For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલમાં ‘નોડલ ઓફિસર’ના નામે તોતિંગ પગાર લેવાનું કારસ્તાન

04:39 PM May 17, 2024 IST | Bhumika
સિવિલમાં ‘નોડલ ઓફિસર’ના નામે તોતિંગ પગાર લેવાનું કારસ્તાન
Advertisement

રાજ્યની અન્ય હોસ્પિટલોમાં PMJAY વિભાગમાં 30 હજારના પગારમાં ‘આરોગ્ય મિત્ર’ ફરજ બજાવે છે

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એ જ કામના ‘નોડલ ઓફિસર’ના નામે દર મહિને અધધધ 3 લાખનો પગાર

Advertisement

સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પીએમજેવાય)ના નામે કરોડોનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. પીએમજેવાયમાં નોડલ ઓફિસરના નામે ત્રણ તબીબો તોતીંગ પગાર લઈને દર્દીઓની સેવા કરવાના બદલે એસીમાં આરામથી ફરજ બજાવે છે અને સિવિલ હોસ્પિટલનાં અન્ય જુનીયર ડોકટરોના સહારે દર્દીઓને રામભરોસે મુકી દીધા છે. છેલ્લા પાંચ વર્ષથી સિવિલ હોસ્પિટલનાં પીએમજેવાયમાં નોડલ ઓફિસની પોસ્ટ ઉપર ફરજ બજાવતાં આ તબીબોએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો પગાર લીધો છે અને જે જગ્યાએ તેઓ ફરજ બજાવે છે ત્યાં આરોગ્ય મિત્રને ફીકસ 30 હજારના પગાર ઉપર ફરજ બજાવવાની હોય છે જેના બદલે નોડલ ઓફિસરના રૂપકડા હોદા હેઠળ 3 લાખ રૂપિયાના દરે મહિને પગાર મેળવે છે.

રાજ્યની અન્ય હોસ્પિટલમાં પીએમજેવાયમાં કયાંય પણ નોડલ ઓફિસરની કોઈ પોસ્ટ જ નથી. સામાન્ય રીતે નિયમ મુજબ આરએમઓના માર્ગદર્શન હેઠળ પીએમજેવાયમાં આરોગ્ય મિત્રની નિમણૂંક કરવામાં આવે છે જેમાં બીએચએમએસ અથવા એમબીબીએસ કરેલ કોઈપણને માસિક 30 હજાર રૂપિયાના ફીકસ પગાર પર નિમણૂંક આપવામાં આવે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી પીએજેવાયમાં 3 મેડીકલ ઓફિસર આ નોડલ ઓફિસરના હોદા હેઠળ દર મહિને 3 લાખનો પગાર મેળવે છે અને છેલ્લા પાંચ વર્ષમાં એક પણ દર્દીની સારવાર કે તપાસ કરવાને લગતી કોઈપણ કામગીરી કરી નથી.સુત્રોના જણાવ્યા અનુસાર અન્ય સરકારી હોસ્પિટલમાં આ પીએમજેવાયની કામગીરી એએચએ અથવા વહીવટી સ્ટાફ કરે છે. જેમાં પોતાની મુળભૂત કામગીરી ઉપરાંત આમ કામગીરી નિભાવવાની હોય છે. જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલના આ ત્રણ મેડીકલ ઓફિસરોને કોના આર્શિવાદથી 30 હજાર રૂપિયાની પગારની પોસ્ટ પર નિમણૂંક આપીને 3 લાખ જેટલો તોતીંગ પગાર સરકાર પાસેથી મેળવવાની છુટ આપી છે.

માત્ર મલાઈ વાળી જગ્યા ઉપર જ ફરજ બજાવવાની ટેવ ધરાવતાં આ મેડીકલ ઓફિસર અગાઉ પણ વિવાદમાં આવી ચુકયા છે. પીએમજેવાય હોય કે પછી એકાઉન્ટ ઓફિસર તરીકે પણ તેમણે ફરજ બજાવી છે. આ મેડીકલ ઓફિસરોને એસી ચેમ્બરમાં બેસીને સવાર અને સાંજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર લેતાં દર્દીઓના જરૂરી ડોકયુમેન્ટ ચકાસવાના હોય છે તેમજ આયુષ્યમાન કાર્ડ અંગેની કામગીરીનું નિરીક્ષણ કરવાનું હોય છે જે કામગીરી કોઈપણ જુનીયર તબીબ અથવા એમબીબીએસ કરેલ વ્યક્તિ કે પછી બીએચએમએસ પાસ કરનાર ફ્રેસર પણ કરી શકે છે.

રાજકોટ સિવાયની રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલમાં મેડીકલ ઓફિસરને આવી કામગીરી સોંપવામાં આવી નથી. આ પીએમજેવાયની કામગીરીમાં નિયમ મુજબ મેડીકલ ઓફિસરની જરૂર રહેતી નથી. ત્યાં ફીકસ પગારે આરોગ્ય મિત્રની નિમણૂંક કરવાની હોય છે ત્યારે રાજકોટમાં પીએમજેવાયમાં મેડીકલ ઓફિસરની નોડલ ઓફિસરના નામે તોતીંગ પગાર મેળવવાના કારસ્તાનમાં કોણ કોણ સંડોવાયેલું છે ? તે તપાસ થાય તો બહાર આવી શકે છે.

PMJAYમાં ટેન્ડર વિના કંપનીને ખટાવવાનું કારસ્તાન?

પીએમજેવાયમાં નોડલ ઓફિસરનો હોદ્દો ઉભો કરીને તોતીંગ પગાર મેળવતાં એક મેડીકલ ઓફિસરે આ પીએમજેવાયમાં દર્દીઓની સારવારના નામે એક જ કંપની પાસેથી ટેન્ડર વિના મેડીકલના સર્જિકલ સાધનો લેવાનું પણ કામ કર્યું છે. પીએમજેવાયના કાર્ડની દવા તથા ઈન્સ્ટુમેન્ટ જેમાં સર્જિકલ સાધનો તથા અન્ય દર્દીને લગતી વસ્તુઓમાં મનફાવે તેમ ખરીદી કરી ટેન્ડર વગર એક જ કંપની પાસેથી આવા સાધનો ખરીદી આ કંપનીને ખટાવવાનું કૌભાંડ પણ કર્યું છે. જો આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો આ મોટુ કૌભાંડ પણ બહાર આવી શકે છે.

વહીવટી સરળતા ખાતર નિમણૂક કરાઈ છે : તબીબી અધિક્ષક

આ બાબતે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ત્રિવેદી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, પીએમજેવાયમાં આરોગ્ય મિત્રની છેલ્લા દોઢ વર્ષથી નિમણૂક કરાઈ છે. સાથેસાથે વહીવટી કામમાં સરળતા ખાતર એક નોડલ ઓફિસર અને અન્ય બે એડિશનલ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે જે કો-ઓર્ડિનેશનની કામગીરી કરે છે. આરોગ્ય મિત્ર ઉપરાંતના આ ત્રણ મેડિકલ ઓફિસરો પીએમજેવાયમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ટેન્ડર બાબતે તેમણે જણાવ્યું કે, પીએમજેવાયમાં જીએમસીએલ અને ત્યારબાદ રેટ કોન્ટ્રાકટરો પાસેથી જ આ સર્જિકલ સાધનો માટે ખરીદ કરવામાં આવે છે અને જો ત્યાં ન હોય તો સ્થાનિક પાસેથી ખરીદ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement