For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝેરી દવા પી માતાએ પુત્રીને બાથમાં લઈ ગૂંગળાવી મારી

02:07 PM Jun 29, 2024 IST | Bhumika
ઝેરી દવા પી માતાએ પુત્રીને બાથમાં લઈ ગૂંગળાવી મારી
Advertisement

રાજકોટમાં કારખાનેદારની પત્નીએ આપઘાતનો પ્રયાસ કરી એકની એક માસૂમ પુત્રીનો ભોગ લીધો, અરેરાટી ભર્યો કિસ્સો

રાજકોટમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં રહેતા કારખાનેદારની પત્નીએ જીંદગીથી કંટાળી બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી અને ઝેરી દવા પીધા બાદ પોતાની બે વર્ષની માસુમ પુત્રીને બાથમાં ભરીને સુઈ ગઈ હતી. મહિલા તો બચી ગઈ પરંતુ બે વર્ષની માસુમ પુત્રીનું ગુંગળાઈ જવાથી મોત થયું હતું. આ બનાવમાં પોલીસને જાણ કરવામાં આવતાં સારવારમાં દાખલ મહિલા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ફોરેન્સીક પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવથી પટેલ પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.

Advertisement

ઘટનાની મળતી વિગતો મુજબ, રાજકોટના કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામલ ઉપવનની પાછળ ફલોર પ્લાઈન બ્લોક નં. ઈ-302માં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનું ચલાવતાં કેવીનભાઈ જસાણીના પત્ની નમ્રતાબેને ગઈકાલે બપોરે બે વાગ્યાની આસપાસ પોતાના ઘરે લીકવીડ પી લીધા બાદ પોતાની બે વર્ષની માસુમ પુત્રી જીયાને બાથમાં દબાવી સુઈ ગઈ હતી. નમ્રતાબેન સાંજે જાગ્યા ત્યારે પુત્રી હલન ચલન કરતી ન હોય અને બેભાન અવસ્થા જેવી લાગતા હાફડા ફાફડા બનેલા નમ્રતાબેને પતિ કેવીનભાઈને ફોન કર્યો હતો અને કેવીનભાઈ તાત્કાલીક રાજકોટ દોડી આવ્યા હતાં. નમ્રતાબેને સમગ્ર હકીકત પતિને જણાવતાં બન્નેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બે વર્ષની માસુમ જીયાને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે નમ્રતાબેનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

આ બનાવ અંગે ખાનગી હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઈ એલ.બી.ડીંડોર સહિતનો સ્ટાફ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. નમ્રતાબેનનું નિવેદન લેતાં તેમણે જણાવ્યું કે, પોતે જીંદગીથી કંટાળી ગયા હોય જેથી લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લીકવીડ પીધા બાદ એકની એક પુત્રી જીયાને પણ બાથમાં ભરી સુઈ ગયા હોય સાંજે જાગ્યા બાદ જીયાને જગાડતાં તે કોઈ પ્રત્યુતર ન આપતાં પતિને જાણ કરી હતી. પોલીસે મૃતક બાળકીનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે જરૂર પડે નમ્રતાબેન સામે હત્યાનો ગુનો નોંધાઈ શકે છે.

મરવા માટે લિક્વિડ પી લેતા માતા બચી ગઈ પરંતુ પુત્રી ગુમાવી દીધી
રાજકોટમાં બનેલી આ દુ:ખદ ઘટનાથી પટેલ પરિવાર ઉપર વ્રજઘાત તુટી પડયો છે. કેવીનભાઈ અને નમ્રતાબેનની એકની એક બે વર્ષની પુત્રી જીયાના મોતથી પટેલ પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. કારખાનેદાર કેવીનભાઈ જસાણીની પત્ની નમ્રતાબેને કોઈ કારણસર જીંદગીથી કંટાળી આપઘાતનો વિચાર આવ્યો હતો અને પતિ કારખાને ગયા બાદ એકલી હોય તેણે લિકવીડ પી જીંદગીનો અંત આણવા માટે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોતાના મોત બાદ પુત્રીનું શું થશે ? તેવા ડરથી પુત્રીને લાડથી પોતાના બાથમાં ભરી સુઈ ગઈ હતી. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજુર હશે તેમ આપઘાતનો પ્રયાસ કરનાર નમ્રતાબેનનો જીવ બચી ગયો પરંતુ માસુમ પુત્રી જીયાનું મોત થયું આ બનાવ બાદ માતા નમ્રતાબેન પણ પુત્રીને ગુમાવવાનો શોક મનાવી રહ્યાં છે. જ્યારે પટેલ પરિવાર એકની એક પુત્રી ગુમાવતાં તેમના ઉપર વજ્રઘાત તુટી પડયો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement