For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રાફિક દંડની રકમ વસૂલવા 65 હજાર વાહનચાલકોને સમન્સ

04:27 PM Jun 10, 2024 IST | Bhumika
ટ્રાફિક દંડની રકમ વસૂલવા 65 હજાર વાહનચાલકોને સમન્સ
Advertisement

નિયમનો ભંગ કરી દંડ નહીં ભરનાર વાહનચાલકો સામે કોર્ટ કાર્યવાહી પૂર્વે બાકી રકમ ભરપાઈ કરવા ખાસ ઝુંબેશ

સરકાર દ્વારા ટ્રાફીકના નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે જે અંર્તગત રાજકોટ ટ્રાફીક પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પેન્ડીંગ 65 હજાર જેટલા ઈ ચલણના દંડ નહીં ભરનાર વાહન ચાલકોને સમન્સ આપવાનું શરૂ કર્યું છે અને આ સમન્સ બાદ પણ જો દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવા આદેશો મળતાં આજે સવારથી જ ટ્રાફીક બ્રાંચે દંડની રકમ ભરવા માટે વાહન ચાલકોએ લાંબી કતારો લગાવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીકના નિયમના ભંગ બદલ ઈ ચલણ આપવામાં આવે છે અને 180 દિવસની મુદતમાં આ દંડની રકમ ભરપાઈ કરવાની હોય છે જો દંડની રકમ ભરપાઈ કરવામાં વાહન ચાલક નિષ્ફળ જાય તો તેની સામે કોર્ટ કાર્યવાહી થાય છે પરંતુ તે પૂર્વે વાહન ચાલકોને સમન્સ મોકલવામાં આવે છે. જેથી અંતિમ તક આપી બાકી રહેતી દંડની રકમ ભરપાઈ કરી શકે.

Advertisement

રાજકોટ શહેરમાં વર્ષ 2021 થી 2024 સુધી ટ્રાફીક નિયમના ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-ચલણથી દંડ ભરપાઈ કરવા અનેક વખત તાકીદ કરી હોવા છતાં વાહન ચાલકો દંડની રકમ ભરપાઈ કરવા માટે બેદરકારી દાખવી રહ્યાં છે જેના કારણે હવે ટ્રાફીક પોલીસ દ્વારા દંડની રકમ નહીં ભરનારને સમન્સ પાઠવવામાં આવ્યા છે અને એસએમએસ તેમજ રૂબરૂ ટપાલ દ્વારા આ સમન્સ મોકલવામાં આવ્યા હોય જેના કારણે આજે સવારથી જ બાકી રહેતી દંડની રકમ ભરપાઈ કરી કોર્ટ કાર્યવાહીથી બચવા વાહન ચાલકોએ લાંબી કતારો લગાવી હતી. છેલ્લા એક સપ્તાહમાં જ ટ્રાફીક પોલીસ દ્વારા 11000થી વધુ સમન્સ કાઢવામાં આવ્યા હોવાનું ટ્રાફીક શાખાના સુત્રો જણાવી રહ્યાં છે.

આ સમન્સ અંગેની વાત કરીએ તો રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી જે વાહન ચાલકો રાજકોટ આવ્યા હોય અને રાજકોટ શહેરમાં ટ્રાફીક નિયમનો ભંગ કરતાં પોલીસના સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ આવા સમન્સ અંગે ટ્રાફીક પોલીસ દ્વારા છટણી કરવામાં આવે છે અને બહારગામના સમન્સ હોય તેવા વાહન ચાલકોને ટપાલ દ્વારા આ સમન્સ મોકલવામાં આવે છે અને રાજકોટ શહેરના વાહન ચાલકોને પણ સમન્સ મોકલાય છે. આગામી 22 જૂનના રોજ ટ્રાફીક નિયમના ભંગ કરનાર વાહન ચાલકો માટે લોક અદાલતમાં કેસ મુકવામાં આવનાર હોય તે પૂર્વે વાહન ચાલકોને બાકી રહેતી દંડની રકમ ભરપાઈ કરવા સમન્સ મોકલી તાકીદ કરવામાં આવી હોય આજે સવારથી ટ્રાફીક શાખા ખાતે દંડની રકમ ભરવા માટે રાજકોટના નાગરિકોએ લાંબી કતારો લગાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement