શુક્રવારની ICCની બેઠકમાં નકવી હાજર નહીં રહે?
એશિયન ટ્રોફીનો વિવાદ વધુ વકર્યો
ભારતીય ટીમને એશિયા કપ 2025 જીત્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલનો ચેરમેન મોહસીન નકવીએ હજુ સુધી ભારતને ટુર્નામેન્ટ ટ્રોફી સોંપી નથી. તાજેતરમાં, BCCI એACCને પત્ર લખીને ટ્રોફી મુંબઈ મોકલવાની વિનંતી કરી હતી, પરંતુ નકવીએ ટ્રોફી પરત ના કરી. નકવી વ્યક્તિગત રીતે BCCI ના પ્રતિનિધિ અને ભારતીય ટીમના સભ્યને ટ્રોફી સોંપવા માંગે છે. આ સમગ્ર મામલાએ બંને બોર્ડ વચ્ચે તણાવ વધાર્યો છે, હકીકતમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ મોહસીન નકવી દુબઈમાં ચાર દિવસીયICC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં હાજરી નહીં આપી તેવી શક્યતા છે.
આ ગેરહાજરી માટે સ્થાનિક રાજકીય મુદ્દાઓને કારણ તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. BCCI આ બેઠકમાં એશિયા કપ ટ્રોફી ભારતને સોંપવામાં થયેલ વિલંબનો મુદ્દો ઉઠાવે તેવી પૂરી શક્યતા છે. PCBના એક સૂત્રએ જણાવ્યું હતું કે બોર્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુમેર સૈયદ નકવીના સ્થાને CEOની બેઠકમાં હાજરી આપશે. જો નકવી દુબઈ જઈ ન શકે, તો સૈયદ 7 નવેમ્બરના રોજ યોજાનારી મહત્વપૂર્ણ બોર્ડ બેઠકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી શકે છે. જોકે, એવી પણ શક્યતા છે કે નકવી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી શકે છે.
