મહિલા વર્લ્ડ કપ: દેશની દીકરીઓની ઐતિહાસિક સિધ્ધિ
ભારતની દીકરીઓએ વીમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવી ભારત ટોસ હારેલું પણ મેચ જીતી ગયું. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી પછી ભારતે 7 વિકેટ ગુમાવીને 298 રન કરેલાં પણ 299ના ટાર્ગેટ સામે આફ્રિકાની છોકરીઓ વામણી સાબિત થઈ.
ભારતની દીકરીઓએ 15 ઓવર થતાં સુધીમાં જ બે વિકેટો પાડીને આફ્રિકાને દબાણમાં લાવી દીધેલું ને આફ્રિકાની ટીમ આ દબાણમાંથી બહાર આવી જ ના શકી. નિયમિત અંતરે વિકેટો પડતી ગઈ ને છેવટે 46મી ઓવરમાં 246 રને આફ્રિકાના વાવટા સંકેલાઈ જતાં ભારત ચેમ્પિયન બની ગયું. પુરુષો માટેનો વન ડે વર્લ્ડ કપ પહેલી વાર 1975માં રમાયેલો ને તેના બે વર્ષ પહેલાં 1973માં વીમેન્સ વર્લ્ડ કપની શરૂૂઆત થયેલી પણ ભારતે તેમાં ભાગ લીધો ન હતો. 1978માં ડાયના એડલજીની કેપ્ટન્સીમાં ભારતની ટીમ પહેલી વાર વર્ડ કપ રમી પણ અત્યાર સુધી કદી ચેમ્પિયન નહોતી બની. 2005માં ભારતની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચેલી પણ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી.
2017માં ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં હરાવીને ભારતની ટીમ ફાઈનલમાં પહોંચેલી પણ ફાઈનલમાં ઈગ્લેન્ડ સામે હારી ગઈ હતી તેથી બધાં ઉચાટમાં હતાં પણ આ વખતે આપણી દીકરીઓએ કોઈ ચૂક ના કરી અને ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી લીધી. ભારતીય ટીમ માટે આ સિદ્ધિ મોટી છે કેમ કે ઈન્ડિયા વુમન્સ સિનિયર ટીમ પહેલી વાર આઈસીસી ટ્રોફી જીતી છે. આપણી મહિલા ટીમ પહેલાં ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી પણ હારી ગયેલી. ઈન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમ માટે 2025ની આ વર્લ્ડ કપ જીત મોટી સિદ્ધિ તો છે જ પણ ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થઈ શકે છે. 1983માં કપિલદેવના નેતૃત્વમાં ભારતે પહેલી વાર વર્લ્ડ કપ જીત્યો પછી ભારતમાં ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ ઊભો થયો. પહેલાં ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવા કોઈ તૈયાર નહોતું થતું. તેના બદલે ક્રિકેટ પાછળ નાણાં ખર્ચવા પડાપડી થવા માંડી અને આજે ભારત ક્રિકેટમાં મહાસત્તા છે. ક્રિકેટના કારણે ભારતમાં જબરદસ્ત ઈકોનોમી ઊભી થઈ છે. વીમેન્સ વર્લ્ડકપની જીત મહિલા ક્રિકેટમાં પણ આ રીતે જ નાણાંની રેલમછેલલ કરાવે અને ભારતને વીમેન્સ ક્રિકેટમાં પણ સુપર પાવર બનાવે એવી આશા રાખી શકાય