For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં દસ ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ

12:16 PM Jun 17, 2024 IST | Bhumika
ખંભાળિયામાં દસ ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ
Advertisement

મોસમનો 32.5% વરસાદ પડી ગયો: ભાણવડમાં અઢી, દ્વારકામાં સવા ઇંચ; ધરતીપુત્રો ખુશખુશાલ

ખંભાળિયા તેમજ ભાણવડ પંથકમાં રવિવારે ચોમાસાના પ્રારંભે જ મેઘ મહેર વરસી હતી અને ખંભાળિયામાં રવિવારે છ કલાકમાં મુશળધાર નવ ઈંચ સાથે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ પોણા 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે ભાણવડ તાલુકામાં પણ અઢી ઈંચ જેટલો તેમજ દ્વારકામાં ગત મધરાત્રે સવા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ વરસાદી ઝાંપટા ચાલુ રહ્યા હતા.

Advertisement

હવામાન વિભાગ દ્વારા અગાઉ જારી કરવામાં આવેલી આગાહીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી ન હતી. તેમ છતાં પણ શનિવારે રાત્રે મેઘાના મંડાણ થયા હતા. શનિવારે રાત્રે આશરે ત્રણેક વાગ્યે શહેરમાં જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. આ વરસાદ ખંભાળિયા તાલુકામાં 8 મીલીમીટર અને ભાણવડ તાલુકામાં વહેલી સવારનો 4 મીલીમીટર નોંધાયો હતો. આ પછી પણ રવિવારે સવારે છ થી નવેક વાગ્યા દરમ્યાન ભાણવડ તાલુકામાં ધોધમાર 55 મીલીમીટર સાથે આજે સવાર સુધીમાં ભાણવડ તાલુકામાં 60 મીલીમીટર (અઢી ઈંચ) વરસાદ પડી ગયો હતો.

મેઘરાજાએ ખંભાળિયા તાલુકામાં જાણે મુકામ કર્યો હોય તેમ રવિવારે બપોરે એકાદ વાગ્યાથી શરૂૂ થયેલો ધોધમાર વરસાદ બપોરે પાંચેક વાગ્યા સુધી અવિરત રીતે વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બપોરે 2 થી 4 દરમિયાન મુશળધાર 5 ઈંચ વરસાદ એક સાથે વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ પછી પણ વધુ 2 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આમ, શનિવારે રાત્રીથી ઓળઘોળ થયેલા મેઘરાજાએ રવિ

વારે પાંચેક વાગ્યા સુધીમાં ધોધમાર કુલ પોણા 10 ઈંચ (241 મીલીમીટર) પાણી વરસાવી દીધું હતું.
ધોધમાર વરસાદના પગલે અહીંના નગર ગેઈટ, સલાયા ગેઈટ, ગોવિંદ તળાવ, વિગેરે નીચાણવાળા વાળા વિસ્તારોમાં ગોઠણ સમા પાણી વહ્યા હતા. ભારે વરસાદના પગલે નાના જળસ્ત્રોતોમાં જાણે ઘોડાપૂર જેવા પાણી આવ્યા હતા.

ખંભાળિયા - દ્વારકા માર્ગ પરના બારા, વડત્રા વિગેરે ગામોમાં ચાર ઈંચ સુધી વરસાદ વરસતા અનેક નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિરમદળ, ઝાકસીયા, સામોર સહિતના ગામોમાં પણ પાંચથી છ ઈંચ સુધી વરસાદ વરસતા નદીઓ વહેતી થઈ ગઈ હતી. આ સાથે ખંભાળિયા - ભાણવડ માર્ગ પરના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યાના વાવડ છે. ખંભાળિયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આજે સવારે ચઢતા પહોરે 32 મીલીમીટર (સવા ઈંચ) વરસાદ પડી ગયો હતો. જ્યારે કલ્યાણપુર પંથકમાં ગત મધ્ય રાત્રિના છૂટા છવાયા ઝાપટાથી પાંચ મીલીમીટર પાણી વરસ્યાનું પણ નોંધાયું છે. ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ નથી. રવિવારના વરસાદથી ખંભાળિયા પંથકમાં મોસમનો કુલ 32.5 ટકા તેમજ ભાણવડ તાલુકામાં 11.5 ટકા વરસાદ નોંધાયો છે.

આજરોજ સોમવારે વાતાવરણ ચોખ્ખું બની રહ્યું હતું અને સવારથી જ તડકો નીકળતા લોકોએ રાતનો દમ ખેંચ્યો છે.રવિવારે માત્ર છ કલાક જેટલા સમયગાળામાં નવ ઈંચ સુધી વરસાદથી લોકોના તન અને મન તરબતર બન્યા હતા. જો કે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પરંતુ શહેરના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હતા. રવિવારે મુશળધાર અને પ્રથમ વરસાદમાં નાહવાની મોજ માણવા અબાલ-વૃદ્ધ સૌ મોટી સંખ્યામાં રસ્તા પર જોવા મળ્યા હતા. ખંભાળિયા પંથકમાં નોંધપાત્ર તેમજ ભાણવડ તાલુકામાં પણ વાવણી જોગ વરસી ગયેલા આ વરસાદથી ધરતીપુત્રોમાં પણ અનેરી ખુશી જોવા મળી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement