For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાલાલાની 215 ટન ‘કેસર’ બાવળા થઇ અમેરિકા પહોંચી

11:46 AM Jun 14, 2024 IST | admin
તાલાલાની 215 ટન ‘કેસર’ બાવળા થઇ અમેરિકા પહોંચી
Advertisement

બાવળાના પ્લાન્ટમાં ઇ-રેડિએશન કર્યા બાદ નિકાસ, યુ.એસમાં 30થી 38 ડોલરના ભાવે વેચાણ

તાલાળાની કેરીની અન્ય દેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. તાલાળાની કેરીની સૌથી વધુ માંગ અમેરીકામાં છે. આ વર્ષે પણ તાલાળાની કેરીને અમદાવાદના બાવળામાં આવેલ પ્લાન્ટ ખાતેથી ઇ-રેડિએશનની પ્રક્રિયા કર્યા બાદ 215 ટન કેરી એકસપોર્ટ કરવામાં આવી છે.

Advertisement

તાલાળાની ગુણવત્તાયુક્ત કેસર કેરી પકવતા અને અમેરિકા ખાતે નિકાસ કરવા ઈચ્છતા હજારો ખેડૂતો તેમના ઉત્પાદનને નિયત કરેલા માપદંડો પ્રમાણે પેકિંગ કરીને ઈ-રેડિએશન કરવા માટે અમદાવાદ મોકલે છે. અમદાવાદના બાવળા ખાતે આવેલા ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતે આ કેરીઓનું ઈ-રેડિએશન કરવામાં આવે છે. ઈ-રેડિએશન કરવા માટે નિકાસકારો પાસેથી પ્રતિબોક્સ નિર્ધારીત કરેલી રકમ વસુલવામાં આવે છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. અને એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ગત વર્ષે (2023માં) પણ 205 ટનથી વધુ કેરીનું ઈ-રેડિએશન કરી નિકાસ કરાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે (2024માં) અત્યારસુધીમાં 215 ટનથી વધુ કેરીની નિકાસ અમેરિકા ખાતે કરવામાં આવી છે.

અમેરિકા નિકાસ કરવા માટે આવતી કેરીનું ઈ-રેડિએશન ફરજિયાત છે. આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાથી આવનાર ક્વોરન્ટીન નિરીક્ષકની દેખરેખ હેઠળ થાય છે. તેઓ નિકાસ થનાર જથ્થામાંથી કેટલાક સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે. જેમાં મુખ્યત્વે સૂક્ષ્મ જીવાણુઓની હાજરી તપાસવામાં આવે છે. આ નિરીક્ષક તરફથી મળતી રવાનગીને આધારે કેરીના બોક્સ પર ઈ-રેડિએશન થયાનું સર્ટિફીકેટ લગાવવામાં આવે છે. જે કેરી નિકાસ કરવાપાત્ર ગુણવત્તા ધરાવતી હોવાનો મુખ્ય દસ્તાવેજ છે. જો કોઈ બોક્સ પર આવું સર્ટિફીકેટ ન હોય તો તેની નિકાસ થઈ શકતી નથી.તાલાળાના ખેડૂતોને કેસર કેરીની નિકાસ થકી અમેરિકામાં ખૂબ સારા ભાવ મળતા હોય છે. ભારત કરતા અલગ રીતે અને વધુ ચોક્કસાઈથી આ કેરીનું પેકેજિંગ કરવામાં આવે છે. એક બોક્સમાં 3 કિલો જેટલી કેરી મુકવામાં આવે છે. બોક્સની અંદરના ભાગમાં ચારે તરફ જાળીનું આવરણ કરવામાં આવે છે. ઈ-રેડિએશન કરાયેલા એક બોક્સનું વેચાણ અમેરિકા ખાતે 30થી 38 ડોલરમાં કરવામાં આવે છે. આ ભાવનો સીધો ફાયદો નિકાસકાર ખેડૂતને થાય છે.

આમ, અમદાવાદના બાવળાનો આ પ્લાન્ટ નિકાસને પ્રોત્સાહન આપવાના એક અસરકારક પ્રયાસની સાબિતી બન્યો છે. વિદેશના ધારાધોરણો અનુસાર નિકાસ કરવા માટે યોગ્ય ઉત્પાદનોને ઈ-રેડિએટ કરવા માટેના પ્લાન્ટના નિર્માણથી નિકાસકારોને પણ ખૂબ સરળતા અને સુવિધા રહે છે.

બાવળાના ઈ-રેડિએશન પ્લાન્ટને 2022માં લીલીઝંડી મળી
અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસે નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન (ગઙઙઘ)ની ટીમ સાથે ગુજરાત એગ્રો પ્રોસેસિંગ પ્રોસેસિંગ ફેસિલિટીનું ઓડિટ કર્યું હતું. તા. 2 જુલાઈ, 2022ના રોજ બાવળા સ્થિત પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી. કેરી અને દાડમની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો આ ગુજરાતનો પહેલો પ્લાન્ટ છે.રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ મલ્ટિ પર્પઝ રેડિએશન પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ કેન્દ્ર સરકારની 17.50 કરોડની ગ્રાન્ટમાંથી કરાયું હતું. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અને બોર્ડ ઓફ રેડિએશન અને આઇસોટોપ ટેક્નોલોજીના ટેક્નિકલ માર્ગદર્શન અને સહાયથી આ સુવિધા વિકસિત કરવામા આવી છે. ભારતમાં આ એકમાત્ર સુવિધા છે જે ડુંગળી, બટેટા, અનાજ, કઠોળ, ઈસબગોલ, મસાલા, સૂકી ડુંગળી/સૂકા શાકભાજી અને તબીબી ઉત્પાદનોને ઓછા, મધ્યમ અને ઉચ્ચ માત્રાના ડોઝમાં જરૂૂરિયાત અનુસાર ઈરેડિએટ કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement