For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના ભોજપરા ગામના સરપંચના પતિની આત્મવિલોપનની ચીમકી

11:45 AM Dec 09, 2023 IST | Sejal barot
ગોંડલના ભોજપરા ગામના સરપંચના પતિની આત્મવિલોપનની ચીમકી

ગોંડલ તાલુકાના ભોજપરા ગામના સરપંચના પતિએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.ગામમાં પેઢી દર પેઢી રહેતા પરિવારનો આશરો છીનવાઈ જવાની અણી પર હોય સરપંચે અવાજ ઉઠાવતા વિવાદ થયો હતો.ગામમાં સ્વામિત્વ યોજના અંગે તંત્રએ કામગીરી કર્યા બાદ યોગ્ય કામગીરી ન થયાના આક્ષેપ સાથે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
વધુ વિગતો મુજબ,ગોંડલ નજીક આવેલા ભોજપરા ગામના સરપંચના પતિ વિપુલભાઈ પરમારે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, ભોજપરામાં થોડા સમય પહેલા સ્વામિત્વ યોજના અંગે કામ થયું હતું.જેમાં મકાનો અને મિલ્કતોનો સર્વે થાય છે અને તેની માલિકી નક્કી કરવામાં આવે છે.જે રીતે શહેર વિસ્તારમાં સૂચિત કે જૂનવાણી મકાનો-મિલકતોમાં ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી શકાય તેમ આ યોજનામાં જૂની મિલકતો કાયદેસર કરવાનો હેતુ હોય છે.આ કામગીરીના અનુસંધાને ગામમાં પ્રથમ ડ્રોન કેમેરા થકી સર્વે થયો હતો.
આ પછી પણ જુના ગામ તળની કેટલીક મિલકત સર્વેમાંથી બહાર રહી ગઈ હતી.તેને યોગ્ય કરવા જવાબદાર અધિકારીઓને રજુઆત કરી હતી.આ દરમિયાન ગ્રામજનોને યોજના અંતર્ગત નોટિસ બજવણી કરવાની થતી હોય તે પ્રક્રિયા કરવા ગ્રામજનો સાથે બેઠક થઈ પણ ગ્રામજનો સર્વેમાં ક્ષતિના કારણે હવે આગળની પ્રક્રિયા કરવા તૈયાર નહોતા.બાદમાં અધિકારીઓએ વાત કરી અને ગ્રામજનોને મનાવી યોજનાની માહિતી સમજાવવા તેમજ ક્ષતિઓ દૂર કરવા ખાતરી આપી હતી.જોકે આ યોજનાની કામગીરી પૂર્ણ થતાં હવે ક્ષતિઓ દૂર કરવા અધિકારીઓ તૈયાર નથી.જેથી રજુઆત કરતા ગ્રામજનોને ધમકાવી ફરજિયાત નોટિસ બજવણી કરાવવી જ પડશે નહિતર સરપંચ પદ પણ જઇ શકે છે.
વિપુલભાઈએ જણાવ્યું કે,ત્રણ ટર્મથી અમારા પરિવારમાંથી ગ્રામજનો સરપંચ ચૂંટે છે.મારા ભરોસે ગ્રામજનો એક તબક્કે આ યોજના ગામમાં લાગુ કરવા તૈયાર થયા હતા.હવે તંત્રના અધિકારીઓ ક્ષતિ દૂર કરવા તૈયાર ન હોય,આત્મવિલોપન કરવા કલેક્ટર,રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરી છે.તેમજ આત્મવિલોપન કરવા પાછળ સિટી સર્વે સુપ્રિન્ડેન્ટ ભુવા, ગોંડલ ટીડીઓ, ગોંડલ તાલુકાના કર્મચારી દાંગોદરા અને મામલતદાર કચેરીના જવાબદાર કર્મચારીઓ જવાબદાર રહેશે. જો સમસ્યાનો નિકાલ નહીં આવે તો સોમવારે ભોજપરા ગામે આત્મવિલોપન કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement