For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રક્ષક જ ભક્ષક; PSIએ બેફામ મારતા ટ્રાવેલ એજન્ટનું મોત

06:06 PM Jan 24, 2024 IST | Bhumika
રક્ષક જ ભક્ષક  psiએ બેફામ મારતા ટ્રાવેલ એજન્ટનું મોત

જૂનાગઢ પોલીસના એક પછી એક વિવાદો બહાર આવી રહ્યાં છે. તાજેતરમાં જ જૂનાગઢના પોલીસ કર્મચારીએ મહિલા અધિકારીના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. જે પ્રકરણમાં હાઈકોર્ટે લાલ આંખ કરી છે ત્યારે ફરી વિવાદમાં સપડાયેલ જૂનાગઢ પોલીસે ચીટીંગના કેસમાં સંડોવાયેલા આરોપીનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવ્યા બાદ લાંચની રકમની માંગણી કરી હતી અને લાંચ નહીં આપતાં આરોપીને ધોકા વડે બેફામ માર માર્યો હતો અને બાદમાં ટ્રાવેલ એજન્ટને અર્ધબેભાન હાલતમાં કોર્ટમાં રજૂ કરતાં અદાલતે આરોપીની હાલત જોઈ તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા હુકમ કર્યો હતો અને ભક્ષક બનેલા ફોજદાર સામે ગુનો દાખલ કરવા આદેશ આપ્યો હતો. બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા આરોપીએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં ફોજદાર સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ ફોજદારને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ ચકચારી પ્રકરણ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જૂનાગઢ બી-ડીવીઝન પોલીસ મથકમાં ટુર અને પેકેજના નામે છેતરપીંડી કર્યાની સુરત તનિષ્ક ટુરના સંચાલક હર્ષિલ લખમણભાઈ જાદવ (ઉ.43) સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની તપાસ બી ડીવીઝનના પીએસઆઈ મુકેશ કે.મકવાણાને સોપવામાં આવી હતી અને 9 જાન્યુઆરીએ ફોજદાર મકવાણાએ અમદાવાદ બોડકદેવ પોલીસ સ્ટેશન પાસેથી ચીટીંગના ગુનામાં હર્ષિલ જાદવનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવ્યો હતો.

Advertisement

પોલીસ કસ્ટોડીમાં રહેલા આરોપી હર્ષિલ જાદવ પાસે ફોજદાર મકવાણાએ પાંચ લાખની લાંચની રકમ માંગી હતી પરંતુ ટ્રાવેલ એજન્ટે લાંચની રકમ નહીં આપતાં આરોપીને રિમાન્ડ પર મેળવી હર્ષિલ જાદવને ધોકા વડે પોલીસ કસ્ટોડીમાં જ બેફામ માર મારી હાથ અને પગ ફાડી નાંખ્યા હતાં. પોલીસ કસ્ટોડિમાં રહેલા આરોપીની રિમાન્ડ પુરી થતાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં આરોપીની હાલત જોઈ પોલીસે તેના પર અત્યાચાર ગુર્જાયો હોવાનું અદાલતના ધ્યાન પર આવતાં હર્ષિલ જાદવને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવા આદેશ આપ્યો હતો અને જવાબદાર ફોજદાર સામે હત્યાની કોશીષનો ગુનો નોંધવા હુકમ કર્યો હતો.
જૂનાગઢ પોલીસે ફોજદાર મુકેશ મકવાણા સામે હત્યાની કોશીષ સહિતની કલમો હેઠળ શિક્ષક બ્રીજેશ લખમણભાઈ જાદવની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ અમદાવાદમાં સારવારમાં રહેલા હર્ષિલ જાદવે સારવાર દરમિયાન દમ તોડી દેતાં જૂનાગઢ પોલીસે ફોજદાર મકવાણા સામે હત્યાની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement