મોટી બહેને ભણવામાં ધ્યાન આપવા મુદ્દે ઠપકો આપતા ધો. 9ના છાત્રનો આપઘાતનો પ્રયાસ
ચોટીલા તાલુકાના વડાળી ગામે રહેતા ધો.9 ના છાત્રને મોટી બહેને ભણવા બાબતે ઠપકો આપતા સગીરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો સગીરને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના વડાળી ગામે રહેતા અને કમળાપુર ગામે ધો.9માં અભ્યાસ કરતા જયદીપ સેવાદાસભાઈ ગોંડલીયા નામનો 14 વર્ષનો સગીર બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી સગીરને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસને જાણ કરતા નાની મોલડી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જયદીપ ગોંડલીયા બે બહેનોનો એકનો એક નાનો ભાઈ છે અને ધો.9માં અભ્યાસ કરે છે જયદીપ ગોંડલીયાને તેની મોટી બહેને ભણવા મુદ્દે ઠપકો આપતા જયદીપ ગોંડલીયાને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે નાની મોલડી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.