For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેમેરાની આંખે...ફોટોગ્રાફીની પાંખે મેળવી સફળતા

12:38 PM Nov 29, 2023 IST | Sejal barot
કેમેરાની આંખે   ફોટોગ્રાફીની પાંખે મેળવી સફળતા

"કોઈપણ લગ્ન પ્રસંગ હોય ત્યારે નવવધૂની લાગણી તેના ચહેરાના એક્સપ્રેશનમાં ઝલકતી હોય છે.આ હાવભાવ લગ્ન પહેલા પણ નહીં જોવા મળે અને પછી પણ નહીં જોવા મળે તો આ મોમેન્ટ કેપ્ચર થવી જોઈએ. વરમાળા પહેરાવતી વખતે વરરાજાના દોસ્તો અને ક્ધયાની બેનપણી દ્વારા જે હસી મજાક થાય છે ઉપરાંત હલ્દીના સમયે ફૂલો ઉડાડવામાં આવે છે તેમજ પીઠી લગાવવામાં આવે છે એ બધી જ ક્ષણો વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્ત્વની હોય છે, તેથી તે દરેક કલાત્મક રીતે કેમેરામાં કંડારવી જરૂૂરી છે.” આ શબ્દો છે જામનગરના મહિલા વેડિંગ ફોટોગ્રાફી કરતા હીરલબા પરમારના.સામાન્ય રીતે ગળામાં કેમેરા લટકાવી પ્રસંગમાં આમથી તેમ દોડાદોડી કરી મહત્ત્વની ક્ષણોને કેમેરામાં કંડારવાની કામગીરી કોઈ યુવતી કરતી હોય તે સમાજ માટે આશ્ચર્યની બાબત છે પરંતુ આજના સમયમાં આ ફિલ્ડમાં પણ યુવતીઓ ખૂબ જ ગૌરવથી કામ કરી રહી છે.
હીરલબાનો જન્મ અને અભ્યાસ સુરત નજીક નાનકડા ગામમાં થયો.માતા નીતાબા ખરવાસિયા અને પિતા નરેન્દ્રસિંહ ખરવાસિયાએ ત્રણે સંતાનો પોતાની ઈચ્છા મુજબ કેરિયર બનાવી શકે તે માટે શિક્ષણ આપ્યું. મોટી દીકરી હીરલ બાએ બીસીએ કર્યું ત્યારબાદ ફોટોગ્રાફી અને વીડિયો એડિટિંગમાં રસ હોવાથી સુરતમાં ફોટોગ્રાફીનો નાનો કોર્સ કર્યો,આમ ફોટોગ્રાફીના શ્રીગણેશ કર્યા. શરૂૂઆતમાં બેબી શાવર, બર્થડે પાર્ટી,બોર્ન બેબી ફોટોગ્રાફી જેવા નાના નાના ઇવેન્ટ કર્યા. ધીમે ધીમે ફાવટ આવી જતા વેડિંગ ફોટોગ્રાફી શરૂૂ કરી.આ સમય દરમિયાન યુવરાજસિંહ પરમાર સાથે લગ્ન થતાં જામનગર આવ્યા.પોતાની ફોટોગ્રાફીની કેરિયરરૂપી જે છોડની માવજત માતા-પિતાએ કરી હતી તેને પતિ યુવરાજસિંહ પરમાર, સાસુ ભારતીબા પરમાર અને સસરા જસવંતસિંહ પરમારે પ્રોત્સાહન રૂપી જળથી સિંચન કરી વટવૃક્ષ બનાવ્યું.આ બાબતે હિરલબા જણાવે છે કે, ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આવા માતા-પિતા મળ્યા. પોતાના સંતાનને માતા-પિતા તો મદદ કરે જ પરંતુ પતિ તથા સાસુ,સસરાનો જે પ્રેમ અને સપોર્ટ મળ્યો છે તે મારા માટે મહત્ત્વનું છે તેમના સાથ અને સહકારનાં કારણે હું આજે સફળ છું.અચાનક કોલ આવે અને નીકળવું પડે અથવા રાત્રે આવતા મોડું થાય ત્યારે માતા-પિતાની જેમજ સાસુ સસરા કાળજી લે છે.આવું આજના સમયમાં બહુ ઓછું જોવા મળે.’
આજકાલ એન્ડ્રોઇડ અને આઈફોનના જમાનામાં ફોટોગ્રાફરની જરૂરિયાત વિશે હીરલબા જણાવે છે કે, ‘તમારી પાસે લાખ રૂૂપિયાનો આઇફોન કે કેમેરા હશે પરંતુ કેમેરા પાછળની વ્યક્તિને જો ટેક્નિક એંગલ કે લાઇટ્સનું નોલેજ નહિ હોય તો તમારી ફોટોગ્રાફી યોગ્ય થશે નહિ. ક્વોલિટીમાં માનતા લોકો પોતાના પ્રસંગમાં ફોટોગ્રાફરને જરૂૂર બોલાવે છે.એમાં પણ મહિલા ફોટોગ્રાફરને જોઈને લોકોની આંખોમાં આશ્ચર્ય સાથે આનંદ દેખાય ત્યારે ગમે.પ્રસંગમાં જાત જાતના લોકો મળે છે ત્યારે અનુભવી, આંખ વ્યક્તિને ઓળખી જાય છે. ઇવેન્ટમાં પાંચથી સાત લોકોની ટીમ છે દરેકનો સહયોગ પણ ખૂબ જ સુંદર રહ્યો છે.’ છેલ્લા સાત વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા હિરલબાના પરિવારમાં નાના મહેમાનનું આગમન થવાનું છે.ભવિષ્યમાં ન્યૂ બોર્ન બેબી માટે સ્ટુડિયો ખોલવાનું તેઓનું સ્વપ્ન છે. ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ...

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement