T-20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે?
પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે તો કોલંબોમાં રમાશે, 7 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ, 8 માર્ચે ફાઇનલ
આવતા વર્ષે યોજાનાર T-20 વર્લ્ડ કપ 2026 અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર ટી-20 ક્રિકેટનો વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ શકે છે, જેની ફાઈનલ મેચ 8 માર્ચે યોજાવાની ધારણા છે.
આ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાનીમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય, તો ટુર્નામેન્ટનો ટાઇટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જો કે, જો પડોશી દેશ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે, તો ફાઇનલ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાઈ શકે છે.
T-20 વર્લ્ડ કપ 2026ની લડાઈ 7 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ શકે છે. ESPN ક્રિકઇન્ફો અનુસાર, ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે, તો T-20 વર્લ્ડ કપનો ટાઇટલ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.
જો પાકિસ્તાન ફાઇનલ પહેલા બહાર થઈ જાય છે, તો ટાઇટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. પાકિસ્તાન તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. T-20 વર્લ્ડ કપ મેચ ભારતમાં ઓછામાં ઓછા પાંચ અને શ્રીલંકામાં બે સ્થળોએ રમાશે. કુલ 20 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સુપર 8 રાઉન્ડમાં પહોંચશે. આ પછી, સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. ઇટાલીએ પહેલીવાર T-20 વર્લ્ડ કપ માટે ટિકિટ મેળવી છે.
ભારતીય ટીમ T-20 વર્લ્ડ કપ 2026 મા તેના ટાઇટલ બચાવના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાએ 2024માં ટાઇટલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ટાઇટલ જીત્યું હતું.
2026ના ટી-20 વિશ્વ કપમાં પણ કુલ 20 દેશની ટીમ ભાગ લેશે. પાંચ-પાંચ ટીમને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવશે. ફોર્મેટ એવી છે જેમાં સુપર-એઇટ રાઉન્ડ યોજાશે અને એમાં ટોચના ચાર ક્રમે આવનાર ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે અને પછી ફાઇનલ રમાશે.
20માંથી 15 ટીમના નામ નક્કી થઈ ગયા છે: ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, અમેરિકા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂ ઝીલેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, નેધરલેન્ડ્સ અને ઇટલી. હજી બે ટીમ આફ્રિકા ખંડમાંથી ક્વોલિફાય થશે અને બીજી ત્રણ ટીમ એશિયા તથા ઈસ્ટ એશિયા પેસિફિક પ્રદેશમાંથી ક્વોલિફિકેશન મેળવશે.