For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 ક્રિકેટના ‘કિંગ’ માટે આજે ભારત-દ.આફ્રિકા વચ્ચે જંગ

11:42 AM Jun 29, 2024 IST | Bhumika
t 20 ક્રિકેટના ‘કિંગ’ માટે આજે ભારત દ આફ્રિકા વચ્ચે જંગ
Advertisement

બાર્બાડોસના મેદાન ઉપર વર્લ્ડ કપની ફાઈનલ મેચના પગલે ક્રિકેટ જગતમાં ભારે ઉત્તેજના, ભારતનું પલડું ભારે

સવારથી બાર્બાડોસમાં વરસાદ, આવતીકાલે રિઝર્વ ડે, છતાં મેચ ન રમાય તો બન્ને ટીમ સંયુક્ત વિજેતા જાહેર થશે

Advertisement

અમેરિકામાં પ્રથમ વખત રમાઈ રહેલ ટી-20 વર્લ્ડકપમાં આજે સાંજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ‘ફાઈટ ટુ ફિનિશ’ જેવો ફાઈનલ મેચ રમાનાર છે. ત્યારે ભારત સહિત વિશ્ર્વભરમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ એક માઠા સમાચાર એ પણ મળી રહ્યા છે કે ફાઈનલ મેચ જે સ્થળે રમાનાર છે તે બાર્બાડોઝમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. મેચના વરસાદનું વિઘ્ન આવે તો આવતીકાલે રવિવારે રમાશે અને રવિવારે પણ ન રમાઈ શકે તો બન્ને ટીમને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે.

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આજે રાત્રે 8 વાગ્યે ટી-20 વિશ્વ કપની ફાઇનલમાં દ. આફ્રિકા વિરુદ્ધ મેદાનમાં ઊતરશે, ત્યારે તેની સામે પાછલા એક દશકાથી ચાલ્યા આવતા વૈશ્વિક ખિતાબના દુકાળને ખતમ કરવાનો પડકાર હશે. વર્લ્ડકપની ફાઈનલ અને તેમાં પણ ફેવરિટ ટીમ ભારત હોવાથી દેશની નજર બાર્બાડોઝ પર છે. પોતાના ફાઇનલ સુધીના અભિયાનમાં બન્ને ટીમ અપરાજિત રહી છે, પણ મોટી ટૂર્નામેન્ટની ઘણી ફાઇનલ મેચ રમવાના અનુભવને લીધે ભારતનું પલડું ભારે છે.

દ. આફ્રિકા ટીમ 1998 બાદ પહેલીવાર કોઇ આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલ મુકાબલામાં પણ વરસાદની સંભાવાના છે. સારી વાત એ છે કે, ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.ગુયાનામાં સેમિફાઇનલમાં ભારતની ઇંગ્લેન્ડ સામેની જીત બાદ ચાહકો અને વિવેચકો ટીમ ઇન્ડિયાને ફાઇનલ માટે હોટ ફેવરિટ ગણી રહ્યા છે. જો કે, આ વખતનો ટી-20 વિશ્વ કપ ઊલટફેરથી ભારોભાર ભરેલો રહ્યો છે. આથી રોહિત શર્માની ટીમે દ. આફ્રિકાથી અને ખાસ કરીને તેની બોલિંગ લાઇનઅપથી સાવધ રહેવું પડશે.

ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યાથી મેચ શરૂૂ થશે. ટી-20 વિશ્વ કપમાં ભારતનું અભિયાન ગયાં વર્ષે રમાયેલા વન ડે વિશ્વ કપ સમાન રહ્યું છે, જ્યાં ટીમ અજેય રહી ફાઇનલમાં પહોંચી હતી અને ઓસ્ટ્રેલિયા સામે આંચકારૂૂપ હાર થઇ હતી. ટીમ ઇન્ડિયા હવે એ હાર ભૂલી ચૂકી છે અને દેશને બીજીવાર ટી-20 વિશ્વ કપ ટ્રોફીની જીત આપવા આતુર છે.

દ.આફ્રિકાની ટીમ ચોકર્સની છાપને દૂર કરીને પહેલીવાર વિશ્વ કપ ટ્રોફી જીતવા આતુર છે, તેના નામે ફક્ત એક આઇસીસી ટ્રોફી 1998ની ચેમ્પિયન્સ ટ્રોફી છે, ત્યારે એ સ્પર્ધાનું નામ આઇસીસી નોકઆઉટ ટ્રોફી હતું. ભારતીય ટીમનું સંયોજન કેરેબિયન દેશની પિચ મુજબનું છે. આ ટીમે ગયાં વર્ષે અમદાવાદમાં એક લાખ દર્શકોની ઉપસ્થિતિમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફાઇનલમાં મળેલી હારની નિરાશાને પાછળ છોડી ચૂકી છે અને ટી-20 વિશ્વ કપ જીતવાના જુસ્સામાં છે. આફ્રિકા સામેની ફાઇનલમાં ભારત પાછલી કેટલીક મેચથી ચાલી આવતી અજેય ઇલેવન સાથે ઊતરવાનું પસંદ કરશે.

ટીમની એકમાત્ર ચિંતા સ્ટાર બેટર વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ છે અને તેને ઓપનિંગમાં ઊતારવાનો દાવ નિષ્ફળ જઈ રહ્યો છે. આઇપીએલમાં ઓપનર તરીકે શાનદાર દેખાવ કરનારો કોહલી વિશ્વ કપમાં આ ભૂમિકામાં નિષ્ફળ રહ્યો છે. આમ છતાં ફાઇનલમાં તેના પર દાવ ખેલાવામાં આવશે અને કપ્તાન રોહિત શર્મા સાથે ભારતની ઇનિંગ્સનો આરંભ કરશે એમ સમજાય છે. કપ્તાન શર્મા આગેવાની લઈને આક્રમક અંદાજમાં રન કરી રહ્યો છે, તેની રણનીતિ હરીફ બોલર પર દબાણ વધારી હલ્લાબોલ કરવાની છે, જેમાં તેને સૂર્યકુમાર અને હાર્દિકનો બખૂબી સાથ મળી રહ્યો છે. આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ અને તબરેજ શમ્સીનો તોડ ભારતીય કપ્તાન રોહિત શર્મા, સૂર્યકુમાર અને રિષભ પંત પાસે છે. આ ત્રણેય સફેદ દડામાં સ્પિનર સામે સારી રીતે હિટિંગ કરી જાણે છે.
ફાઇનલમાં પણ ભારત માટે ફરી એકવાર હુકમના એક્કા ત્રણ સ્પિનર કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા બની શકે છે, જ્યારે જસપ્રીત બુમરાહ અને અર્શદીપ જબરદસ્ત ફોર્મમાં છે. બુમરાહ સામે આફ્રિકી બેટધરોની અગ્નિપરીક્ષા નક્કી છે.

આજે મેચમાં વરસાદ પડવાની 78% સંભાવના, પીચ મોટું ફેક્ટર રહેશે

આ પીચ પર એક જ વખત 200 ઉપરનો સ્કોર થયો, બધી ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે


આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ આજે રાત્રે 8 વાગ્યાથી (ભારતીય સમયાનુસાર) બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાની છે. ત્યારે એક્યૂવેધરના રિપોર્ટ પ્રમાણે, બાર્બાડોસમાં 29 જૂનના રોજ વરસાદની સંભાવના 78 ટકા છે. સ્થાનિક સમયાનુસાર મેચ સવારે સાડા દસ વાગ્યાથી શરૂૂ થવાની છે. બાર્બાડોસમાં સવારે 3 થી 10 વાગ્યા સુધી 50 ટકા વરસાદની સંભાવના છે, જ્યારે 11 વાગ્યે તોફાન સાથે વરસાદની સંભાવના 60 ટકા છે. 12 થી 3 વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના 40 ટકાથી ઓછી છે. આ રિપોર્ટ પ્રમાણે, મેચ દરમિયાન વરસાદની ખૂબ જ સંભાવના છે. અને આજની પીચ સ્પીનર્સ કરતા ફાસ્ટ બોલરોને મદદરૂપ થાય તેવું મનાઈ રહ્યું છે. આ પીચ પર આ વર્લ્ડકપમાં એક વખત 200 ઉપર સ્કોર થયો છે. બાકી બધા સ્કોર 109થી 181 વચ્ચે રહ્યા છે. ભારતે અગાઉ અફઘાનિસ્તાન સાથે આ પીચ પર મેચ રમ્યો હતો જેમાં ભારતે 181 રન કર્યા હતા અહીં ટોસ જીતીને ફીલ્ડીંગ-બોલીંગ પસંદ કરવાનું વધારે જોવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement