રોનાલ્ડો વર્લ્ડ કપની પ્રથમ મેચ ગુમાવશે?
એક-બે વર્ષમાં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ચૂકેલા પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને બાવીસ વર્ષની કારકિર્દીમાં પહેલી વાર પોર્ટુગલની મેચમાંથી નીકળી જવાનો આદેશ અપાયો. બીજી રીતે કહીએ તો તેને મેચ રેફરીએ રેડ કાર્ડ બતાવ્યું એને કારણે તે આવતા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલની પહેલી મેચમાં કદાચ નહીં રમી શકે. 40 વર્ષીય રોનાલ્ડોએ ગુરુવારે રાત્રે ડબ્લિનમાં વર્લ્ડ કપની ક્વોલિફાઇંગ મેચ દરમ્યાન આયરલેન્ડના ડિફેન્ડર ડારા ઑશાયને કોણી મારી હતી જેને પગલે રેફરીએ રોનાલ્ડોને રેડ કાર્ડ બતાવ્યું હતું.
રોનાલ્ડોએ મેચ દરમ્યાન એક તબક્કે ડારાને પીઠમાં જમણી કોણી ફટકારી દીધી હતી. રેફરીએ તેને મેદાનની બહાર જતા રહેવા કહ્યું ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા અસંખ્ય પ્રેક્ષકોએ રોનાલ્ડોને હુરિયો બોલાવ્યો હતો. રોનાલ્ડો હવે રવિવારે આર્મેનિયા સામેની વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચમાં તો નહીં જ રમી શકે, ફિફાના નિયમ મુજબ જો તેના પર કુલ બે મેચનો પ્રતિબંધ મૂકવામાં આવશે તો તે આવતા વર્ષે પોર્ટુગલ વતી ફિફા વર્લ્ડ કપની પહેલી મેચમાં પણ ભાગ નહીં લઈ શકે.
ફિફાનો નિયમ એવો છે કે જો કોઈ ખેલાડીની કસૂર ગંભીર હોય તો તેના પર બે મેચનો પ્રતિબંધ મૂકવામાં આવે છે.