For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કટોકટી દેશના સુવર્ણ ઇતિહાસનું કાયમી કલંકિત પ્રકરણ છે અને રહેશે

12:30 PM Jun 27, 2024 IST | Bhumika
કટોકટી દેશના સુવર્ણ ઇતિહાસનું કાયમી કલંકિત પ્રકરણ છે અને રહેશે
Advertisement

લોકસભાના સ્પીકરપદે ભાજપના ઓમ બિરલાની ધારણા પ્રમાણે જ નિર્વિઘ્ને વરણી થઈ ગઈ. લોકસભાના સ્પીકર પદ માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સએ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ બનેલા ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે વિપક્ષી ભારતીય બ્લોકે કેરળના માવેલિકારાથી 8મી વાર જીતેલા સાંસદ કોડીકુન્નીલ સુરેશને મેદાનમાં ઉતાર્યા હતા. વિપક્ષો આક્રમક મૂડમાં હતા એ જોતાં સ્પીકરની ચૂંટણી માટે મતદાન થશે એવું લાગતું હતું પણ વિપક્ષે છેલ્લી ઘડીએ હથિયાર હેઠાં મૂકી દેતાં ઓમ બિરલા ધ્વનિ મતથી સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા અને સતત બીજી વાર સ્પીકર બની ગયા. વિપક્ષો અને સત્તાધારી પક્ષ વચ્ચે સ્પીકરની ચૂંટણીમાં કોઈ ઘર્ષણ ના થતાં બુધવારનો દિવસ સુખરૂૂપ જશે એવું લાગતું હતું પણ એવું ના થયું. સ્પીકરપદે ચૂંટાયા પછીના પોતાના પ્રથમ સંબોધનમાં જ ઓમ બિરલાએ કટોકટીની આકરી ટીકા કરતાં કોંગ્રેસ સહિતના વિપક્ષોએ હોબાળો મચાવી દીધો. મોદી સરકારે લોકસભામાં 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીની ટીકા કરતો ઠરાવ રજૂ કરેલો.

સ્પીકર ઓમ બિરલાએ પણ ઈમરજન્સીની ટીકા કરીને કટોકટીને દેશના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો. બિરલાએ ઈમરજન્સી દરમિયાન સરમુખત્યાર કોંગ્રેસ સરકારના હાથે જીવ ગુમાવનારા નાગરિકોની યાદમાં ગૃહમાં 2 મિનિટનું મૌન પણ રખાવ્યું અને કહ્યું કે લોકસભા 1975માં દેશમાં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે. અમે એ તમામ લોકોના નિશ્ર્ચયની પ્રશંસા કરીએ છીએ જેમણે કટોકટીનો સખત વિરોધ કર્યો, અભૂતપૂર્વ લડત આપી અને ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવી. ઓમ બિરલાએ કહ્યું કે, કટોકટી ભારતના ઈતિહાસમાં એક કાળું પ્રકરણ છે કે જ્યારે દેશમાં સરમુખત્યારશાહી લાદવામાં આવી હતી, લોકશાહીનાં મૂલ્યોનો નાશ કરવામાં આવ્યો હતો. લોકોની આઝાદીને કચડી નાખવામાં આવી હતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું દબાવવામાં આવ્યું હતું. તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવાયેલા બંધારણ પર મરણતોલ ઘા કર્યો હતો. બિરલાએ એમ પણ કહ્યું કે, કટોકટી દરમિયાન નાગરિકોના અધિકારોનો નાશ કરવામાં આવ્યો હતો. આ એ સમય હતો જેણે બંધારણની ભાવનાને કચડી નાખી હતી. કટોકટી વખતે બંધારણમાં સુધારો કરવાનો ઉદ્દેશ્ય એક વ્યક્તિની સત્તાઓને અમર્યાદિત કરવાનો હતો. બિરલાની ટીકાથી કોંગ્રેસ અને તેના સાથી વિરોધ પક્ષોના સભ્યોને મરચાં લાગી ગયાં અને તેમણે ગૃહમાં હંગામો કરી દીધો. બિરલાની ટીકા પણ વિપક્ષી સાંસદોએ કરી છે.

Advertisement

બિરલા સ્પીકર તરીકેની મર્યાદા ઓળંગીને ભાજપના નેતા તરીકે વર્તી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો. કોંગ્રેસ આ બધી વાતો કરે એ સમજી શકાય એમ છે કેમ કે કોંગ્રેસ માટે નહેરૂૂ-ગાંધી ખાનદાન માઈ-બાપ છે. આ ખાનદાન કશું ખોટું કરે તો પણ તેનો બચાવ કરવો એ જ પોતાનો ધર્મ હોવાનું કોંગ્રેસીઓ માને છે પણ તેના કારણે એ વાસ્તવિકતા બદલાતી નથી કે, કટોકટી આ દેશનાં સૌથી કલંકિત પ્રકરણોમાંથી એક છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement