વિન્ડિઝની છેલ્લી જોડીની કમાલ, ટી બ્રેક સુધીમાં 361/9
જોન કેમ્પબેલે 199 બોલમાં 12 ચોગ્ગા, છ છગ્ગા સાથે 115 રન ફટકાર્યા, શાઇ હોપના 103 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો બીજો અને અંતિમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે. આજે (13 ઓક્ટોબર) મેચનો ચોથો દિવસ છે. વેસ્ટ ઈન્ડિઝ પોતાની બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહ્યું છે. ચાના સમયનો સ્કોર 361 રન હતો, જેમાં નવ વિકેટ પડી હતી. જેડન સીલ્સ અને જસ્ટિન ગ્રીવ્સ બેટ્સમેન અણનમ હતા. વેસ્ટ ઈન્ડિઝ પાસે 91 રનની લીડ છે.
ભારતે પોતાનો પહેલો દાવ 518/5 પર ડિકલેર કર્યો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝે પોતાના પહેલા દાવમાં 248 રન બનાવ્યા. ભારતે પહેલી ઇનિંગમાં 270 રનની લીડ મેળવી અને વેસ્ટ ઈન્ડિઝને ફોલોઓન કરવાની ફરજ પાડી. ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં રમાયેલી શ્રેણીની પહેલી ટેસ્ટ એક ઇનિંગ અને 140 રનથી જીતી. આનો અર્થ એ થયો કે શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે. દિલ્હી ટેસ્ટ મેચના ચોથા દિવસની અપડેટ્સ માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. આ પછી, વેસ્ટ ઈન્ડિઝે તેમની બીજી ઇનિંગમાં તેજનારાયણ ચંદ્રપોલ (10 રન) અને એલિક એથાનાસે (7 રન) ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી.
35 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ, જોન કેમ્પબેલ અને શાઈ હોપે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી સાથે વિન્ડીઝને પાછું લાવ્યું. જોન કેમ્પબેલ અને શાઈ હોપે મેચના ચોથા દિવસના પહેલા સત્રમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. કેમ્પબેલે રવિન્દ્ર જાડેજા પર છગ્ગો ફટકારીને પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂર્ણ કરી. કેમ્પબેલે 199 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 115 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ કેમ્પબેલને કઇઠ આઉટ કરીને આ ભાગીદારી તોડી. કેમ્પબેલ અને હોપે ત્રીજી વિકેટ માટે 177 રનની ભાગીદારી કરી.
કેમ્પબેલના આઉટ થયા પછી, કેપ્ટન રોસ્ટન ચેઝે જવાબદારી સંભાળી અને ચોથી વિકેટ માટે 59 રન ઉમેર્યા. આ ભાગીદારી દરમિયાન, હોપે પોતાની કારકિર્દીની ત્રીજી સદી પૂર્ણ કરી. હોપે આઠ વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી. હોપને મોહમ્મદ સિરાજે બોલ્ડ કર્યો. હોપે 214 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા અને બે છગ્ગા સહિત 103 રન બનાવ્યા. હોપના આઉટ થયા પછી, ભારતીય બોલરોએ વાપસી કરી. કુલદીપ યાદવે ટેવિન ઇમલાચ (12 રન), રોસ્ટન ચેઝ (40 રન) અને ખારી પિયર (0 રન) ને આઉટ કર્યા. જસપ્રીત બુમરાહે જોમેલ વોરિકન (3 રન) અને એન્ડરસન ફિલિપ (2 રન) ને આઉટ કર્યા.
સદી સાથે જોન કેમ્પબેલે લગાવી રેકોડર્સની લાઇન
વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જોન કેમ્પબેલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત સામેની ટેસ્ટ મેચમાં હેડલાઈન્સમાં સ્થાન મેળવ્યું છે. કેમ્પબેલે ફોલોઓન માટે ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. કેમ્પબેલે 199 બોલનો સામનો કર્યો અને 115 રન બનાવ્યા, તેણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.કેમ્પબેલે પોતાની સદી સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ રેકોર્ડ પણ બનાવ્યા. લગભગ 23 વર્ષ બાદ વેસ્ટ ઈન્ડિઝના કોઈ ઓપનરે ભારતમાં ભારતીય ટીમ સામે ટેસ્ટ સદી ફટકારી છે. અગાઉ, વેવેલ હિન્ડ્સે નવેમ્બર 2002માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે 100 રનની ઇનિંગ રમી હતી.જોન કેમ્પબેલ દિલ્હીમાં પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારનાર 17મો બેટ્સમેન છે. આ કોઈપણ ભારતીય મેદાન માટે સૌથી વધુ છે. વિવ રિચાર્ડ્સ અને કપિલ દેવ જેવા દિગ્ગજોએ પણ દિલ્હીમાં પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી. છેલ્લે નયન મોંગિયાએ 1996માં ઓસ્ટ્રેલિયા સામે આ મેદાન પર 152 રન બનાવ્યા હતા. દિલ્હીમાં પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારનારા 17 બેટ્સમેનમાંથી 6 વેસ્ટ ઈન્ડિઝના છે.