એક નહીં પાંચ વર્ષના પ્લાનિંગ સાથે રજૂ થશે બજેટ
ખાનગી રોકાણો અને ગરીબી દૂર કરવા ઉપર મુખ્ય ફોકસ, 5 ટ્રિલિયન ઇકોનોમીનું લક્ષ્ય
કેન્દ્રીય બજેટની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર 23 જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સરકારની યોજના છે કે આવતા અઠવાડિયે રજૂ થનાર બજેટ માત્ર ચાલુ નાણાકીય વર્ષ માટે જ નહીં હોય.
જાણકારો અનુસાર આ બજેટને આગામી પાંચ વર્ષના પરિપ્રેક્ષ્યમાં લેવામાં આવશે. સરકાર આ બજેટ દરમિયાન પોતાની પોલિસીની બ્લુ પ્રિન્ટ રજૂ કરશે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ બજેટમાં આગામી 5 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવશે.
સરકારની યોજના છે કે બજેટની બ્લુ પ્રિન્ટમાં રોજગાર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. રોજગાર આપવા માટે વિશેષ પ્રોત્સાહન આપવા જેવી દરખાસ્તો પર ચર્ચા થઈ શકે છે.
સરકાર ખાનગી રોકાણ વધારવા પર ધ્યાન આપી શકે છે. આ અંતર્ગત ઈન્સેન્ટિવ સ્કીમનો વ્યાપ પણ વધારી શકાય છે.
બ્લુ પ્રિન્ટમાં ગ્રીન ઈકોનોમી પર ખાસ ભાર મૂકવામાં આવશે. દેશમાંથી ગરીબી દૂર કરવા અને પાયાની સુવિધાઓ આપવા માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરી શકાય તેમ છે.
જાન્યુઆરી 2023માં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા આગામી નાણાકીય વર્ષમાં એટલે કે 2024-25માં 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે.
ઉપરાંત, આ દાયકાના અંત સુધીમાં તે બમણું થઈને 10 ટ્રિલિયન ડોલર થઈ જશે. હાલમાં ભારતીય અર્થતંત્રનું કદ આશરે 3.7 ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ છે.
પુરીએ કહ્યું હતું કે, આપણે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ છીએ.
મને લાગે છે કે આગામી 1-2 વર્ષમાં આપણે માત્ર ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા જ નહીં બનીશું પરંતુ તેનાથી પણ આગળ વધીશું.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના જીડીપી વૃદ્ધિના અંદાજમાં વધારો કર્યો છે. આનું કારણ મંગળવારે આઇએમએફ એ ખાસ કરીને ગ્રામીણ ભારતમાં ખાનગી વપરાશમાં સુધારો દર્શાવ્યો હતો. આઇએમએફના તાજેતરના અંદાજમાં જીડીપી વૃદ્ધિ દર 6.5% થી વધારીને 6.8% કરવામાં આવ્યો છે.
જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે મંગળવારે 2024-25 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન 6.8% થી વધારીને 7% કર્યું છે. ખાસ કરીને ગ્રામીણ ભારતમાં ખાનગી વપરાશમાં સુધારાને કારણે અગાઉ એપ્રિલમાં આઇએમએમ એ જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5% થી વધારીને 6.8% કર્યો હતો.