્પાની બીકથી બચી શકાતું. એ દિવસ બેમાંથી એક પણ વઢે નહીં! નાના ઘર હતા મોટા દિલ હતા. પર્સનલ સ્પેશ જેવા શબ્દો નહોતા. મમ્મી-પપ્પાનો રૂમ, બાળકોનો રૂમ એવા શબ્દો નહોતા. રૂમો હતા આખુ ગામને આખી શેરી. ગામમાં ફરવાનીને શેરીમાં રમવાની મજા કંઇક અલગ જ હતી. ખાલી જમવા ઘરે જતા ને મહેમાન આવે તો કુતૂહલતાને મજાનું ખાવાની લાલચ ઘરે લઇ જતી. પણ હવે શેરીઓ ખાલી થવા માંડી શેરીની મજા, હર્ષની ચિચિયારીઓ બધુ ગયુ. સન્નાટો ભ્રમને શંકાઓ શેરીમાં આવી ગઇ, નવી પેઢીનું માઇગ્રેશન થયુ શેરીમાંથી ઘરમાં ગામના ખુલ્લા ખેતરોની દુનિયા ઘરોમાં સિમિત થઇ ગઇ। શેરીઓ અને ગામોમાં રમતા, ખીલતા આ બચપણને નહોતું કોઇ ડીપ્રેશન કે ટેન્શન પણ મમ્મી-પપ્પા પૈસે ટકે સુખી થયા ને શેરીઓમાં આવ્યો કળયુગનો પ્રભાવ, એટલે બચપણ ઘરોમાં કેદ થયું. પૈસો આવ્યો એટલે બાળકોને અલગ સ્વતંત્ર રૂમ મળ્યા સારુ થયું સુખ વધ્યુ, સુવિધા વધી પણ, એ રૂમની ચાર દિવાલો બહાર આજની પેઢી હવે નીકળવાનું પસંદ નથી કરતા.

રૂમમાં જ પુરાઇ રહેવું, મમ્મી જમવાનો પોકાર કરે ત્યારે છાનામાના ડાઇનીંગ ટેબલ પર ગોઠવાઇ જવુ. મમ્મી પપ્પા કશું પૂછે તો ફોર્મલ જવાબ આપવાનો બસ, પાછા પેલી ચાર દિવાલની કેદમાં! આજના આ બચપણને હવે શેરી કે ગામ યાદ નથી આવતા, શેરીમાં રમવાનો થાકને ભૂખ ક્કળતી ભૂતકાળ બની ગયા, રમતા રમતા બે વાર મમ્મીને પૂછા આવતા કે જમવાનું બની ગયું?

રૂમની સ્વતંત્રતાએ શેરીની સ્વતંત્રતા છિનવી લીધી. મમ્મી જલ્દી જમવાનુ બનાવો ભૂખ લાગી છેનો સાદ મંદ પડી ગયો રૂમમાં પડ્યા પડ્યા ક્યાંથી ભૂખ લાગે? મહેમાનો પણ હવે ક્યાં આવે છે? જવલ્લેજ, ભાગ્યેજ અચાનક મહેમાન હવે ના આવે. અપોઇન્મેન્ટ લેવી પડે. મહેમાન આવે તો પેલુ થનગનાટ કરતું બચપણ હવે મહેમાનને મળવા ક્યાં જાય છે? કોણ મહેમાન છે, ક્યાંથી આવ્યા છે? એ કૂતુહલ ક્યાં હવે રહ્યું છે. બચપણને! બસ ચાર દિવાલો રહી છે. બચપણને ચાર દિવાલમાંથી બોલાવવામાં આવે છે. મહેમાનને મળવા ત્યારે બચપણ હાય અંકલ, હાય આન્ટી, કહીને ફરી જતુ રહે છે. પેલા પ્રાઇવેટ રૂમમાં ના કોઇ ખુશી, ના કોઇ આનંદ ના કોઇ જમવાનુ બનતી વખતે રસોડામાંથી આવતી સોડમનો એહસાસ બચપણનું માઇગ્રેશન થયું ગામમાંથી શેરીમાં ને શેરીમાંથી ઘરોમાં ને ઘરોમાંથી રૂમમાં. માઇગ્રેશન માત્ર રૂમમાં નથી થયુ. સંવેદનાઓનું પણ માઇગ્રેશન થયું. ખિલખિલાટ હાસ્ય, ચિચિયારીઓ, કોલાહલ, કુતુહલતાનું ડીપ્રેશનમાં, ટેન્શનમાં ને એકલતાની ગમગીનીમાં હજુ માઇગ્રેશન ક્યાં અટક્યું છે હવે રૂમમાંથી આવી ગયું મોબાઇલમાં ને લેપટોપમાં ક્યાં જઇને અટકશે આ માઇગ્રેશન! મોબાઇલ લાઇવ થયા ને સંબંધો ડેડ થયા. દુનિયાની સંકુચિતતાથી કોણ બચાવશે બચપણને? ગામથી મોબાઇલ સુધીના માઇગ્રેશનને સંસ્કારોનું માઇગ્રેશન થયું છે? કે સઘળી સંસ્કૃતિનું માઇગ્રેશન? શુષ્કતા, શૂન્યતામાં કોણ બાળક પૂછશે મમ્મા કોણ મહેમાન આવવાના છે?

Advertisement
Tags :
Advertisement
Advertisement