મહિલા T-20 ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાને કારમો પરાજય
5 વિકેટ હોવા છતાંય 6 બોલમાં 14 રન ન બનાવી શકયા, હરમનપ્રીતે 54 રન બનાવ્યા
ભારતને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભૂંડી હાર મળી છે. ટીમ ઈંડિયા 6 બોલ પર 14 રન બનાવી શકી નહીં, જ્યારે તેની 5 વિકેટ પણ પડી હતી. કપ્તાન હરમનપ્રીત કૌર પણ અડધી સદી ફટકારીને એક છેડે ઊભી હતી. જ્યારે બીજા છેડે ભારતે છેલ્લી ઓેવરમાં 4 વિકેટ ખોઈ દીધી. ઓસ્ટ્રેલિયાએ મહિલા ટી20 વિશ્વ કપની છેલ્લી લીગની આ મેચમાં 9 રને જીતીને શાનથી સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે.
152 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 9 વિકેટે 142 રન જ બનાવી શકી હતી. તેને પહેલો ફટકો 26ના સ્કોર પર લાગ્યો હતો. ઓપનર શેફાલી વર્માને એશ્ર્લે ગાર્ડનરે 20ના સ્કોર પર પેવેલિયન મોકલી હતી. આ પછી સ્મૃતિ મંધાના પણ 39ના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. મંધાનાએ 6 રન બનાવ્યા હતા. ભારતે 47ના સ્કોર પર જેમિમાહ રોડ્રિગ્સની વિકેટ ગુમાવી હતી. જેમિમા 16 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. દીપ્તિ શર્માએ હરમનપ્રીત કૌર સાથે મળીને ઈનિંગ્સને સંભાળી હતી અને બંને બેટ્સમેનોએ સ્કોર 110 સુધી પહોંચાડ્યો હતો. દીપ્તિ 29 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, જ્યારે રિચા ઘોષ એક રન બનાવીને રનઆઉટ થઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 54 રન બનાવ્યા હતાં.
ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 151 રન બનાવ્યા હતા આ પહેલા શારજાહમાં રમાયેલી ગ્રુપ અની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 151 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે, પાંચ ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચ્યા, જેમાં ઓપનર ગ્રેસ હેરિસ 40 રન સાથે ટોપ સ્કોરર રહી. એક્ટિંગ કેપ્ટન તાહલિયા મેકગ્રા અને એલિસ પેરીએ 32-32 રન બનાવ્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહ અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટિલ અને રાધા યાદવે એક-એક વિકેટ લીધી હતી.