For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેરકાયદે ધર્મસ્થળો હટાવવા નોટિસો આપવાનું શરૂ

05:21 PM Jul 02, 2024 IST | admin
ગેરકાયદે ધર્મસ્થળો હટાવવા નોટિસો આપવાનું શરૂ

શહેરમાં 2108 ગેરકાયદે મંદિર-મસ્જિદ, સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પ્રથમ તબક્કામાં પાંચને નોટિસો અપાઈ

Advertisement

રાજકોટ શહેર અને જિલ્લા સહિત ગુજરાતભરમાં સરકારી જમીનો ઉપર ધર્મસ્થળોના થયેલા ગેરકાયદેસર બાંધકામો અંગે સર્વે કરી સરકારમાં રિપોર્ટ કરવા અને આવા ગેરકાયદે બાંધકામો દૂર કરવા અપાયેલી સુચનાના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રાયોગિક ધોરણે પાંચ ધર્મસ્થળો હટાવવાની નોટિસો આપવામાં આવી છે અને આગામી દિવસોમાં ક્રમે ક્રમે વધુ ગેરકાયદેસર ધર્મસ્થળો દૂર કરવા નોટિસો આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ખોડીયારપરા, ભગવતીપરા બ્રીજ નીચે આવેલા ગેરકાયદેસર ધર્મસ્થળો દૂર કરવા ગઈકાલે નોટિસો આપવામાં આવી છે અને અનઅધિકૃત બાંધકામ ચાર દિવસમાં દૂર કરવા મહેતલ આપવામાં આવી છે જો ચાર દિવસમાં ધર્મસ્થળોના આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં નહીં આવે તો જીપીએમસી એકટ અનવયે મહાનગરપાલિકા દ્વારા અનઅધિકૃત બાંધકામો દૂર કરવામાં આવશે તેવું આસીસ્ટન્ટ ટાઉન પ્લાનરની નોટિસમાં જણાવવામાં આવ્યું છે. હાલના તબક્કે આવી પાંચ નોટિસો આપવામાં આવી હોવાનું જણાવાય છે.

Advertisement

કોર્પોરેશનના સુત્રોના કહેવા મુજબ બે વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક રાજ્ય સરકારોને ગેરકાયદેસર ધર્મસ્થળો દૂર કરવામાં આવેલા હુકમના પગલે સરકારની સુચનાથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનના સુત્રોના કહેવા મુજબ રાજકોટ શહેરમાં ગેરકાયદેસર ધર્મસ્થળોનો સર્વે કરવામાં આવ્યો હતો જે દરમિયાન ઈસ્ટ ઝોનમાં 1020, વેસ્ટ ઝોનમાં 456 અને સેન્ટ્રલ ઝોનમાં 632 મળી કુલ 2108 જેટલા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો હોવાનું બહાર આવ્યું છે. આગામી દિવસોમાં આ તમામ ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો દૂર કરવા ક્રમશ: કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. હાલ પ્રાથમિક તબક્કે ઈસ્ટ ઝોનના પાંચ ધર્મસ્થળોને હટાવવાની નોટિસ આપવામાં આવી છે.

કોર્પોરેશનના સુત્રોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે કેટલાક લોકો જમીનો હડપ કરવા માટે ગેરકાયદેસર ધર્મસ્થળો બનાવવાનો આશરો લઈ રહ્યાં છે અને તેના કારણે ધાર્મિક ઔચત્ય જળવાતું નથી અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી હોય સરકારી જમીનોમાં તેમજ જાહેર રસ્તાઓ ઉપર ટ્રાફીકને નડતરરૂપ બનાવવામાં આવેલા તમામ ગેરકાયદેસર ધર્મ સ્થળો દૂર કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે આ જાહેર હિતની અરજી સ્વિકારી તમામ રાજ્ય સરકારોને ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો અંગે સર્વે કરી સુપ્રીમમાં રિપોર્ટ કરવા અને આવા ગેરકાયદે ધર્મસ્થળો દૂર કરવા હુકમ કર્યો હતો.

આ હુકમના પગલે રાજ્ય સરકારે દરેક શહેર-જિલ્લામાં ગેરકાયદેસર ધર્મસ્થળો અને ધાર્મિક બાંધકામો અંગે સર્વે કરવા જિલ્લા કલેકટરો તેમજ મહાનગરપાલિકાઓના કમિશ્નરોને લેખિત સુચના આપી હતી. આ સુચનાના પગલે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો અંગે સર્વે કરવામાં આવતાં અનેક સ્થળે શેરીઓ-ગલ્લીઓમાં ગેરકાયદેસર ધર્મસ્થળો ખડકી દેવામાં આવ્યા હોવાનું અને તેમાં ધાર્મિક લાગણી દુભાઈ તે રીતે વ્યવસ્થાઓ હોવાનું જણાઈ આવેલ છે.

કાયદેસર કરવા, શિફ્ટિંગ કરવું અથવા ડિમોલિશન
સરકારી સુત્રોના કહેવા મુજબ સરકારી જમીનોમાં અને જાહેર રસ્તાઓ ઉપર થયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો અંગે હાલ ત્રણ વિકલ્પો અપનાવવા સુચના આપવામાં આવી છે. હાલ દરેક ધાર્મિક સ્થળમાં સૌપ્રથમ વિકલ્પ કાયદેસર કરવાનો આપવામાં આવ્યો છે અને જો ધર્મસ્થળ કાયદેસર થઈ શકે તેમ ન હોય તો તેનું બિન વિવાદાસ્પદ જગ્યામાં સ્થળાંતર કરવાનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે અને આ બન્ને વિકલ્પ શકય ન બને તો ડિમોલીશનનો છેલ્લો વિકલ્પ અપનાવવા જણાવાયું છે. હાલ દરેક ધર્મસ્થળોના રિપોર્ટ કલેકટર મારફત રાજ્ય સરકારે મંગાવેલ છે અને રિપોર્ટના આધારે ધર્મસ્થળો કાયદેસર થઈ શકે કે ? સ્થળાંતર થઈ શકે ? કે પછી તેનું ડિમોલીશન કરવું ? તે અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement